મુંબઈ, 10 જાન્યુઆરી : સંજય દત્તને મહારાષ્ટ્ર સરકાર તરફથી મળેલી રાહત બહુ લાંબી ન ચાલી અને તેઓ ફરી એક વાર જેલ પહોંચી ગયા છે. મહારાષ્ટ્ર સરકારે તેમની રજાની અવધિ વધારવાની વિનંતી ફગાવી દેતા સંજય દત્તે ફરીથી જેલ જવુ પડ્યું છે.
હકીકતમાં સંજય દત્ત નવા વર્ષની ઉજવણી માટે પુણેની યવરડા જેલમાંથી 14 દિવસની ફર્લો રજા મેળવી બહાર આવ્યા હતાં. રજાની અવધિ પૂરી થતા સંજયે જેલમાં પરત ફરવાનુ હતું, પરંતુ પરત ફરતા પહેલા સંજયે રજાની અવધિ વધારવાની અપીલ કરી નાંખી.
સંજય દત્તને આ અપીલ પર કોઈ જવાબ ન મળતા, તેઓ ગત 8મી જાન્યુઆરીએ પોતાના ઘરેથી પુણેની યવરડા જેલ જવા માટે રવાના થઈ ગયાં. સંજય દત્ત હજી જેલ પહોંચ્યા જ હતાં કે મહારાષ્ટ્ર સરકાર તરફથી જેલ વહિવટી તંત્રને નિર્દેશ મળ્યું કે જ્યાં સુધી સરકાર સંજૂની અપીલ પર નિર્ણય ન કરે, ત્યાં સુધી તેમને મુક્ત રહેવા દો.
સરકારના આવા નિર્દેશ બાદ હજી સંજય દત્ત જેલ પહોંચ્યા જ હતાં કે થોડાક જ કલાકોમાં તેઓ પાછા ઘરે જવા માટે રવાના થઈ ગયાં. આમ સંજય દત્ત 8મી જાન્યુઆરીએ જ પાછા ઘરે જતા રહ્યાં.
દરમિયાન હવે મહારાષ્ટ્ર સરકાર તરફથી સંજય દત્તની ફર્લો રજાની અવધિ વધારવાની વિનંતી રિજેક્ટ કરી નાંખી છે અને આ સાથે જ સંજય દત્ત ફરીથી પુણેની યવરડા જેલ પહોંચી ગયાં છે.