ગજગામિની થયાં 46 વર્ષના, પાઠવો શુભેચ્છાઓ
મુંબઈ, 15 મે : બૉલીવુડના સૌથી સુંદર તથા હસીન અભિનેત્રીઓમાંના એક માધુરી દીક્ષિતનો આજે જન્મ દિવસ છે. માધુરીએ ભારતીય હિન્દી ફિલ્મોમાં એક એવો મુકામ હાસલ કર્યો છે કે જેને આજની અભિનેત્રીઓ પોતાના માટે આદર્શ માને છે. તેમની પાસે લાજવાબ નૃત્ય કૌશલ તથા સ્વાભાવિક અભિનયનો એવો જાદુ છે કે જેથી માધુરી દીક્ષિત આખા દેશના ધબકાર બની ગયાં. ભલે માધુરી લગ્ન બાદ થોડીક જ ફિલ્મોમાં નજરે પડ્યાં હોય, પણ ફૅન્સા દિલો પર તો આજે પણ તેમનું જ રાજ છે.

તેઝાબ, રામ લખન, પરિંદા, સાજન, ખલનાયક, દિલ, બેટા, હમ આપકે હૈં કૌન, દિલ તો પાગલ હૈ, લજ્જા, પુકાર, દેવદાસ જેવી અગણિત ફિલ્મોમાં માધુરીના અભિનયે સૌના દિલ જીતી લીધાં. જોકે તેમની કમબૅક ફિલ્મ આજા નચલે બૉક્સ ઑફિસે ખાસ કમાલ ન કરી શકી, પણ 1999 બાદ માધુરી દીક્ષિતને પુનઃ મોટા પડદે જોઈ તેમના ફૅન્સ ખુશ જરૂર થયા હતાં.
15મી મે, 1967ના રોજ મુંબઈમાં મરાઠી બ્રાહ્મણ પરિવારમાં માધુરી દીક્ષિતનો જન્મ થયો. પિતા શંકર દીક્ષિત તથા માતા સ્નેહ લતા દીક્ષિતના લાડકડાં માધુરી બાળપણથી જ ડૉક્ટર બનવા ઇચ્છતા હતાં અને કદાચ એટલે જ માધુરીએ પોતાના જીવન સાથી તરીકે શ્રીરામ નેનેની પસંદગી કરી કે જે વ્યવસાયે એક તબીબ છે. ડિવાઇન ચાઇલ્ડ હાઈસ્કૂલમાં ભણ્યા બાદ માધુરીએ મુંબઈ યુનિવર્સિટીમાંથી સ્નાતકનું શિક્ષણ પૂર્ણ કર્યું. બાળપણથી જ નૃત્યમાં રસ ધરાવતાં માધુરીએ આઠ વર્ષની તાલીમ લીધી. પોતાના સશક્ત અભિનય અને કાતિલ સ્મિતથી આજે પણ તેઓ લાખો દિલો ઉપર રાજ કરે છે.
હિન્દી ફિલ્મ જગતમાં મધુબાલા બાદ જો કોઈના સ્મિતનો ઉલ્લેખ થતો હોય, તે માધુરી દીક્ષિત જ છે. આપણે હૃદયથી દુઆ કરીએ કે માધુરી દીક્ષિત આપ સદીઓ સુધી પોતાના મધુર સ્મિત સાથે સફળતાના શિખરે ઝગમગતા રહો. આપ પણ નીચે આપેલ કૉમેન્ટ બૉક્સમાં પોતાની શુભેચ્છાઓ માધુરી દીક્ષિત માટે લખી શકો છો.












Click it and Unblock the Notifications
