‘26/11’ના આતંકવાદીઓનો સામનો કરશે સૈફ અલી ખાન
મુંબઈ, 12 ઑગસ્ટ : ફિલ્મ નિર્માતા કબીર ખાન 26/11ના મુંબઈ આતંકવાદી હુમલા બાદ કરવામાં આવેલ આતંકવાદ વિરોધી કાર્યવાહી પર આધારિત એક ફિલ્મ બનાવવા જઈ રહ્યાં છે કે જેમાં અભિનેતા સૈફ અલી ખાન આતંકવાદીઓનો સામનો કરતાં નજરે પડશે. કબીર ખાને આ અગાઉ એક થા ટાઇગર ફિલ્મ બનાવી હતી.

મળતી માહિતી મુજબ કબીર ખાનની આ ફિલ્મની વાર્તા હુસૈન ઝૈદી લખી રહ્યાં છે. આ અગાઉ ઝૈદીના પુસ્તકો પર અનુરાગ કશ્યપ બ્લૅક ફ્રાઇડે તથા સંજય ગુપ્તા શૂટઆઉટ એટ વડાલા ફિલ્મો બનાવી ચુક્યાં છે. બીજી બાજુ સૈફની વૈશ્વિક આતંકવાદ આધારિત આ બીજી ફિલ્મ હશે. આ અગાઉ સૈફ અલી ખાન રનેસિલ ડિસિલ્વાની કુર્બાન ફિલ્મમાં અભિનય કરી ચુક્યાં છે. કરીના કપૂર સાથેની કુર્બાન ફિલ્મમાં સૈફે આતંકવાદીનો રોલ કર્યો હતો.
જોકે સાજિદ નડિયાદવાલાના નિર્માણ હેઠળ બનતી કબીર ખાનની આ ફિલ્મમાં સૈફ અલી ખાન આતંકવાદ વિરોધી ભૂમિકામાં નજરે પડશે. ફિલ્મમાં સૈફ 26/11ના હુમલા બાદની પરિસ્થિતિઓનો સામનો કરનાર આતંકવાદ વિરોધી પાત્ર ભજવી રહ્યાં છે. આ પાત્ર કબીર ખાનની સલમાન ખાન અભિનીત એક થા ટાઇગરના રૉ એજંટ વાળા પાત્રનો જ વિસ્તાર છે.












Click it and Unblock the Notifications
