For Daily Alerts
હવે વાહન કે હાઉસિંગ લોન માટે પોસ્ટ ડેટેડ ચેકની જરૂર નથી
નવી દિલ્હી, 26 જુલાઇ : ભારતીય રિઝર્વ બેંકે જણાવ્યું છે કે વાહન અને હાઉસિંગ લોન લેતા ગ્રાહકોએ હવે બેંકોને હપ્તા ચુકવણી માટે પોસ્ટ ડેટેડ ચેક આપવા નહીં પડે. રિઝર્વ બેંકે તમામ બેંકોને જણાવ્યું છે કે એવા સ્થળો ઉપર કે જયાં બેંકોમાં ઇલેકટ્રોનિક કલીયરીંગની સુવિધા ઉપલબ્ધ છે ત્યાં ગ્રાહકો પાસેથી પોસ્ટ ડેટેડ ચેક ન લેવા.
ઉલ્લેખનીય છે કે અગાઉ આપેલા ચેક પણ હવે ઇલેકટ્રોનિક પધ્ધતિ થકી જ વસુલ કરવામાં આવશે. રિઝર્વ બેંકના જણાવ્યા પ્રમાણે આમ કરવાથી ચેકબુક લેવાનું ભારણ ઘટશે.
રિઝર્વ બેંકના જણાવ્યા પ્રમાણે જો ખાતામાં પૈસા ન હોવાના કારણથી ઇલેકટ્રોનિક પધ્ધતિથી ચેક બાઉન્સ થાય તો તેવી સ્થિતિમાં પણ ચેક લખનાર વિરૂધ્ધ નેગોશીએબલ એકટ હેઠળ કાર્યવાહી થશે. રિઝર્વ બેંકના જણાવ્યા પ્રમાણે જે બેંકોમાં ઇલેકટ્રોનિક કલીયરીંગ પ્રણાલીની વ્યવસ્થા નથી ત્યાં એવા જ ચેક માન્ય રહેશે જે સીટીએસ 2010ના માપદંડને અનુરૂપ હોય.