રાહુલની કસોટી : ચેતવણી આપી છોડી દેશે કે ચિત્ત કરશે અમેઠી?

By કન્હૈયા કોષ્ટી
Google Oneindia Gujarati News

અમદાવાદ, 9 મે : ભારતીય રાજકારણ અને ચૂંટણીના ચકરાવામાં ગત બુધવાર એટલે કે 7મી મે સુધી અને 7મી મેના રોજ પણ સૌથી વધુ ચર્ચાના કેન્દ્રમાં કોઈ નામ હતું, તો તે અમેઠી હતું. એમ તો અમેઠીને કોઈ યાદ નથી કરતું. દર પાંચ વર્ષે એટલે કે લોકસભા ચૂંટણી દરમિયાન જ તેની નોંધ લેવાય છે. બાકીના સમયમાં ઉત્તર પ્રદેશ તો ચર્ચામાં અવાર-નવાર આવતુ રહે છે, પણ અમેઠી તો રાહુલ ગાંધી કે પ્રિયંકા ગાંધીની હાજરીથી જ પ્રકાશે છે. બાકી અમેઠી કે ત્યાંના લોકો શું કરે છે, કોઈ પૂછવાય નથી જતું.

આવું તારણ કાઢવું એટલા માટે સ્વાભાવિક છે, કારણ કે ભૂતકાળમાં આવુ બનતું આવ્યું છે અને તાજો દાખલો જોવો હોય, તો 7મી મે અને તે પછીના દિવસોના ન્યુઝ ટ્રેંડ્ઝ જોઈ લો. જવાબ મળી જ જશે. 7મી મેના રોજ અમેઠીમાં મતદાન હતું. અમેઠી 2009 બાદ ત્યારે ચર્ચામાં આવ્યું કે જ્યારે રાહુલ ગાંધી ત્યાંથી ઉમેદવારી પત્ર ભરવા પહોંચ્યાં અને પછી મતદાન સુધી અમેઠીની ચર્ચાઓ થઈ, પરંતુ તે પછીના કલાકો કે દિવસોમાં ક્યાંય અમેઠીની ચર્ચા નથી થઈ રહી.

જો અમેઠીને પોતે વાચા હોત, તો કદાચ તે કંઇક આવી જ ફરિયાદ કરત. જોકે અમેઠી નામના શબ્દ કે શહેરમાં વાચા નથી, પરંતુ અમેઠીના લોકોમાં તો વાચા છે જ અને તેમની આ વાચા આગામી 16મી મેના રોજ જાહેર પણ થઈ જશે. અમેઠી આ વાચા દ્વારા કેવો ચુકાદો આપે છે, તેના ઉપર સૌની નજર રહેશે જ. અમેઠીમાં છેલ્લી બે ચૂંટણીથી જીતતા રાહુલ ગાંધી કોંગ્રેસના ઉપાધ્યક્ષ છે અને મજબૂત નેતા છે. એવી ભવિષ્યવાણી કરતા સૌ ખચકાય છે કે રાહુલ ગાંધી અમેઠીથી ચૂંટણી હારી જશે, પરંતુ આ વખતના ચૂંટણી મેદાનમાં ઉતરેલા ખેરખાંઓને જોઈ લોકો દબાયેલી જીભે એટલું તો ભાસી જ રહ્યાં છે કે અમેઠીમાં રાહુલની જીતનું માર્જિન ઘટી શકે છે.

ચાલો હવે તસવીરો સાથે જોઇએ કસોટીના એરણે અમેઠી રાહુલ ગાંધીને ચેતવણી આપી છોડી દેશે કે પછી ચિત્ત કરશે? :

સોનિયાએ સંભાળ્યો મોરચો

સોનિયાએ સંભાળ્યો મોરચો

1998માં કોંગ્રેસને મળેલા પરાજય બાદ 1999માં સોનિયા ગાંધીએ મોરચો સંભાળ્યો. અમેઠીમાં રાજીવ ગાંધી બાદ તેમના પત્ની તરીકે સોનિયા આવતાં લોકોએ ભરપૂર પ્રેમ આપ્યો અને 3 લાખ 12 હજાર મતોના ભારે અંતરથી વિજય અપાવ્યો.

રાહુલે લીધો વારસો, શાખ પણ વધી

રાહુલે લીધો વારસો, શાખ પણ વધી

2004માં સોનિયા ગાંધીએ પતિ તરફથી મળેલ અમેઠીનો પરમ્પરાગત વારસો પુત્ર રાહુલ ગાંધીને સોંપ્યો અને રાહુલે 2 લાખ 90 હજાર 583 મતોથી વિજય મેળવ્યો. 2009માં રાહુલ ગાંધીની શાખ ઓર વધી અને અમેઠીએ તેમને આ વખતે રેકૉર્ડ 3 લાખ 70 હજાર 198 મતોથી વિજય અપાવ્યો.

ઘેરાયા રાહુલ

ઘેરાયા રાહુલ

કોંગ્રેસ અને તેમાં પણ ગાંધી પરિવાર માટે સૌથી સલામત ગણાતી અમેઠી બેઠક લોકસભા ચૂંટણી 2014માં રાહુલ ગાંધી માટે કસોટી સમાન પુરવાર થવાની છે. પહેલી વખત રાહુલ ગાંધી અહીં વિરોધી પક્ષોના મજબૂત ઉમેદવારોથી ઘેરાયાં છે. એક બાજુ ભાજપના સ્મૃતિ ઈરાની છે, તો બીજી બાજુ નવી ઉગેલી પાર્ટી આમ આદમી પાર્ટીના કુમાર વિશ્વાસ છે.

સવાલ પૂછવા લાગી અમેઠી

સવાલ પૂછવા લાગી અમેઠી

આ અમેઠી દાયકાઓથી કોંગ્રેસ અને ગાંધી પરિવારને મૂંગા મોઢે જિતાડતી આવી છે, પરંતુ આ વખતે અમેઠીમાંથી સવાલો ઊભા થયાં છે. સ્મૃતિ ઈરાની અને કુમાર વિશ્વાસ દ્વારા વિકાસના મુદ્દે રાહુલ ગાંધી સામે કરાયેલ પ્રહારો બાદ અમેઠીના મતદારોએ પણ કદાચ આ વખતે આંખ બંધ કરી રાહુલને મત નહીં આપ્યો હોય.

ખળભળાટ ઝળક્યો

ખળભળાટ ઝળક્યો

અમેઠીમાં મતદાનના દિવસે રાહુલ ગાંધીએ પહેલી વખત હાજર રહેવુ પડ્યું અને તેનાથી તે આશંકાઓને વધુ બળ મળ્યો કે રાહુલ ગાંધીને આ વખતે જીત સરળ નથી લાગતી.

શું કહે છે દસ ટકા વધુ મતદાન

શું કહે છે દસ ટકા વધુ મતદાન

રાહુલ ગાંધીએ 2004 અને 2009 એમ બે વખત અમેઠીમાંથી ચૂંટણી લડી છે અને બંને વખતે મતદાન ઓછુ થયુ હતું. 2004માં 44.05 ટકા, તો 2009માં 45.16 ટકા જ મતદાન થયુ હતું, જ્યારે આ વખતે એટલે કે 2014માં મતદાનની ટકાવારી 55.20 સુધી પહોંચી ગઈ છે. આ 10 ટકા વધુ મતદાન પણ રાહુલ ગાંધી માટે ખતરાનું કારણ બની શકે છે.

ઓછું અંતર ચેતવણી ગણાશે

ઓછું અંતર ચેતવણી ગણાશે

અમેઠીના લોકોમાં આ વખતે સવાલ હતો. દર વખતની જેમ આ વખતે અમેઠી એકપક્ષી નહોતી. એટલે જ ભવિષ્ય ભાંખનારા કહે છે કે રાહુલ ગાંધી માટે આ વખતે મુકાબલો સરળ નહોતો અને કદાચ તેમની જીતનું અંતર ઘટી શકે છે. શું કરશે અમેઠી? રાહુલ ગાંધીને ત્રીજી વખત જિતાડશે? જો રાહુલ ગાંધી ત્રીજી વાર જીતી જાય અને તે પણ ગત વખતની લીડ જેટલી કે તેનાથી વધુ લીડથી જીતે, તો સ્પષ્ટ છે કે અમેઠીમાં કોંગ્રેસ અને ગાંધી પરિવારનો જાદૂ જળવાયેલો છે, પરંતુ જો રાહુલ ગત વખતની ચૂંટણી કરતા ઓછા અંતરથી જીતે, તો આ અમેઠી તરફથી રાહુલ ગાંધીને ચેતવણી જ ગણાશે. જે પ્રકારે તેમની સામે અમેઠીની ઉપેક્ષા કરવાનો અને વિકાસ નહીં કરવાના આરોપો થયાં છે, તે જોતાં કહી શકાય કે ઓછા અંતરે જીત આપી અમેઠીના મતદારો રાહુલને ચેતવશે કે આગળથી આવુ નહીં ચાલે.

મોદી લહેર કે કુમારનું અંડર કરંટ?

મોદી લહેર કે કુમારનું અંડર કરંટ?

કેટલાંક વધુ પડતા ઉત્સાહી ભવિષ્યવેત્તાઓ તો અહીં સુધી કહે છે કે અમેઠીમાં પણ મોદીની લહેર હતી અને એટલે જ રાહુલ ગાંધી હારી જશે. અમેઠીના લોકો રાહુલ વિરોધીઓના તમામ આરોપોને યોગ્ય માની રાહુલને ચિત્ત પણ કરી શકે છે. આવુ બે જ પરિસ્થિતિઓમાં થઈ શકે. કાં તો દેશ ભરમાં ચાલતી મોદી લહેર અને અમેઠીમાં મોની સભામાં ઉમટેલી મેદની વોટમાં બદલાઈ જાય અને કાં તો છેલ્લા છ માસથી અમેઠીમાં ધામો નાંખીને બેઠેલે કુમાર વિશ્વાસનું અંડરકરંટ હોય.

ગાંધી પરિવારનો દબદબો

ગાંધી પરિવારનો દબદબો

અમેઠી એટલે ગાંધી પરિવારનો દબદબો ધરાવતી બેઠક. 1967માં અસ્તિત્વમાં આવેલી અમેઠી બેઠક ઉપર ગાંધી પરિવારમાંથી સંજય ગાંધીએ 1977માં પહેલી વાર એન્ટ્રી કરી હતી, પરંતુ ઇંદિરા અને ઇમર્જંસી વિરોધી લહેરમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે 1980માં સંજય ગાંધી 1 લાખ 28 હજાર 545 મતોના ભારે અંતરથી જીત્યા હતાં.

રાજીવ ગાંધીની હૅટ્રિક

રાજીવ ગાંધીની હૅટ્રિક

સંજય ગાંધી બાદ રાજીવ ગાંધીએ અમેઠીમાંથી સતત ત્રણ ચૂંટણી જીતી હૅટ્રિક નોંધાવી હતી. રાજીવે 1984, 1989 અને 1991માં ક્રમશઃ 3 લાખ 14 હજાર 878, 2 લાખ 2 હજાર 138 અને 1 લાખ 12 હજાર 85 મતોથી વિજય મેળવ્યો હતો.

ગાંધી વગર કોંગ્રેસ નબળી

ગાંધી વગર કોંગ્રેસ નબળી

અમેઠીમાં 1967, 1971, 1996 અને 1998 એટલે કે એવું ચાર વખત થયું કે જ્યારે કોંગ્રેસ તરફથી ગાંધી પરિવારનો કોઈ સભ્ય નહોતો ઉતારાયો. આ ચારમાંથી ત્રણ ચૂંટણીમાં તો કોંગ્રેસને જીત મળી, પરંતુ જીતનું અંતર બહુ ઓછુ રહ્યું અને 1998માં તો તેને બેઠક ગુમાવવી પડી. ભાજપના સંજય સિંહ વિજયી રહ્યા હતાં.

English summary
What will Amethi do? Will it just reduce the margin for winning and warn Congress vice president Rahul Gandhi, who is standing against BJP's Smriti Irani and AAP's Kumar Vishwas? Or will it create a new history by defeating Gandhi here and choosing between Irani and Vishwas? As compared to 2004 and 2009, about 10% more voting could be also dangerous for Rahul.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X