બોલિવૂડનો આ હિરો બની રહ્યો છે આધુનિક મનોજ કુમાર!

Written By:
Subscribe to Oneindia News

બોલિવૂડના લોકપ્રિય અભિનેતા મનોજ કુમાર દેશભક્તિ અને સમાજિક મુદ્દાઓને લગતી ફિલ્મો બનાવવા માટે પ્રખ્યાત હતા. અક્ષય કુમારની લેટેસ્ટ ફિલ્મ 'ટૉયલેટ એક પ્રેમ કથા' બાદ હવે અક્ષયની તુલના મનોજ કુમાર સાથે થઇ રહી છે. રમુજી ડાયલોગ સાથે સામાજિક સંદેશ આપતી આ ફિલ્મ લોકોને ખૂબ પસંદ પડી રહી છે. આ ફિલ્મ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાન પર આધારિત છે અને તેના દ્વારા લોકોમાં શૌચાલય અંગે જાગૃતિ ફેલાવવાનો પ્રયત્ન થયો છે. છેલ્લા ઘણા સમયથી અક્ષય કુમાર કોમેડી ફિલ્મોની સાથો-સાથ દેશભક્તિ અને સામાજિક મુદ્દા અંગે ફિલ્મો કરી રહ્યાં છે. આથી જ કેટલાક લોકો અક્ષય કુમારને બોલિવૂડના આધુનિક મનોજ કુમાર કહી રહ્યાં છે.

સૂચક ફિલ્મો

સૂચક ફિલ્મો

વર્ષ 2016માં અક્ષયની બે ફિલ્મો સુપરહિટ રહી હતી, 'એરલિફ્ટ' અને 'રૂસ્તમ'. બંન્ને ફિલ્મો સત્યઘટના પર આધારિત હતી અને બંન્ને ફિલ્મોમાં અક્ષયનું પાત્ર દેશભક્તિને વરેલું બતાવવામાં આવ્યું છે. ખાસ કરીને 'એરલિફ્ટ' ફિલ્મ દેશભક્તિ અને માનવતાનો સંદેશ આપતી ફિલ્મ હતી. આ બંન્ને ફિલ્મો માટે અક્ષય કુમારને વર્ષ 2017માં નેશનલ એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો. અક્ષય કુમારની આગામી ફિલ્મ 'પેડમેન' સામાજિક મુદ્દાને લગતી ફિલ્મ છે, તો 'ગોલ્ડ'ની વાર્તા આપણી રાષ્ટ્રીય રમત હૉકી પર આધારિત છે.

આતંકવાદ સામે લડાઇ

આતંકવાદ સામે લડાઇ

આ પહેલાં વર્ષ 2015માં આવેલ ફિલ્મ 'બેબી' અને 2014માં આવેલ ફિલ્મ 'હોલિડે' પણ દેશભક્તિ પર આધારિત ફિલ્મો હતી. આ બંન્ને ફિલ્મોમાં ભારતમાં ફેલાઇ રહેલ આતંકવાદની સમસ્યા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું અને 'હોલિડે' ફિલ્મ સાથે અક્ષય કુમારે આતંકવાદ સામે લડવાનો ખૂબ સરસ સંદેશ પણ આપ્યો હતો. આ ફિલ્મમાં અક્ષયનો એક ડાયલોગ છે, આપણા દેશનો વિનાશ નોતરવા ખાતર જો આતંકીઓ પોતાનો જીવ જોખમમાં નાંખતા હોય, તો તેની સામે લડવા માટે આપણે પણ પોતાના જીવની ચિંતા કર્યા વગર આગળ વધવું જોઇએ.

ગબ્બર ઇઝ બેક

ગબ્બર ઇઝ બેક

2015માં આવેલ અક્ષય કુમારની આ ફિલ્મને બોક્સ ઓફિસ પર ઠીકઠાક રિસ્પોન્સ મળ્યો હતો. આ ફિલ્મમાં અક્ષય કુમાર એક એવા વ્યક્તિના રોલમાં જોવા મળ્યા હતા, જે ભ્રષ્ટાચાર સામે યુદ્ધ છેડે છે અને આ માટે મરવા પણ તૈયાર છે. ફિલ્મના અંતે અક્ષયના પાત્રનું મૃત્યુ થાય છે, પરંતુ તે પોતાની પાછળ ભ્રષ્ટાચાર સામે લડવા માટે યુવાઓની આખી ફોજ તૈયાર કરી જાય છે. આ ફિલ્મ દ્વારા અક્ષયે દેશના યુવાઓને ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓ અંગે નિરાશાવાદી વલણ અપનાવવાની જગ્યાએ તેની સામે યોગ્ય લડત આપવાનો સંદેશ આપ્યો હતો. ફિલ્મમાં અક્ષયની એક્ટિંગ ખૂબ વખણાઇ હતી.

મનોજ કુમાર

મનોજ કુમાર

બોલિવૂડના લોકપ્રિય એક્ટર અને ડાયરેક્ટર મનોજ કુમાર દેશભક્તિ અને સમાજ આધારિત ફિલ્મો બનાવવા માટે જાણીતા થયા હતા. આથી જ તેમને 'ભારત કુમાર'નું હુલામણું નામ પણ આપવામાં આવ્યું હતું. દેશભક્ત તરીકે મનોજ કુમારની પહેલી ફિલ્મ હતી શહીદ. ત્યાર બાદ ફિલ્મ 'ઉપકાર'માં તેમણે 'જય જવાન, જય કિસાન'નો સંદેશ લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો. આ સિવાય મનોજ કુમારે પોતાના સમયમાં આ જ શ્રેણીમાં 'રોટી, કપડા ઓર મકાન', 'ક્રાંતિ', 'પૂરબ ઓર પશ્ચિમ' જેવી ફિલ્મો પણ આપી છે. હાલ અક્ષય કુમાર પણ આ જ રસ્તે ચાલી નીકળ્યા છે અને મનોજ કુમારની માફક જ અક્ષયની ફિલ્મો પણ દર્શકોને પસંદ પડી રહી છે.

English summary
Akshay Kumar is a new age Monoj Kumar! Read now, to know the reason.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.