હિન્દી પહેલા મરાઠી પડદે આવશે જિયાની ઝિંદગી ‘નટી’
મુંબઈ, 26 જૂન : બૉલીવુડ અભિનેત્રી જિયા ખાન આત્મહત્યા કેસ ભલે અત્યાર સુધી વણઉકલ્યો રહેલો છે, પરંતુ ફિલ્મકારોને તો મસાલો મળી જ ગયો છે. હજી તો જિયા ખાનની ઝિંદગી ઉપર હિન્દીમાં ફિલ્મ બનાવવાની વાત જ થઈ રહી છે, ત્યાં મરાઠીમાં પણ ફિલ્મ બનાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. એટલું જ નહીં, મરાઠીમાં બનનાર ફિલ્મ તો હિન્દી કરતાં પહેલા પડદા ઉપર આવી જવાની છે.

જાણીતા મરાઠી ફિલ્મ અભિનેત્રી તથા દિગ્દર્શક તેજા દેવકર જિયાના જીવન પર આધારિત ફિલ્મ બનાવવા જઈ રહ્યાં છે. તેમણે ફિલ્મનું નામ નટી રાખ્યું છે અને તેમાં લીડ રોલ પોતે તેજા દેવકર જ કરવાનાં છે. ફિલ્મનું શૂટિંગ ઑગસ્ટમાં શરૂ થશે. બીજી બાજુ હિન્દીમાં બનનાર ફિલ્મનું નામ બોલ્ડ બૉલીવુડ છે કે જેનું દિગ્દર્શન રિક્ષિત મટ્ટા કરશે અને નિર્માતા શબાના હાશમી છે. આ ફિલ્મ ત્રણ યુવતીઓની વાર્તા હશે કે જેઓ માયાનગરી મુંબઈમાં હીરોઇન બનવા આવે છે.
રિક્ષિત મટ્ટાએ જણાવ્યું કે 25 વર્ષીય જિયા ખાનની આત્મહત્યા તથા તે પછીના સમાચારોએ તેમને હચમચાવી નાંખ્યા છે. તેથી તેમણે ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું. આ ફિલ્મમાં લીડ રોલ હૈઝલ કીચ, સંદીપ ધર, શ્વેતા ભારદ્વાજ, રાજપાલ યાદવ તથા મનોજ જોશી કરશે. ફિલ્નું શૂટિંગ ટુંકમાં જ શરૂ થશે.
નોંધનીય છે કે જિયા ખાને ગત 3જી જૂનના રોજ આત્મહત્યા કરી લીધી હતી. જિયા ખાન આત્મહત્યા કેસ અંગે તેમના બૉયફ્રેન્ડ સૂરજ પંચોલી હાલ જેલમાં છે.












Click it and Unblock the Notifications
