• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મારૂતી સુઝુકી મોટર્સનું ગુજરાતમાં આગમન, બેચરાજી ખાતે પ્‍લાન્‍ટનો શિલાન્‍યાસ

|
Google Oneindia Gujarati News

બેચરાજી, 30 જાન્યુઆરી: મુખ્‍યમંત્રી આનંદીબેન પટેલે બેચરાજી નજીક હાંસલપુર ખાતે મારૂતી સુઝુકી મોટર્સના પ્‍લાન્‍ટનો શિલાન્‍યાસ કરતા વૈશ્‍વિક વિકાસમાં આંતરમાળખાકીય વિદેશી કંપનીઓની સહભાગીતા મેક ઇન ઇન્‍ડિયાની નેમ પાર પાડશે તેવો વિશ્વાસ દર્શાવ્‍યો હતો.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીએ તેમના ગુજરાતના મુખ્‍યમંત્રી તરીકેના તેમના કાર્યકાળમાં રાજ્યના પાણી, વિજળી, રસ્‍તા, ગ્રામવિકાસ સહિત આંતરમાળખાકીય સવલતો વિકસાવીને વિદેશી કંપનીઓને પણ ગુજરાતમાં ઉદ્યોગો સ્‍થાપવા પ્રેરિત કરી છે.

વાયબ્રન્‍ટ ગુજરાત ગ્‍લોબલ સમિટની સાત - સફળ શૃંખલાએ ગુજરાતની આ શ્રેષ્‍ઠતાનું વિશ્વભરમાં શો-કેસ કર્યું અને જાપાન જેવો ઔદ્યોગિક પ્રગતિશીલ દેશ પાર્ટનર કન્‍ટ્રી બન્‍યો તેનું શ્રેય તેમણે ગુજરાતના ગતિશીલ પ્રો-એક્ટીવ સુશાસનને આપ્‍યું હતું.

મુખ્‍યમંત્રીએ માંડલ-બેચરાજી-હાંસલપુર વિસ્‍તારની અગાઉની સુકીભઠ્ઠ જમીન અને ગાંડાબાવળ વચ્‍ચે હાડમારીભર્યા જીવનની સ્‍થિતિ સામે ગુજરાતની ભાજપા સરકારે છેલ્લા ૧૪ વર્ષમાં ઔદ્યોગિક પ્રગતિની મિશાલ સ્‍થાપીને રોજગાર અવસરો આપ્‍યા છે તેની ભૂમિકા આપી હતી.
આનંદીબેન પટેલે સર્વાંગી વિકાસ માટે ખેતી, પશુપાલન, સર્વિસ સેક્ટર જેવા ત્રિવિધ મોરચે સુદ્દઢ કાર્ય આયોજનો તત્‍કાલીન મુખ્‍યમંત્રી નરેન્‍દ્રભાઇએ કર્યા તેમાં સ્‍પેશ્યલ ઇન્‍વેસ્‍ટમેન્‍ટ રીજિયન, કૃષિ મેળા, પશુ મેળા દ્વારા વૈજ્ઞાનિક કૃષિ પશુપાલન તથા શિક્ષણ અને કૌશલ્‍યવર્ધન દ્વારા સર્વગ્રાહી વિકાસ સર્વસમાવેશક વિકાસની નેમ પાર પાડી છે તેનો હર્ષ વ્‍યક્ત કર્યો હતો. આ વિસ્‍તારોમાં ઉદ્યોગોની સ્‍થાપના થતાં જમીન સંપાદનની જરૂરિયાત ઉભી થઇ છે તેમાં પૂરતું વળતર આપીને જમીન સંપાદન કરવાનો કલ્‍યાણલક્ષી અભિગમ આ સરકારે અપનાવ્‍યો છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

રાજ્યમાં આવનારા ઉદ્યોગોને અનુરૂપ માનવબળ મળી રહે તે માટે કૌશલ્‍યવર્ધન કેન્‍દ્રો અને આઇ.ટી.આઇ.ની સવલતો ઉદ્યોગોની આસપાસના વિસ્તારોમાં શરુ કરી છે તેની વિગતો આપતાં મુખ્‍યમંત્રીએ ઉમેર્યું કે, આવા કૌશલ્‍યવર્ધન કેન્‍દ્રોનું જોડાણ નવા સ્‍થપાનારા ઉદ્યોગો સાથે કરીને રાજ્ય સરકારે રોજગાર અવસરો માટે પણ વ્‍યાપક તકો પૂરી પાડી છે.

આ અવસરનો લાભ લઇ યુવાધનને ઉદ્યોગોમાં રોજગાર મેળવવા મુખ્‍યમંત્રીએ અપીલ કરી હતી. મુખ્‍યમંત્રીએ આવા ઉદ્યોગોમાં વૈશ્વીક સ્‍પર્ધાનું વાતાવરણ સરવાળે ક્વોલીટી ઈન્‍સ્યોરન્‍સને પ્રેરિત કરશે અને ઉપભોક્તાઓને પસંદગીનો વિશાળ અવકાશ મળશે તેવી અપેક્ષા વ્‍યક્ત કરી હતી.

આ કાર્યક્રમમાં ભારત ખાતેના જાપાનના રાજદૂત તાકેશી યાગી ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા. આ પ્રસંગમાં ઉપસ્‍થિત રહેવાનો આનંદ વ્‍યક્ત કરતાં તેમણે જણાવ્‍યું હતું કે, ગુજરાતના ઔદ્યોગિક વિકાસની પ્રક્રિયામાં જાપાનીઝ ઉદ્યોગકારોની પણ નોંધપાત્ર ભૂમિકા છે. હજી હમણાં જ યોજાયેલ વાઇબ્રન્‍ટ સમિટ ૨૦૧પમાં ૨૦૦ સભ્‍યોના જાપાનીઝ ડેલિગેશને ભાગ લીધો હતો. ગુજરાતમાં અનેક જાપાનીઝ કંપનીઓ કાર્યરત છે તેમાં મારૂતી સુઝુકીના આ નવા પ્‍લાન્‍ટના કારણે એક નવું સીમાચિહન ઉમેરાયું છે.

મારુતિ સુઝુકીના ચેરમેન ઓસામુ સુઝુકીએ કંપનીના સામાજિક ઉત્તરદાયિત્‍વરૂપે શૌચાલય નિર્માણ માટે મુખ્‍યમંત્રી સ્‍વચ્‍છત્તા નિધિમાં રુપિયા દસ લાખનો ચેક મુખ્‍યમંત્રીને અર્પણ કર્યો હતો. આનંદીબેને આ ચેક અમદાવાદ જિલ્લાના ગામોમાં ઘેર ઘેર શૌચાલય બનાવવા જિલ્લા પંચાયતને આપવાની જાહેરાત કરી હતી.

આ પ્રસંગે ખાસ ઉપસ્‍થિત સુઝુકી મોટર કોર્પોરેશનના ચેરમેન અને સી.ઇ.ઓ. ઓસામુ સુઝુકીએ જણાવ્‍યું હતું કે, સુઝુકી જૂથ માટે ગુજરાતમાં આ નવિન નિર્માણ કેન્‍દ્રની સ્‍થાપના સાથે એક નવિન યુગની શરૂઆત થઇ છે. વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી દ્વારા પ્રસ્‍તાવિત મેક ઇન ઇન્‍ડિયા કાર્યક્રમ અંતર્ગત અમે ગુજરાતમાં એક સ્‍ટેટ ઓફ ધ આર્ટ અત્‍યાધુનિક નિર્માણ પ્‍લાન્‍ટની સ્‍થાપના કરીશું અને અમારૂ સમગ્ર ધ્‍યાન ઉત્‍પાદન અને દક્ષતા તરફ રહેશે. આ પ્‍લાન્ટમાં થનાર ઉત્‍પાદન અંગેની વિગતો આપતાં તેમણે જણાવ્‍યું હતું કે, સુઝુકી જૂથ હાંસલપુરમાં ત્રણ પ્‍લાન્‍ટ સ્‍થાપિત કરશે, જેની કુલ વાર્ષિક ક્ષમતા ૭,પ૦,૦૦૦ વાહનોની હશે. પ્રથમ પ્‍લાન્‍ટ ૨૦૧૭ના મધ્‍યમાં શરૂ થશે. આ પ્‍લાન્‍ટ રુપિયા ૩૦૦૦ કરોડના રોકાણથી તૈયાર થશે અને તેની વાર્ષિક ઉત્‍પાદન ક્ષમતા ૨,૫૦,૦૦૦ વાહનોની હશે.

આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી રજનીકાન્‍ત પટેલ, મારૂતી સુઝુકી ઇન્‍ડિયા લીમીટેડના ચેરમેન આર.સી. ભાર્ગવ અને મેનેજિંગ ડિરેકટર કેનીચી આયુકાવા તથા સાંસદો સર્વ ડો. કિરીટ સોલંકી, જયબેન પટેલ તથા દેવજીભાઇ ફતેપરા તથા અમદાવાદ જિલ્લાના ભાજપાના પદાધિકારીઓ સર્વ કમાભાઇ રાઠોડ, સુરેશભાઇ પટેલ તથા વિશાળ સંખ્‍યામાં લોકો ઉપસ્‍થિત રહ્યા હતા.

English summary
Maruti Suzuki Lays Foundation Stone For Gujarat Plant.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X