ખામીઓ સાથેનો સ્વીકાર શીખવાડે છે બર્ફી
આ ફિલ્મ જોયા બાદ દર્શકોને તેના પાત્રો ઉપર દયા નહિં, પણ પ્રેમ ઉભરાશે. રણબીર કપૂરનું પણ માનવું છે કે કદાચ આ ફિલ્મ જોયા બાદ આપને જિંદગી જીવવાની નવી રીત આવડી જશે. આ ફિલ્મના પાત્રો વગર કઈં બોલ્યે અને પોતાના અનુભવોને શબ્દોમાં વ્યક્ત કર્યા વગર પણ જીવનના દરેક પળને બહુ સુંદર રીતે અને પ્રેમથી જીવી જાણે છે.
વાર્તા-
દાર્જિલિંગ અને કોલકાતામાં શૂટ થયેલ આ ફિલ્મની સમગ્ર વાર્તા ફ્લેશબેકમાં ચાલે છે. બર્ફીની સ્ટોરી મર્ફી (રણબીર કપૂર)ની છે, જે બહેરો-મૂંગો છે. મર્ફીને બધા લાડમાં બર્ફી કહે છે. આ વાર્તા શ્રુતિ (ઇલિયાના ડી'ક્રૂઝ) અને મર્ફીની આસપાસના લોકો દ્વારા સંભળાવવામાં આવે છે.
બર્ફી એક બહુ જ સાચ્ચો અને ભગવાનમાં શ્રદ્ધા રાખનારો માણસ છે, જે પોતાના જીવનને કિંગસાઇઝ અને પ્રેમથી જીવવામાં વિશ્વાસ ધરાવે છે. કોઈ પણ મુશ્કેલી આવે, બર્ફી ક્યારેય ગુસ્સો નથી કરતો. તે એક દિવસ શ્રુતિને મળે છે અને તેને ચાહવા લાગે છે. શ્રુતિ પોતાના માતા-પિતા સાથે દાર્જિલિંગમાં રહેવા આવેલી હોય છે, પરંતુ શ્રુતિના લગ્ન અગાઉથી જ તેના કૉલેજ કાળના મિત્ર સાથે નક્કી થઈ ચુક્યાં હોય છે.
પછી એક દિવસે બર્ફીની મુલાકાત ઝિલમિલ (પ્રિયંકા ચોપરા) સાથે થાય છે, જે ઑસ્ટિમ નામના રોગથી પીડાય છે. ઝિલમિલને તેના માતા-પિતા દુનિયાથી છુપાવીને રાખે છે. તેને બહારની દુનિયાનો ખ્યાલ ત્યારે આવે છે, જ્યારે તેના માતા-પિતા દાર્જિલિંગ ખાતે રહેતાં તેના દાદા-દાદી પાસે મિલ્કતમાં ભાગ માંગવા જાય છે. એક બાજુ માતા-પિતા માટે ઝિલમિલની સંભાળ રાખવી મુશ્કેલ થઈ પડે છે, તો બીજી બાજું બર્ફી માટે ઝિલમિલની સંભાળ રાખવી બહુ જ સરળ હોય છે. ધીમે-ધીમે બંને એક-બીજાની બહુ નજીક આવી જાય છે અને તેમનો સંબંધ ઘણો ગાઢ થઈ જાય છે.
અભિનય-
બર્ફી ફિલ્મમાં દરેક પાત્રે અનોખું પરફૉર્મંસ આપ્યું છે. પ્રિયંકા અને રણબીરે સાબિત કરી આપ્યું કે પાત્ર કોઈ પણ હોય, તેમને માટે કશું જ મુશ્કેલ નથી. બંનેએ પોતાના રોલ સાથે પુરતો ન્યાય કર્યો છે. બહેરા-મૂંગાના પાત્રમાં રણબીરે એવી એક્ટિંગ કરી છે કે બૉલીવુડના શ્રેષ્ઠ એક્ટરોમાં તેના નામનો સમાવેશ થઈ ગયો છે. પ્રિયંકના એક્સપ્રેશન તેમજ તેનો અંદાજ ફિલ્મ સમાપ્ત થવા સુધી દર્શકોને જકડી રાખે છે. ઇલિયાના અગાઉ પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની એક્ટિંગ સ્કિલ સાબિત કરી ચુકી છે અને બર્ફીમાં પણ તેની એક્ટિંગ અપ ટુ ધી માર્ક રહી છે. બર્ફીમાં ઇલિયાના બહુ સુંદર તથા કૉન્ફિડંટ દેખાય છે.