ધીરુભાઈ અંબાણીએ 300 રુપિયાની નોકરીથી શરુ કરીને પોતાનુ સામ્રાજ્ય કેવી રીતે ઉભુ કર્યુ? વાંચો પ્રેરણાદાયક કહાની
Dhirubhai Ambani Death Anniversary: 28 ડિસેમ્બર, 1932ના રોજ ગુજરાતના જૂનાગઢમાં ચોરવાડમાં જન્મેલા ધીરુભાઈ અંબાણીનુ આખુ નામ ધીરજલાલ હીરાચંદ અંબાણી. હાલમાં દેશના સૌથી ધનાઢ્ય વ્યક્તિ મુકેશ અંબાણીના પિતા ધીરુભાઈને કોઈ પરિચયની જરુર નથી.
દિવંગત ધીરુભાઈ અંબાણીનુ જીવન ખૂબ જ ઉતાર-ચડાવથી ભરેલુ રહ્યુ. આજે એટલે કે 6 જુલાઈએ તેમની પુણ્યતિથિ છે. આવો આ પ્રસંગે તેમના જીવનની રસપ્રદ સફર પર એક નજર કરીએ.

ધીરુભાઈ અંબાણીનો જન્મ એક સામાન્ય સ્કૂલ શિક્ષકના ઘરમાં થયો. ઘરની આર્થિક સ્થિતિ એટલી સારી ન હોવાથી ધીરુભાઈએ 10માં ધોરણ પછી નાના-મોટા કામ કરીને ઘરમાં પૈસા કમાવાનુ શરુ કર્યુ. તેઓ વર્ષ 1947માં માત્ર 17 વર્ષની વયે પૈસા કમાવા માટે પોતાના ભાઈ રમણિકલાલ પાસે યમન ગયા હતા. અહીં તેમને પેટ્રોલ પંપ પર અટેન્ડન્ટની નોકરી મળી. જેમાં તેમને દર મહિને માત્ર 300 રુપિયા પગાર મળતો હતો.
ધીરુભાઈ પોતાનુ કામ ખૂબ જ મહેનત અને લગન સાથે કરતા હતા. માટે થોડા જ સમયમાં તેમને મેનેજર બનાવી દેવામાં આવ્યા. પાંચ વર્ષ બાદ 1954માં તેઓ ભારત પાછા આવ્યા. કંઈક મોટુ કરવાના સપના સાથે 500 રુપિયા લઈને તેઓ મુંબઈ આવ્યા. અહીં તેમણે ભારતીય બજારો વિશે ઘણુ બધુ સમજી લીધુ હતુ. તેમને એક આઈડિયા આવ્યો કે ભારતમાં પૉલિસ્ટરની માંગ સૌથી વધુ છે અને વિદેશોમાં ભારતીય મસાલાની. બસ.. પછી શું, તેમણે આ સેક્ટરથી શરુઆત કરી.
ધીરુભાઈ અંબાણીએ રિલાયન્સ કૉમર્સ કૉર્પોરેશન નામથી પોતાની કંપનીની શરુઆત કરી. રિલાયન્સ કૉમર્સ કૉર્પોરેશનની ઑફિસ મુંબઈના મસ્જિદ બંદર વિસ્તારમાં હતી, જેનો એરિયા માત્ર 500 વર્ગ ફૂટ હતો. એક રુમની આ ઑફિસમાં માત્ર એક ટેબલ, ત્રણ ખુરશી, બે સહયોગી અને એક ટેલિફોન હતો.
આ દરમિયાન તેમણે અમદાવાદમાં તેમની કંપની વિમલ સૂટિંગ શર્ટિંગની પણ સ્થાપના કરી. જે ખૂબ મોટા પ્રમાણમાં પોલિએસ્ટર કપડાનુ ઉત્પાદન કરતી હતી. ચોંકાવનારી વાત એ છે કે એ વખતે વેપારીઓ દુકાનદારોને ધમકી આપતા કે જો તેઓ ધીરુભાઈ સાથે વેપાર કરશે તો તેઓ તેમને કપડાં નહિ આપે. આના કારણે વેપારીઓ ધીરુભાઈ પાસેથી કપડાં ખરીદતા ડરતા હતા.
ધીરુભાઈની આ વાતની જાણ થયા પછી તેઓ તમામ વેપારીઓએ મળ્યા અને ખાતરી આપી કે જો ધંધામાં કોઈ નુકશાન થાય તો તેના માટે ધીરુભાઈ પોતે જવાબદાર રહેશે અને જો નફો થાય તો વેપારીઓએ તેમની પાસે રાખવાનો. ત્યારબાદ ધીરુભાઈ અંબાણીએ પોતાનુ ધંધો જમાવ્યો એટલુ જ નહિ નવા ઉદ્યોગપતિઓ પણ ઉભા કર્યા.
ધીરુભાઈ અંબાણીએ આઝાદ ભારતનો પહેલો આઈપીઓ લાવવાનો વિચાર કર્યો અને 10 રુપિયાની શેર પ્રાઈઝ પર 2.8 મિલિનય શેરનો આઈપીઓ રજૂ કર્યો. આ આઈપીઓ પર રોકાણકારોએ ભરોસો દર્શાવ્યો અને તે સાત ગણો ઓવરસબસ્ક્રાઈબ થયો. જેમાં રોકાણકારોને જબરદસ્ત નફો થયો.
ટેક્સટાઈલ કંપની બાદ ધીરુભાઈએ ટેલીકમ્યુનિકેશન, ટેલીકૉમ, ટેલીકૉમ ઈન્ફોર્મેશન, એનર્જી, ઈલેક્ટ્રીસિટી રિટેલ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કેપિટલ માર્કેટ અને લૉજિસ્ટીક્સ સુધી પોતાની કંપનીઓનો વિસ્તાર કર્યો. વર્ષ 2002 દરમિયાન તેમણે ટેલીકૉમ સેક્ટરમાં પગ મૂક્યો. રિલાયન્સે 600 રુપિયામાં સિમ અને 15 પૈસા પ્રતિ મિનિટ વાત કરવાની સુવિધા આપી. જેના માટે પહેલા વધુ ચાર્જ આપવો પડતો હતો.
ધીરુભાઈ અંબાણી એક શાનદાર લીડર તરીકે ઓળખાતા. કોઈ પણ કર્મચારી તેમની કેબિનમાં બેઝિઝક આવી શકતા હતા. કોઈ પણ વ્યક્તિ તેમની સમસ્યા ધીરુભાઈ જણાવતા. તેઓ તેમની સમસ્યા સાંભળતા અને તેનો ઉકેલ લાવતા.
ધીરુભાઈ અંબાણી ક્યારેય 10 કલાકથી વધુ કામ નહોતા કરતા. આખો દિવસ કામ કર્યા પછી રોજ સાંજ તેઓ પરિવાર સાથે સમય પસાર કરતા. તેમને પાર્ટી કરવાનુ બિલકુલ પસંદ નહોતુ. વિદેશમાં જવુ બહુ જરુરી હોય તો જતા, નહિતર તેમના અધિકારીઓને મોકલી દેતા. વર્ષ 2016માં ધીરુભાઈને પદ્મ વિભૂષણથી સમ્માનવામાં આવ્યા હતા. 6 જુલાઈના રોજ હ્રદયરોગનો હુમલો આવતા તેમનુ નિધન થયુ હતુ.
ધીરુભાઈ અંબાણીએ કોકિલાબેન સાથે લગ્ન કર્યા હતા. તેમના બે દીકરા મુકેશ અંબાણી અને અનિલ અંબાણી છે. મોટા દીકરા મુકેશ અંબાણી આજે દુનિયામાં નવમાં સૌથી અમીર અને એશિયાના બીજા સૌથી અમીર વ્યક્તિ છે.












Click it and Unblock the Notifications
