મુંબઈ, 11 નવેમ્બર : અર્જુન કપૂર અને સોનાક્ષી સિન્હા અભિનીત ફિલ્મ તેવરનું ટ્રેલર ગઈકાલે સાંજે લૉન્ચ થઈ ગયું. આ પ્રસંગે ફિલ્મના મુખ્ય કલાકારો અર્જુન-સોનાક્ષી, મનોજ બાજપાઈ, નિર્માતા બોની કપૂર, સંજય કપૂર, સતીશ કૌશિક, પ્રભુ દેવા તથા રમેશ તૌરાની હાજર હતાં.
તેવર ફિલ્મના ટ્રેલર લૉન્ચિંગ પ્રસંગે બૉલીવુડની અનેક હસ્તીઓએ પણ હાજરી આપી આ પ્રસંગને ઝાકઝમાળ બખ્શી.
આપને જણાવી દઇએ કે તેવર ફિલ્મનું દિગ્દર્શન અમિત શર્માએ કર્યુ છે, જ્યારે બોની કપૂર તથા સંજય કપૂરે ફિલ્મ પ્રસ્તુત કરી છે. સંગીત સાજિદ-વાજિદે આપ્યુ છે. ફિલ્મમાં અર્જુન, સોનાક્ષી, મનોજ ઉપરાંત કાદર ખાન અને શ્રુતિ હસન પણ મહત્વના રોલમાં છે. તેવર ફિલ્મ 9મી જાન્યુઆરી, 2015ના રોજ થિયેટરોમાં રિલીઝ થશે.
ફિલ્મનું ટ્રેલર ધમાકેદાર લાગે છે અને અર્જુન કપૂર ઇશકઝાદે બાદ કદાચ પહેલી વખત એંગ્રી યંગ મૅનના રોલમાં નજરે પડી રહ્યા છે. બીજી બાજુ ટ્રેલરમાં સોનાક્ષી સિન્હા ખૂબ જ સુંદર લાગી રહ્યા છે, પરંતુ આ બધાની વચ્ચે મનોજ બાજપાઈને ઘણા દિવસો બાદ નેગેટિવ રોલમાં જોવા રસપ્રદ રહેશે. લાગે છે કે મનોજ બાજપાઈ ફરી એક વાર રૂપેરી પડદે પોતાની એક્ટિંગનો જાદૂ બતાવવા તૈયાર છે.
નોંધનીય છે કે તેવર ફિલ્મના બે પોસ્ટર પણ ગઈકાલે જ રિલીઝ કરવામાં આવ્યા હતાં કે જેને દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો. બંને પોસ્ટર્સ સોશિયલ મીડિયા પર ખૂબ શૅર કરાયા હતાં.