સલમાનના પ્રેમિકા-ભાભી તબ્બુ હવે બનશે બહેન
મુંબઈ, 21 ફેબ્રુઆરી : કહે છે કે જ્યારે અભિનેત્રીઓનો સમય વીતી જાય છે, તો તેઓ ફિલ્મોમાં બહેનના રોલ કરવા લાગે છે અને તે મહદઅંશે યોગ્ય પણ છે, પરંતુ એવી આશા નહોતી કે બહુમુખી પ્રતિભાના માલિક તબ્બુનો સમય આટલી જલ્દી પસાર થઈ જશે. નેશનલ ઍવૉર્ડ વિનિંગ અભિનેત્રી તબ્બુ ટુંકમાં જ આપને રૂપેરી પડદે અભિનેતા સલમાન ખાન સાથે પુનઃ નજરે પડનાર છે. જોકે તબ્બુના ફૅન્સ માટે એ આંચકા જેવી વાત છે કે તબ્બુ સલમાનના બહેનના રોલમાં દેખાનાર છે.

મળતી માહિતી પ્રમાણે સલમાનના નાના ભાઈ સોહેલ ખાનની ફિલ્મ મેંટલમાં તબ્બુ સલમાન ખાનના બહેનનો રોલ ભજવવા જઈ રહ્યાં છે. ઘણાં વખતે હિન્દી પડદેથી ગાયબ અભિનેત્રી તબ્બુ આમ આ રીતે અવતરિત થાય, તે થોડુંક આશ્ચર્યજનક છે.
આપને જણાવી દઇએ કે ફિલ્મ મેંટલ તેલુગુ ફિલ્મ સ્ટાલિનની રીમેક છે. તેનું શૂટિંગ દુબઈ ખાતે થશે. તબ્બુએ અત્યાર સુધી સલમાન ખાન સાથે ખૂબ ઓછી ફિલ્મો કરી છે. તેમાં જીત, બીવી નંબર 1 તથા હમ સાથ સાથ હૈં ફિલ્મોનો સમાવેશ થાય છે. જીતમાં તબ્બુ સલમાનના પ્રેમિકાના રોલમાં હતાં, તો હમ સાથ સાથ હૈં ફિલ્મમાં તેઓ સલમાનના ભાભી બન્યા હતાં. જોકે બીવી નંબર 1માં તબ્બુ અનિલ કપૂર વિરુદ્ધ હતાં. એટલે મેનલી જીત અને હમ સાથ સાથ હૈં જ એવી ફિલ્મો છે કે જેમાં સલમાન અને તબ્બુ ડાઇરેક્ટ રિલેટેડ હતાં. એટલે કે જીતમાં પ્રેમિકા અને હમ સાથ સાથ હૈંમાં ભાભી બન્યાં બાદ મેંટલમાં તબ્બુ સલમાનના બહેનનો રોલ કરવા જઈ રહ્યાં છે.
જોકે બૉલીવુડમાં એક અભિનેત્રી એવાં છે કે જેમણે એક જ હીરોના પ્રેમિકા, પત્ની, માતા, બહેન અને ભાભીનો રોલ કર્યો છે. તે અભિનેત્રી છે રાખી અને તે હીરો છે અમિતાભ બચ્ચન.












Click it and Unblock the Notifications
