મહા-દાની કર્ણની ભૂમિ પર જન્મ લેનાર ભારતીયો આજે અંગદાનથી કેમ દૂર ભાગે છે?
ભારતીય સંસ્કૃતિમાં દાનનું અનેરું મહત્વ રહેલું છે. આપણા ધાર્મિક ગ્રંથોમાં પણ દાનની વાત કરવામાં આવી છે. સૂર્ય પુત્ર કર્ણ જે ધરતી પર જન્મ્યો હોય તે ધરતીના માનવીઓ આજે દાન કરવામાં ખચકાટ અનુભવે છે.

કર્ણને ભારતીય ઈતિહાસમાં સૌથી મોટો દાનવીર માનવામાં આવે છે, પૌરાણિક કથાઓ પ્રમાણે કર્ણ પાસેથી ક્યારેય કોઈ ભિક્ષુક ખાલી હાથે નથી ગયો. એટલું જ નહીં, મહાભારતના યુદ્ધની ઠીક પહેલાં ખુદ ઈન્દ્ર દેવે સાધુનું રૂપ ધારણ કરી કર્ણ પાસેથી કવચ-કુંડળ દાનમાં માંગી લીધાં હતાં, કર્ણની મહાનતા જ એ હતી કે આ સાધુ બીજું કોઈ નહિં પણ ખુદ ઈન્દ્ર છે અને અર્જુનને બચાવવાની લાલસાએ આવ્યા હોવાનું જાણતો હોવા છતાં હંસતા મોઢે પોતાના કવચ-કુંડળ દાનમાં આપી દીધાં હતાં.
પરંતુ આજના ભારતીયો જાણે કર્ણની દાન-કથાઓ ભૂલી ગયા હોય તેવું લાગે છે. તેમને આજે પોતાના પૈસાનો, પોતાના અંગોનો મોહ છે. લાખો રૂપિયાની આવક હોવા છતાં દાનની વાત આવે ત્યારે મોટા-મોટા ધનપતિઓ પણ મોઢું છૂપાવવા લાગે છે. ધન તો દૂરની વાત છે સાહેબ પણ આજે લોકો મૃત્યુ પછી પણ કોઈને કામ આવવા નથી માંગતા. આખું શરીર બળીને ખાખ થઇ જશે પણ હ્રદય બીજા કોઈને કામે લાગે એવી આશાએ અંગદાન નહીં કરે.
કૃષ્ણ ભગવાન પણ પોતાનું હ્રદય આ ધરતી પર જ છોડીને ગયા, તેમનું હ્રદય હજી પણ જગન્નાથ મંદિરની મુર્તિમાં ધબકતું હોવાની કથા છે, ત્યારે આજના માનવીએ પોતાના શરીર, અને અંગોનો મોહ છોડી અંગદાન ઉત્સાહથી કરવું જોઈએ.
આજે અંગદાનની વાત એટલા માટે કરવી પડે છે કેમ કે આજે 13 ઓગસ્ટના રોજ વિશ્વ અંગદાન દિવસ (World Organ Donation Day)ની ઉજવણી કરવામાં આવે છે. અંગદાન પ્રત્યે લોકોમાં જાગૃતતા ફેલાવવાના આશયથી દર વર્ષે વિશ્વ અંગદાન દિવસ ઉજવવામાં આવે છે પરંતુ છતાં તેનો હજી સુધી કંઈ વધુ ફાયદો થયો નથી.
કેમ કે મળેલા આંકડાઓ મુજબ ભારતમાં દર વર્ષે 5 લાખ લોકોને અંગ પ્રત્યારોપણની જરૂર છે. પરંતુ મૃત્યુ બાદ અંગદાન કરનારા લોકોની સંખ્યા પ્રતિ 10 લાખ ોલકોએ માત્ર 0.34 ટકા જ છે, જે દુનિયામાં સૌથી ઓછી છે. ભારતમાં 2 લાખ કિડનીઓની જરૂરિયાત સામે ફક્ત 6 હજાર દાનમાં મળે છે. લીવરની જરૂરિયાત 30 હજારની છે, તેની સામે ફક્ત 1500 લીવરનું દાન મળે છે. હ્રદયની જરૂરિયાત 50 હજારની છે પરંતુ તેની સામે ફક્ત 15 હ્રદય જ ઉપલબ્ધ છે.












Click it and Unblock the Notifications
