નવી દિલ્હી, 9 ડિસેમ્બર : બૉલીવુડ સ્ટાર્સ આમિર ખાન, દીપિકા પાદુકોણે અને અક્ષય કુમાર નવી દિલ્હી ખાતે આંતરરાષ્ટ્રીય પ્રીમિયર ટેનિસ લીગ (આઈપીટીએલ) જોવા માટે પહોંચ્યાં. આ બૉલીવુડ સ્ટાર્સે આ ખેલના દિગ્ગજો સાથે ફ્રેંડ્લી મૅચ પણ રમી.
ઇંદિરા ગાંધી ઇનડોર સ્ટેડિયમ ખાતે રોજર ફેડરર તથા નોવાક જોકોવિચને રમતા જોવા માટે દર્શકો પહોંચ્યા હતાં, પરંતુ ઇંડિયન એસેસ તથા યૂએઈ રૉયલ્સ વચ્ચેની મૅચ પહેલા દર્શકોને બૉલીવુડ સ્ટાર્સની રમત પણ જોવા મળી ગઈ.
મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન તથા ફેડરર કોર્ટની એક છેડે, જ્યારે સાનિયા મિર્ઝા તથા દુનિયાના નંબર એક ખેલાડી નોવાક જોકોવિચ બીજા છેડે ઊભા હતાં. જોકોવિચના કોચ બોરિસ બેકરે પણ આનંદ ઉઠાવ્યો.
આમિર ખાન ઉપરાંત દીપિકા પાદુકોણે, અક્ષય કુમાર અને રીતેશ દેશમુખે પણ આ રમતની મજા માણી. આ પ્રસંગે આમિરનો દીકરો આઝાદ પણ દેખાયો.
આ ઉપરાંત મહોમ્મદ અઝહરુદ્દીન, સુનીલ ગાવસ્કાર તથા અભિનેત્રી લારા દત્તા પણ મૅચમાં સામેલ હતાં. લારા દત્તા આઈપીટીએલના સંસ્થાપક મહેશ ભૂપતિના પત્ની છે.