અનેક ઐતિહાસિક ફિલ્મોની પ્રિંટ્સ ઉપલબ્ધ નથી : નાયર
નવી દિલ્હી, 18 એપ્રિલ : એક બાજુ ભારતીય સિનેમાની 100 વર્ષની ઉજવણીનો ચારે બાજુ ધમધમાટ છે અને બીજી બાજુ અનેક ઐતિહાસિક તેમજ મહત્વની ફિલ્મોની પ્રિંટ્સ આજે આપણી પાસે ઉપલબ્ધ નથી. અનુભવી અને વ્યાવસાયિક ફિલ્મ સંગ્રહકર્તા પી. કે. નાયર જણાવે છે કે 1931માં બનેલી પ્રથમ બોલતી ફિલ્મ આલમ આરા તથા 50ના દાયકા અગાઉની એવી અનેક ફિલ્મોની પ્રિંટ્સ આપણી પાસે ઉપલબ્ધ નથી.

ભારતીય રાષ્ટ્રીય ફિલ્મ અભિલેખાગાર (એનએફએઆઈ)ના ભૂતપૂર્વ નિયામક નાયરે જણાવ્યું કે 1950 અગાઉ બનેલી મોટાભાગની ફિલ્મોના અવશેષો જ ફિલ્મના નામે સંગ્રહ કરાયાં છે. તમામ ફિલ્મોની પ્રિંટ્સ ખરાબ કે નષ્ટ થઈ ચુકી છે. પ્રથમ ભારતીય ફિલ્મ રાજા હરિશ્ચંદ્ર 1913માં આવી હતી, જ્યારે એનએફએઆઈની સ્થાપના પાંચ વરસ પછી 1964માં થઈ હતી. તે વખતની મહાન ફિલ્મોની પ્રિંટ કાયમ માટે ખોવાઈ ગઈ.
પી. કે. નાયરે જણાવ્યું - આપણી પાસે આલમ આરાની પ્રિંટ નથી, કારણ કે નિર્માતાઓએ તેને સંભાળીને રાખવાની જરૂર ન સમજી. નાયર તાજેતરમાં જ ભારતીય સિનેમાના 100 વર્ષની ઉજવણી હેઠળ પાટનગરની જવાહર લાલ નહેરૂ યુનિવર્સિટી ખાતે યોજાયેલ કાર્યક્રમમાં હાજર હતાં. તેમણે જણાવ્યું - 50ના દાયકા અગાઉની 70 ટકા ફિલ્મોની પ્રિંટ્સ સંગ્રહ માટે ઉપલબ્ધ નહોતી.
પુણે ખાતે આવેલ એનએફએઆઈના નિયામક તરીકે 26 વર્ષ આપનાર નાયર કહે છે - આજના સમયમાં દર વર્ષે ભારતીય ફિલ્મ જગતમાં લગભગ 1000 ફિલ્મો બને છે. આટલી બધી ફિલ્મોનું સંગ્રહ અશક્ય છે. તેથી હવે કેટલીક ચુનંદા ફિલ્મોની પ્રિંટ્સનું સંગ્રહ કરાય છે. તેમણે જણાવ્યું કે તેમને એ બાબતની ખુશી છે કે આજના બૉલીવુડ ફિલ્મકારો ફિલ્મ નિર્માણ સાથે-સાથે પોતાની ફિલ્મોનું પણ સંગ્રહ કરે છે.












Click it and Unblock the Notifications
