ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક ભરતીમાં વેઈટિંગ લિસ્ટને લઈને મોટા સમાચાર
ગુજરાતમાં સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ (Government Higher Secondary School Shikshan Sahayak Recruitment-2024) ને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે.
શાળા ફાળવણીથી વંચિત રહેલા ઉમેદવારો તેમજ પ્રતિક્ષાયાદી (Waiting List) માં સમાવિષ્ટ ઉમેદવારોને ઓનલાઈન શાળા પસંદગી (School Selection) કરવાની વધુ એક તક આપવામાં આવી છે.

શિક્ષણ સહાયક ભરતી પસંદગી સમિતિ ગાંધીનગર દ્વારા જારી કરાયેલી યાદી મુજબ, જે ઉમેદવારોને મર્યાદિત શાળા પસંદગીના કારણે શાળાની ફાળવણી થઈ નથી (જે ઉમેદવારોની યાદી 'List-A' તરીકે પ્રસિદ્ધ કરાઈ છે) અને જે ઉમેદવારો ૨૩ સપ્ટેમ્બર ૨૦૨૫ ના રોજ જાહેર કરાયેલી પ્રતિક્ષાયાદીમાં છે, તેઓ હવે નીચેની તારીખો દરમિયાન શાળા પસંદગી કરી શકશે.
- તારીખ: ૧૦ ડિસેમ્બર, ૨૦૨૫ (બુધવાર) થી ૧૨ ડિસેમ્બર, ૨૦૨૫ (શુક્રવાર)
- સમય મર્યાદા : રાત્રે ૧૧.૫૯ કલાક સુધી
ઉમેદવારોએ ભરતી પસંદગી સમિતિની સત્તાવાર વેબસાઇટ https://gserc.in/ પર જઈને ઓનલાઈન શાળા પસંદગીની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.
ઉમેદવારો પોતાના માધ્યમ, વિષય અને કેટેગરી મુજબ ઉપલબ્ધ ખાલી જગ્યાઓ પૈકી અમર્યાદિત સંખ્યામાં શાળાઓની અગ્રતાક્રમ (Preference) અનુસાર પસંદગી આપી શકશે.
આ તબક્કામાં ઉમેદવારોને ખાલી રહેલી તમામ જગ્યાઓ પર પસંદગીની તક મળશે, જે PMl-2 માં સમાવિષ્ટ ઉમેદવારોને ૨૭ જૂન ૨૦૨૫ ના રોજ ફાળવણી બાદ ખાલી રહી હતી.
યાદીમાં વધુમાં જણાવાયું છે કે, માનનીય હાઈકોર્ટમાં દાખલ થયેલ SCA NO.13456/2025 ના સંદર્ભે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફ ભરતી પસંદગી સમિતિની ૧૩ નવેમ્બર ૨૦૨૫ ના રોજ બેઠક મળી હતી. આ બેઠકમાં મર્યાદિત શાળા પસંદગીને કારણે શાળા ફાળવણી ન પામેલા ઉમેદવારોને ફરી એકવાર તક આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આ નિર્ણયના પગલે વિષયવાર-માધ્યમવાર 'List-A' વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવી છે, જેમાં મર્યાદિત પસંદગીને કારણે ફાળવણી ન મેળવનાર ઉમેદવારોના નામ સમાવિષ્ટ છે. આ ઉમેદવારો હવે પ્રતિક્ષાયાદીના ઉમેદવારો સાથે મળીને શાળા પસંદગી આપી શકશે.
સમય મર્યાદાને ધ્યાનમાં રાખીને સંબંધિત તમામ ઉમેદવારોને વહેલી તકે વેબસાઇટ પર જઈને પોતાની શાળા પસંદગી પૂર્ણ કરવા જણાવાયું છે, જેથી મેરિટ કમ પ્રેફરન્સ મુજબ શાળા ફાળવણીની આગળની કાર્યવાહી સમયસર થઈ શકે.












Click it and Unblock the Notifications
