કલાકારને પૂર્ણ સ્વતંત્રતા આપતા હતાં ઋતુપર્ણો : અમિતાભ
મુંબઈ, 31 મે : સ્વર્ગસ્થ પ્રસિદ્ધ ફિલ્મ દિગ્દર્શક ઋતુપર્ણો ઘોષ સાથે ધ લાસ્ટ લીયર ફિલ્મમાં કામ કરનાર મહાનાયક અમિતાભ બચ્ચને જણાવ્યું કે ઋતુપર્ણો પોતાના અભિનેતાઓને હંમેશા ભરપૂર સ્વતંત્રતા આપતા હતાં અને કલાકારો ઉપર પોતાના દિગ્દર્શનનું દબાણ નહોતા નાંખતાં.

ઋતુપર્ણો ઘોષનું ગઈકાલે હૃદય રોગના હુમલાથી નિધન થઈ ગયું. અમિતાભ બચ્ચને બ્લૉગ ઉપર લખ્યું - તેઓ પડકાર પસંદ કરનાર વ્યક્તિ હતાં. ભૂલોને ખૂબ જ નરમાઈ સાથે બતાવતાં, સેટ ઉપર અભિનેતાઓના કામમાં દખલ આપ્યા વગર તેમને સમ્પૂર્ણ સ્વતંત્રતા આપતાં અને પહેલી વાર કૅમેરાનો સામનો કરનાર મોટાભાગના અભિનેતાઓ દ્વારા કરાતી વિચિત્ર માંગો પૂર્ણ કરવાં કાયમ તત્પર રહેતાં.
છેલ્લા બે દાયકાથી ફિલ્મ નિર્માણ સાથે જોડાયેલાં ઋતુપર્ણો ઘોષ 12 રાષ્ટ્રીય પુરસ્કારો અને અનેક આંતરરાષ્ટ્રીય પુરસ્કાર હાસલ કરી ચુક્યા હતાં. પોતાના કૅરિયરમાં તેમણે કુલ 19 ફિલ્મો બનાવી. 49 વરસની વયે ઋતુપર્ણો ઘોષનું ગઈકાલે કોલકાતા ખાતે નિધન થઈ ગયું. તેમના નિધનથી બૉલીવુડ પણ શોકગ્રસ્ત બન્યું છે.
અમિતાભ બચ્ચે પોતાના બ્લૉગ ઉપર લખ્યું - 49 વરસની અલ્પાયુમાં દુનિયા છોડી જતાં રહેનાર ઋતુદા, તેમને અમે વ્હાલથી આ જ નામે સંબોધતાં, પોતાની પાછળ આ દુનિયામાં મોટો શૂન્યાવકાશ છોડી ગયાં, સાથે જ તેમણે તાજેતરમાં બનાવેલી કેટલીક ખૂબ જ પ્રગતિશીલ ફિલ્મો દુનિયાને આપતાં ગયાં.
અમિતાભ બચ્ચન અભિનીત ધ લાસ્ટ લીયર ઋતુપર્ણો દ્વારા નિર્મિત પ્રથમ અંગ્રેજી ફિલ્મ હતી. આ ફિલ્મને પણ રાષ્ટ્રીય ઍવૉર્ડ મળ્યો હતો. અમિતાભે પોતાના બ્લૉગમાં એમ પણ જણાવ્યું કે ઋતુપર્ણોએ તેમની સાથે વધુ ફિલ્મો બનાવવા માટેની વાત કરી હતી.












Click it and Unblock the Notifications
