
ભારતની ટોચની 32 સરકારી કંપનીઓ CEO વગર ચાલે છે
નવી દિલ્હી, 3 ડિસેમ્બર : સરકારે મંગળવારે જણાવ્યુ હતું કે દેશની 32 સેન્ટ્રલ પબ્લિક સેકટર એન્ટરપ્રાઈઝ (સીપીએસઈએસ)નું કામકાજ નિયમિત કે કાયમી ચીફ એકઝીકયુટીવ ઓફિસર (સીઇઓ) વિના જ ચાલી રહ્યુ છે.
સીઇઓ વગર ચાલતી ટોચની સરકારી કંપનીઓમાં કોલ ઈન્ડીયા (સીઆઈએલ), એનએચપીસી, એમએમટીસી અને પાવર ફાયનાન્સ કોર્પોરેશન (પીએફસી) જેવી અગ્રણી કંપનીઓ સામેલ છે.
સરકારે કોલ ઈન્ડીયામાંનો 10 ટકા અને એનપીએચસીમાંનો 11.36 ટકા હિસ્સો વેચવાની દરખાસ્ત કરી હતી. સરકાર બીએસએનએલ, એમટીએનએલ અને એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડીયા (એએઆઈ) જેવી અગ્રણી કંપનીઓના પણ હિસ્સો વેચવાની યોજના ધરાવે છે.
ભારે ઉદ્યોગોના મંત્રી જી.એમ. સિદ્ધેશ્વરે કહ્યુ હતુ કે 'આ ખાલી જગ્યાઓ વધારાના ચાર્જ સોંપીને ચલાવવામાં આવશે જેથી સીપીએસઈની નિયમીત કામગીરીને કોઈ અસર ન પહોંચે.' સરકાર છેક જૂન 2014થી સીઆઈએલના ચેરમેન અને મેનેજિંગ ડિરેકટર (સીએમડી)ની નિમણૂક કરી શકી નથી.
આ ઉપરાંત નવા રચાયેલા તેલંગાણા રાજ્યમાં અગ્રસચિવ તરીકે ચાર્જ સંભાળવા માટે એસ.નરસિંગ રાવે તે સમયે સીઆઈએલના ચેરમેનપદેથી રાજીનામુ આપી દીધુ હતું. કોલસા મંત્રાલયમાં અધિક સચિવનો હોદો સંભાળતા એ કે દૂબે અત્યારે સીઆઈએલના સીએમડીનો વધારાનો ચાર્જ સંભાળી રહ્યા છે.
જળવિદ્યુત કંપની એનએચપીસીમાં તો છેક વર્ષ 2011થી ફુલ ફંકશનિંગ ચેરમેનનું પદ ખાલી છે. વર્તમાન ચેરમેન આર.એસ.ટી.સાઈ જુન 2014થી વધારાનો ચાર્જ સંભાળી રહ્યા છે. પાવર ફાયનાન્સ કોર્પમાં સપ્ટેમ્બર વર્ષ 2013થી સીએમડીનું પદ ખાલી છે. કંપનીમાં ડિરેકટર (કોમર્શિયલ) તરીકે કાર્યરત એમ.કે. ગોયલ પાસે સીએમડીનો વધારાનો ચાર્જ છે. ઉપરાંત હિન્દુસ્તાન ફોટો ફિલ્મ્સ, એચએમટી ચિનાર વોચિંગ અને હિન્દુસ્તાન કેબલ જેવી માંદી કંપનીઓમાં ચેરમેન નથી.