ગાંધીગીરી કરવામાં મોડું કરી નાખ્યું ખલનાયક મુન્નાએ
આજે એટલે કે 21 માર્ચ 2013ના રોજ સુપ્રીમ કોર્ટે 1993માં મુંબઇમાં થયેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટ અંગે ચુકાદો આપ્યો છે. ગેરકાયદે રીતે હથિયાર રાખવાના ગુન્હામાં બોલિવુડના ખલનાયકમાંથી મુન્નાભાઇ બનેલા સંજય દત્તને પાંચ વર્ષની સજા ફટકારવામાં આવી. ન્યાયે પોતાનું કામ કર્યું, સંજય દત્તનો દોષ જણાયો અને તેને સજા ફટકારવામાં આવી. આજે આખું બોલિવુડ અને તેના ચાહકોને એ વાતનું ઘણું દુઃખ છે, સંજય દત્તને સજા થવી જોઇતી નહોતી, તે એક પ્રેમાળ હૃદય ધરાવતો માણસ છે. પરંતુ શું નથી લાગતું કે, આ જ સંજય દત્ત કે જેણે મુન્નાભાઇ બનીને ગાંધીગીરીને ફરીથી યુવાનોમાં જગાવી તેને ખલનાયકવેળા છોડીને ગાંધીગીરી કરવામાં મોડું કરી નાંખ્યું? જો કે, દેર આયે દુરસ્ત આયેની જેમ સંજય દત્તને તેની બાકીની સજા કાપવામાં આ જ ગાંધીગીરી કામ આવશે.
મોટાભાગના લોકો એ વાતથી અજાણ નહીં હોય કે, 90ના દશકામાં માયાનગરી મુંબઇમાં ડી કંપનીનો આંતક હતો, બોલિવુડ હસ્તી હોય કે, બિઝનેસમેન કે પછી સામાન્ય જનતા બધાને ડી કંપનીનો ખોફ હતો, પરંતુ શું એનો અર્થ એ કે દરેક વ્યક્તિ ગેરકાયદે રીતે હથિયાર રાખે, કદાચ નાં અને આજે મુન્નાભાઇના હુલામણા નામથી લોકોમાં જાણીતા થયેલા સંજય દત્તને પણ લાગતું હશે કે તેણે જે સમયે ખલનાયક તરીકે પોતાને પ્રસ્થાપિત કર્યો તેને એ સમયે ખરા અર્થમાં મુન્નાભાઇ બની જવાની જરૂર હતી. પરંતુ તેને આ સમજ આવતા વર્ષો વીતાવી નાંખ્યા.

સંજય દત્ત ઉર્ફે મુન્નાભાઇએ ગાંધીગીરી કરવામાં મોડું કરી નાંખ્યુ છે એ વાત ચોક્કસપણે અયોગ્ય નથી કારણ કે, જો એ સમયગાળામાં તેણે ગેરમાર્ગ અપનાવવાના બદલે પોતાની ફિલ્મ 'લગે રહો મુન્નાભાઇ'ની જેમ જ પોતાની અંદરના સારા વ્યક્તિત્વને જાગૃત રહેવા દીધું હોત તો આજે ઉંમરના આ પડવામાં તેણે જીવનના આ વરવા ચહેરાના પણ જોવો પડ્યો ના હોત. જો તેણે પોતાની યુવાનીમાં આ ભૂલ કરવાની ચેષ્ઠા ના કરી હોત તો આજે તેના પિતાની આત્મા ના દુભાઇ હોત, તેની બહેન પ્રિયા દત્તની આંખોમાં ભાઇને થયેલી સજાનું દુઃખ ના છલક્યું હોત. જે પરિવારની ખુશીઓને વર્ષો પહેલા ગ્રહણ લાગ્યું હતું તેની આડઅસર ફરી એક વખત દત્ત પરિવારને સહન કરવી ના પડત. ખરેખર સંજય દત્ત, સંજૂબાબા, ખલનાયક અને છેલ્લે મુન્નાભાઇ.... એ ખલનાયકવેળા છોડવામાં અને ગાંધીગીરી કરવામાં મોડું કરી નાંખ્યું છે.












Click it and Unblock the Notifications
