NHAI એ ફાસ્ટેગ પાસને લઈને મોટી જાહેરાત કરી
લગભગ બે મહિના પહેલા NHAI દ્વારા વાહન માલિકો માટે વાર્ષિક ફાસ્ટેગ પાસ શરૂ કરવામાં આવ્યો હતો. 3,000 ના આ પાસથી કાર માલિકોને નોંધપાત્ર રાહત મળી છે. હવે NHAIએ એક નવી પહેલની જાહેરાત કરી છે, જે અંતર્ગત ટોલ પ્લાઝા પર માસિક અને વાર્ષિક પાસ સંબંધિત માહિતી પ્રદર્શિત કરવામાં આવશે.
આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય પારદર્શિતા વધારવાનો અને વાહનચાલકોને તેમના પાસ વિશે સંપૂર્ણ જાણકારી પૂરી પાડવાનો છે. NHAIએ તેની ફિલ્ડ ઓફિસને આ માહિતી સ્પષ્ટ અને સુલભ રીતે પ્રદર્શિત કરવા સૂચના આપી છે. આને કારણે ટોલ ક્રોસ કરતી વખતે તમારી કેટલી ટ્રિપ્સ બાકી છે અને પાસ ક્યાં સુધી માન્ય છે તેની માહિતી ડિસ્પ્લે પર ઉપલબ્ધ થશે.

NHAI અનુસાર, માસિક અને વાર્ષિક પાસની વિગતો ટોલ પ્લાઝા નજીકના ગ્રાહક સેવા વિસ્તારમાં તેમજ પ્રવેશ અને નિકાસના સાઇનબોર્ડ પર પ્રદર્શિત કરાશે. આ સાઇનબોર્ડ હિન્દી, અંગ્રેજી અને સ્થાનિક ભાષામાં હશે, જે દિવસ-રાત સ્પષ્ટપણે દેખાઈ શકે તેવા હોવા જોઈએ.
આ બોર્ડ 30 દિવસની અંદર સ્થાપિત કરવાનો આદેશ NHAI દ્વારા આપવામાં આવ્યો છે. વાર્ષિક પાસ વિશેની માહિતી રાજમાર્ગયાત્રા મોબાઇલ એપ્લિકેશન અને તેની સંબંધિત વેબસાઇટ પર પણ ઉપલબ્ધ કરાશે, જેથી વધુને વધુ લોકો તેનો લાભ લઈ શકે.
લોકલ માસિક પાસ ખાસ કરીને ટોલ પ્લાઝાના 20 કિલોમીટરના ત્રિજ્યામાં રહેતા લોકો માટે બનાવવામાં આવ્યો છે અને તે ખાનગી કાર માટે માન્ય છે. આ પાસ મેળવવા માટે અરજદારે આધાર કાર્ડ, વાહન નોંધણી પ્રમાણપત્ર અને સરનામાનો પુરાવો રજૂ કરવો પડશે, જેની ચકાસણી ટોલ પ્લાઝાના હેલ્પડેસ્ક પર કરવામાં આવશે.
આ વાર્ષિક પાસ કાર, જીપ અથવા વાન જેવા ખાનગી વાહનો માટે છે. તે એક વર્ષ અથવા 200 ટોલ પ્લાઝા ક્રોસિંગ માટે માન્ય છે. તેની કિંમત 3,000 રૂપિયા છે અને તે રાજમાર્ગયાત્રા એપ દ્વારા ખરીદી શકાય છે. ખરીદી પછી આ પાસ વાહનના માન્ય FASTag સાથે ડિજિટલી લિંક થઈ જાય છે.
આ પાસ દેશભરના લગભગ 1150 ટોલ પ્લાઝા પર કાર્યરત છે, જે લાંબા અંતરની મુસાફરી કરતા વાહનચાલકો માટે સુવિધાજનક છે. આ પગલાથી FASTag સિસ્ટમ વધુ કાર્યક્ષમ અને પારદર્શક બનશે તેવી અપેક્ષા છે.












Click it and Unblock the Notifications
