વૉર છોડ ના યાર બાકી, સિક્વલની પણ તૈયારીઓ
મુંબઈ, 24 સપ્ટેમ્બર : દેશની પ્રથમ યુદ્ધ આધારિત હાસ્ય ફિલ્મ ગણાતી વૉર છોડ ના યાર હજી રિલીઝે નથી થઈ, પણ તેના નિર્માતા તેના પ્રોમોને સાંપડતા સારા પ્રતિસાદને જોતા સિક્વલ બનાવવાની તૈયારીઓ કરવા લાગ્યાં છે.
ફરાઝ હૈદરના દિગ્દર્શન તેમજ એઓપીએલ એંટરટનેમેંટના નિર્માણ હેઠળ બનેલી વૉર છોડ ના યારમાં શરમન જોશી તથા સોહા અલી મુખ્યભૂમિકામાં છે. એઓપીએલ એંટરટેનમેંટના મૅનેજિંગ ડાયરેક્ટર પ્રશાંત નારાયણે જણાવ્યું - અમને ફિલ્મ ઉપર ભરોસો છે કે તે સફળ થશે. ફિલ્મનો વિષય બહુ મજબૂત છે અને અત્યાર સુધીના પ્રત્યાઘાતો હકારાત્મક રહ્યાં છે.
તેમણે જણાવ્યું - અમે સપ્ટેમ્બર-2014 સુધી એક મલયાલમ ફિલ્મમાં વ્યસ્ત છીએ. અમને હિન્દીમાં પણ ઘણી સ્ક્રિપ્ટ્સ મળી રહી છે અને તેથી જ અમે વિચારીએ છીએ કે વૉર છોડ ના યાર 2 કેમ નહીં? આ એક એવી વાર્તા છે કે જેમાં ઘણા ફેરફાર કરી શકાય. તેનો બીજો ભાગ બની શકે છે.
આગામી 11મી ઑક્ટોબરે રિલીઝ થતી વૉર છોડ ના યાર ફિલ્મનું નિર્માણ 12-13 કરોડના બજેટમાં થયું છે. આ નાના બજેટની ફિલ્મ નથી. સરેરાશ બજેટની ફિલ્મ છે. સરેરાશ બજેટ એટલા માટે રહ્યું, કારણ કે કલાકારો અને સેટઅપ સારા હતાં અને ટેક્નિશિયન્સ પણ અનુભવી હતાં.