મુંબઈ, 17 નવેમ્બર : દક્ષિણના સુપરસ્ટાર રજનીકાંતની મોસ્ટ અવેટેડ ફિલ્મ લિંગાનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. લિંગાનું ટીઝર જેટલુ જોરદાર હતું, ટ્રેલર પણ તેટલુ જ ધમાકેદાર અને એક્શનથી ભરપૂર છે. ટ્રેલરમાં એક બાજુ રજનીકાંતની દમદાર અને યુનિક સ્ટાઇલ દેખાઈ રહી છે, તો બીજી બાજુ સોનાક્ષી સિન્હા કમાલ લાગી રહ્યા છે.
આપને જણાવી દઇએ કે લિંગા ફિલ્મમાં એક નહીં, બે-બે રજનીકાંત દેખાવાના છે. હા જી, ફિલ્મમાં રજનીકાંતનો ડબલ રોલ જોવા મળશે, તો સોનાક્ષી સિન્હા પણ પહેલી વખત રજનીકાંત સાથે દેખાશે. ટ્રેલરમાં સોનાક્ષીનો લુક ગામની છોકરી જેવો લાગે છે. ઉપરાંત રજનીકાંતના એક કૅરેક્ટરનો લુક બિઝનેસમૅન, તો બીજાનો લુક કાઉ બૉય જેવો લાગે છે.
કે એસ રવિકુમાર દિગ્દર્શિત લિંગા ફિલ્મમાં રજનીકાંત-સોનાક્ષી ઉપરાંત અનુષ્કા શેટ્ટી પણ લીડ રોલમાં છે. ફિલ્મમાં સંગીત એ આર રહમાનનું છે.
લિંગા 12મી ડિસેમ્બરે રિલીઝ થવાની છે. લિંગાએ રિલીઝ પહેલા જ સો કરોડ કરતા વધુ બિઝનેસ કરી લીધો છે.