ઉત્તરાયણ એટલે પતંગની મજા અને સુરતી ઉંધીયા, જલેબીની મિજબાની

Written By:
Subscribe to Oneindia News

આપણે ત્યાં ઉતરાણનું સૌથી લોકપ્રિય તહેવાર છે. પતંગ ચગાવવાની સાથે આ દરમિયાન ખાણીપીણીના શોખીનો ઉંધીયા, જલેબી અને પોંકનો સ્વાદ માણે છે. આ સિઝનમાં ઉંધીયાનું ખાસ આકર્ષણ હોય છે. આજ-કાલ તો જાત-જાતના પ્રકારના ઉંધીયા માર્કેટમાં જોવા મળે છે, સુરતમાં તો બારે માસ ઉંધીયાનું વેચાણ થાય છે. હવે તો જૈન, કાઠિયાવાડી, સ્ટિક વગેરે જેવા અનેક પ્રકારના ઉંધીયા બજારમાં મળે છે, ઉંધીયાના તૈયાર મસાલા પણ મળે છે; પરંતુ અસલ સુરતી ઉંધીયુ સૌથી પ્રખ્યાત છે.

ઉંબાડિયા અને પંચકુટિયા શાકનું મિશ્રણ

ઉંબાડિયા અને પંચકુટિયા શાકનું મિશ્રણ

ઉંધીયુ એ શિયાળાની સિઝનમાં સૌથી વધુ ખવાતું શાક છે. એક રીતે જોવા જઇએ તો આજનું ઉંધીયું એ ઉંબાડિયા અને પંચકુટિયા શાકનું મિશ્રણ કહી શકાય. ઉંબાડિયું પણ ખૂબ પ્રખ્યાત શાક છે અને શિયાળામાં લોકો ખાસ આ શાકની મિજબાની માણે છે. ઘણાં વર્ષો પહેલાં દક્ષિણ ગુજરાતમાં આ વાનગીનું ચલણ હતું. જમીનની અંદર ઉંધુ માટલું મૂકીને આ શાક બનાવવામાં આવતું, આથી એનું નામ પડ્યું ઉંબાડિયું. એ સમયે લોકો ખેતરમાં જ આ શાક બનાવી એનું વાળુ કરી લેતાં. એ પછી ઉંબાડિયામાં લીલો મસાલો ભેળવી તેને ગેસ પર બનાવવામાં આવ્યું, ઊંધા માટલામાં આ શાક બનતું હોવાથી નામ પડ્યું ઉંધીયું. કહેવાય છે કે, સૌ પ્રથમ સુરતમાં જ આ વાનગી બની હતી.

લો કેલરી અને ચીઝ ઉંધીયું

લો કેલરી અને ચીઝ ઉંધીયું

હવે તો ઉંધીયાની રેસિપીમાં અનેક શાક અને જુદા-જુદા મસાલા ઉમેરાયા છે. ઉંધીયામાં જે અસલ સ્વાદ છે, એ લીલા લસણ અને તેના મસાલાનો છે. તમામ અસલ સુરતી રેસિપીમાં લીલા લસણનો મારો જોવા મળે છે. જો કે, હવે માર્કેટમાં જૈન ઉંધીયું પણ મળે છે. આ વાનગીને થોડો ટ્રેન્ડી ટચ આપવા દુકાનદારો એમાં ચીઝ પણ ઉમેરતા થયા છે તો હેલ્થ કેન્શિયસ લોકો માટે લો કેલરી ઉંધીયું પણ મળી રહે છે. જો કે, ઉંધીયામાં તેલ વધારે હોય તો જ એનો ખરો સ્વાદ આવે છે.

અસલ સુરતી ઉંધીયું

અસલ સુરતી ઉંધીયું

અસલ સુરતી ઉંધીયાની વાત કરીએ તો એમાં રિંગણ, પાપડી, રતાળું, બટાકા અને શક્કરિયા નાંખવામાં આવે છે. શાકભાજી પ્રમાણમાં થોડા મોટા સમારીને નાંખવામાં આવે છે. તેમાં માત્ર લીલા મસાલાનો ઉપયોગ થાય છે, જેમાં લીલું લસણ મુખ્ય છે. તેલ અને મસાલા આગળ પડતા નાંખવામાં આવે છે અને ગળપણ માટે ગોળ ઉમેરવામાં આવે છે. અસલ સુરતી ઉંધીયામાં ગરમ મસાલાનો ઉપયોગ નથી થતો. હવેના ઉંધીયામાં ભરેલા રિંગણ અને બટાકા, તુવેર, પાપડી, કાચા કેળા, મેથીની ભાજીના મુઠિયા, રતાળુ અને શક્કરિયાનો ઉપયોગ કરવામાં આવે છે. મસાલામાં તુવરે, શિંગ અને લીલું લસણ ક્રશ કરીને ભેળવવામાં આવે છે.

જુદા-જુદા પ્રકારના ઉંધીયા

જુદા-જુદા પ્રકારના ઉંધીયા

જો કે, રાજ્યના જુદા-જુદા વિસ્તારોમાં જુદી-જુદી રીતે આ વાનગી બને છે, પરંતુ દરેક જગ્યાએ સુરતી ઉંધીયું ડિમાન્ડમાં રહે છે. સૌરાષ્ટ્રમાં ઉંધીયું લાલ મસાલામાં બને છે. ત્યાં દરેક શાકની જેમ ઉંધીયામાં પણ ધાણા-જીરુ પણ નંખાય છે. તો મધ્ય ગુજરાતમાં ઉંધીયામાં પાકા કેળા, ટામેટા, તુવેર ઉમેરાય છે. દુકાનદારો ઉંધીયામાં મુઠિયા પણ ઉમેરે છે. હવે તો ગ્રાહકોના પ્રેફરન્સ અનુસાર, ઉંધીયાની મૂળ રેસિપીમાં અનેક પરિવર્તનો કરવામાં આવ્યા છે.

English summary
Uttrayan: Kite Festival and Surati Undhiyu and Jalebi

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.