મુંબઈના સનમીત કૌરે કેબીસીમાં જીત્યાં પૂરા 5 કરોડ

37 વર્ષીય સનમીતે અમિતાભ બચ્ચનના કમ્પ્યૂટરજી દ્વારા પૂછાયેલ તમામ સવાલોના સાચા જવાબ આપતાં 5 કરોડ રુપિયા જીતી લીધાં. સનમીત કૌર મુંબઈ શહેરમાં વસતાં એક હાઉસવાઇફ છે. 5 કરોડ જીતવાની સાથે જ સનમીત કૌરની ખુશીનું ઠેકાણું ન રહ્યું. તેમણે પોતાના પરિવાર સાથે 5 કરોડ રુપિયાનો ચેક પોતાના હાથમાં લીધો અને અમિતાભ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો.
સનમીત કૌર અગાઉ આ શોમાં બિહારના સુશીલ કુમારે એક કરોડ રુપિયા જીત્યા હતાં. તેઓ પણ માત્ર એક કૉમ્પ્યુટર ટ્યૂટર અને ઑપરેટર હતાં કે જેમનો માસિક પગાર માત્ર છ હજાર રુપિયા હતો. સનમીત કૌર આ સીઝનમાં પાંચ કરોડ જીતનાર પ્રથમ મહિલા છે.
સનમીત કૌરે પોતાની આ સફળતા માટે પોતાના સમગ્ર પરિવાર પ્રત્યે આભાર વ્યક્ત કર્યો. સનમીત કૌરની આ સફળતા ઉપર તેમના પતિ અને બાળકો પણ ખુશખુશાલ છે. સનમીત આજે એક સામાન્ય હાઉસવાઇફમાંથી એક સેલિબ્રિટી બની ગયાં. કૌન બનેગા કરોડપતિ એટલે કે કેબીસીએ તેમને એક સામાન્ય વ્યક્તિથી સેલિબ્રિટીમાં તબ્દીલ કરી નાંખી છે. સવારથી સનમીત કૌર સતત ફોન પર મીડિયાના લોકો સાથે વાતો કરી રહ્યાં છે.
દરેક ન્યુઝ ચૅનલ સનમીતને સવાલો કરવા માંગે છે. સૌ કોઈ જાણવા માંગે છે કે સનમીત પોતાની આ સફળતાનો શ્રેય કોને આપશે અને સાથે જ તેઓ આટલી મોટી રકમ કઈ રીતે ખર્ચવા માંગે છે. તેમનો સમગ્ર પરિવાર હાલ સનમીતની સફળતાનો જશ્ન ઉજવી રહ્યો છે. વનઇન્ડિયા તરફથી પણ સનમીત કૌરને તેમની આ સફળતા અંગે ખૂબ-ખૂભ અભિનંદન.












Click it and Unblock the Notifications
