
જન્મતાની સાથે જ કેમ રડે છે નવજાત બાળક? જાણો ખાસ કારણો
જ્યારે કોઇ બાળકનો જન્મ થાય છે તો તે આ દુનિયામાં આવતાની સાથે જોર જોરથી રડવા લાગે છે. તેનું રૂદન જ તેના જન્મનો સંકેત હોય છે. પરંતુ કેટલીક વાર એવું બને છે કે બાળક જન્મ્યા પછી પણ રડતું નથી તે સામાન્ય બાબત છે. તો પછી શુ બાળકના જન્મતાની સાથે બાળકનું રડવું જરૂરી છે? આ સવાલનો જવાબ લગભગ દરેક માતા પિતા જાણતા હોય છે. પણ શુ તમે જાણો છો? જન્મના 24 કલાકમાં પહેલી વાર બાળકનું રડવું ખુબજ જરૂરી છે. તો પછી ચાલો જાણીએ કે જન્મ સમયે બાળકનું રડવું કેટલું જરૂરી છે. નવજાત શિશુની દેખભાળ માટે સૌપ્રથમ તેના રૂદન પર વિશેષ ધ્યાન આપવું પડે છે.

જન્મ સમયે બાળકનું રોવું શા માટે જરૂરી છે
જ્યારે બાળક જન્મ લે છે ત્યારે તે તેની માતાના ગર્ભથી અલગ થાય છે. બાળકના જન્મ સમયે બાળકનું રડવું તેના જીવનની નિશાની છે. જ્યારે બાળક જન્મ પછી પહેલી વાર રડે છે ત્યારે એ ખબર પડે છે કે બાળકનું હ્ર્દય અને ફેફસા કામ કરી રહ્યા છે અને તે તંદુરસ્ત છે. બાળકના રડવાથી બાળકના સ્વાસ્થ્ય અંગે જાણી શકાય છે અને જો બાળક ખૂબ જ ધીમા અવાજમાં રડે છે તો કેટલીક સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ આવી શકે છે.

આ માટે રડે છે શિશુ
નવજાત શિશુ જન્મ પહેલા ગર્ભનાળના માધ્યમથી શ્વાસ લેતું હોય છે. જોકે જન્મના થોડા જ સેંકન્ડમાં જાતે જ શ્વાસ લેવા લાગે છે. જ્યારે બાળક શ્વાસ લે છે ત્યારે નાક અને મોઢામાં રહેલો પ્રવાહી બહાર નીકળે છે. આ પ્રક્રીયામાં બાળક રડવા લાગે છે. જ્યારે બાળક જાતે શ્વાસ નથી લઇ શકતું અને પ્રવાહીને બહાર નથી નીકાળી શકતુ તો ડૉક્ટર સેક્શન ટ્યુબની મદદથી તેને દૂર કરે છે.

બાળકનું રડવું કેટલું સામાન્ય
બાળકના ઉછેર માટે આ બાબત જાણવી જરૂરી છે. બાળકને એક દિવસમાં કેટલું રડવું જોઇએ અને કેટલું રડવું તે સામાન્ય છે. તેની જાણ માતાને હોવી જોઇએ. આ મામલે સંશોધનમાં જાણવા મળ્યુ છે કે તંદુરસ્ત બાળકને એક દિવસ અથવા 24 કલાકમાં ઓછામાં ઓછુ 2-3 કલાક રડવું જોઇએ.

જો બાળક 3 કલાકથી વધારે રડે છે તો
ખાસ કાળજી લેવાની જરૂર હોય છે અને જો બાળક 4 કલાકથી પણ વધારે રડે છે તો ડૉક્ટરની સલાહ લેવી. બાળક જેમ જેમ મોટુ થાય છે તેમ તેમ તેના રડવાનો સમય ઓછો થતો જાય છે.

બાળકનું રડવાનું કારણ અને સમય
હવે સૌથી મહત્વની વાત એ છે કે જેની જાણકારી દરેક માતા પાસે હોવી જોઇએ. બાળક ક્યારે અને કેમ રડે છે...? જ્યારે બાળક ભૂખ્યુ થાય છે ત્યારે તે રડે છે જે દરેક માતાને ખબર જ હોય છે અને બીજા અનેક કારણો હોય છે જેનાથી બાળક રડતું હોય છે.