મુંબઈ, 22 ઑક્ટોબર : બૉલીવુડ અભિનેતા સલમાન ખાનના બહેન અર્પિતાના લગ્નમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહી શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ સલમાન ખાન અને તેમના પિતા સલીમ ખાન મોદીને લગ્નમાં આમંત્રણ આપવાનું આયોજન કરી રહ્યા છે.
નોંધનીય છે કે નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન પદના શપથ ગ્રહણ સમારંભમાં સલમાન ખાન અને તેમના પિતા સલીમ ખાનને આમંત્રણ આપ્યુ હતું.
સલમાનના બહેન અર્પિતાના લગ્ન આગામી 16મી નવેમ્બરના રોજ યોજાનાર છે. અર્પિતાના સપાનાના રાજકુમારનુ નામ છે આયુષ શર્મા. અર્પિતા ખાન ટુંકમાં જ મિસિસ શર્મા બની જશે. અર્પિતા અને દિલ્હીના આયુષ શર્મા ઘણા સમયથી ડેટિંગ કરતા હતાં. લગ્ન પહેલા તાજેતરમાં જ અર્પિતા ખાને સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર આયુષ સાથેની તસવીરો શૅર કરી અને કૅપ્શનમાં લખ્યું હતું - ટુંકમાં જ મિસિસ શર્મા બનીશ.
હવે જ્યારે નરેન્દ્ર મોદી પણ જો અર્પિતાને આશીર્વાદ આપવા પધારે, તો આ લગ્ન ખાસ બની શકે છે. સલીમ ખાને આ અંગેની પુષ્ટિ કરતા જણાવ્યું - હા, હું અર્પિતાના લગ્નમાં પીએમ મોદીને ઇનવાઇટ કરીશ અને આશા છે કે તેઓ સમય કાઢી હાજર પણ રહેશે. સલીમ ખાને જણાવ્યું કે તેઓ ખર્ચાળ લગ્નમાં વિશ્વાસ નથી ધરાવતાં.
અર્પિતા ખાન ત્રણ ભાઇઓમાં સૌથી વધુ સલમાનની નજીક છે. અર્પિતા ઘણા દિવસથી આયુષ શર્મા સાથે રિલેશનશિપમાં હતાં. આ લગ્ન હૈદરાબાદની ફાઇવ સ્ટાર હૉટેલમાં યોજાવાના છે.