Health Tips : દુધ-દહીં ખાશો તો દિલ રહેશે તંદુરસ્ત, જાણો ફાયદાઓ
સ્વીડિશ અભ્યાસ મુજબ જેઓ વધુ ડેરી પ્રોડક્ટનું સેવન કરે છે, તેમને કાર્ડિયોવેસ્ક્યુલર રોગનું જોખમ ઓછું હોય છે. જ્યારે અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે, ડેરી ઉત્પાદનો હૃદયના રોગોમાં વધારો કરે છે.
Health Tips : સ્વીડિશ અભ્યાસ મુજબ જેઓ વધુ ડેરી પ્રોડક્ટનું સેવન કરે છે, તેમને કાર્ડિયોવેસ્ક્યુલર રોગનું જોખમ ઓછું હોય છે. જ્યારે અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે, ડેરી ઉત્પાદનો હૃદયના રોગોમાં વધારો કરે છે. ખોરાક અને જીવનશૈલીને લગતી થોડી બેદરકારી હૃદયરોગનું જોખમ વધારે છે. આવા સમયે યોગ્ય આહાર આવા પ્રકારના જોખમને મોટા પ્રમાણમાં ઘટાડે છે.

સ્વીડન સમગ્ર વિશ્વમાં ડેરીનું સૌથી વધુ ઉત્પાદન અને વપરાશ ધરાવે છે. વૈજ્ઞાનિકોએ અહીં 4,150 લોકોના લોહીના સ્તરની તપાસ કરી અને ડેરી ખોરાકમાં જોવા મળતા ચોક્કસ ફેટી એસિડને શોધ્યું હતું. જે બાદ વર્ષો સુધી આ લોકો પર નજર રાખવામાં આવી હતી કે, આમાંથી કેટલા લોકોને હાર્ટ એટેક, સ્ટ્રોક, ગંભીર સમસ્યાઓ હતી અને કેટલા લોકો મૃત્યુ પામ્યા હતા. સંશોધકોએ નોંધ્યું છે કે, ફેટી એસિડ્સને વધુ પ્રમાણમાં લેવાથી કાર્ડિયોવેસ્ક્યુલર રોગનું સૌથી ઓછું જોખમ રહેલું છે અને કોઈ મૃત્યુ નોંધ્યું નથી.
સંશોધકોની ટીમે પરિણામ મેળવવા માટે સ્વીડનના 17 અન્ય અભ્યાસ સાથે આ અભ્યાસને જોડ્યો હતો. આ અભ્યાસ અમેરિકા, ડેનમાર્ક અને યુકેના 43,000 લોકો પર કરવામાં આવ્યા હતા. સિડનીમાં જ્યોર્જ ઇન્સ્ટિટ્યૂટ ફોર ગ્લોબલ હેલ્થના વરિષ્ઠ લેખક મેટી માર્કલુન્ડે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 'અમારા અભ્યાસમાં ડેરી પ્રોડક્ટથી કોઈ નુકસાન થયું નથી, પણ તેનાથી ઉલટું અમને વધુ ડેરી પ્રોડક્ટ લેનારાઓમાં હૃદય રોગનું જોખમ ઓછું જોવા મળ્યું છે. ડેરી પ્રોડક્ટ અને હૃદય વચ્ચે આ કનેક્શન તદ્દન રસપ્રદ છે. જો કે, આપણે તેને ઉંડાણપૂર્વક સમજવા માટે વધુ અભ્યાસ કરવાની જરૂર છે.
પોષક તત્વોથી સમૃદ્ધ ડેરી ઉત્પાદનો
સંશોધકોના જણાવ્યા મુજબ, અભ્યાસના પરિણામો દર્શાવે છે કે, ડેરી ઉત્પાદનોની આરોગ્ય પર કેવી અસર પડે છે. તે મોટે ભાગે તમે કયા પ્રકારનાં ઉત્પાદનનો ઉપયોગ કરો છો તેના પર નિર્ભર કરે છે. ઉદાહરણ તરીકે, પનીર, દહીં, દૂધ અને માખણ ફેટી વસ્તુઓની સરખામણીમાં હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. અભ્યાસ મુજબ ખોરાકમાં ઓછા ડેરી ખોરાકનું સેવન કરવાથી હૃદય રોગનું જોખમ વધે છે.
સંશોધકોના મતે એ પણ યાદ રાખવું જોઈએ કે, ડેરી ઉત્પાદનોમાં સંતૃપ્ત ચરબી વધારે હોવા છતાં, તેમાં ઘણા જરૂરી પોષક તત્વો પણ હોય છે જે તંદુરસ્ત આહારમાં શામેલ હોવા જોઈએ. જો કે, સીફૂડ, બદામ અને વનસ્પતિ તેલના ફાયદા ડેરી પ્રોડક્ટ કરતા વધારે છે.












Click it and Unblock the Notifications
