ગરમીએ અમદાવાદીઓને પરેશાન કર્યા, શહેરનો પારો 41.5 ડિગ્રીએ પહોંચ્યો
ગરમીએ અમદાવાદીઓને પરેશાન કર્યા, શહેરનો પારો 41.5 ડિગ્રીએ પહોંચ્યો
ઉનાડો શરૂ થતાની સાથે જ ગરમીએ માઝા મૂકી છે, ખાસ કરીને અમદાવાદમાં ગરમીનો પારો ખુબ વધ્યો છે. સોમવારે 40.2 ડિગ્રી સેલ્સિયસન સામે મંગળવારે અમદાવાદમાં ગરમીનો પારો 41.5 ડિગ્રી સેલ્સિયસને સ્પર્શ્યો હતો, જેની સાથે જ અમદાવાદ રાજ્યનું બીજા નંબરનું સૌથી ગરમ શહેર બની ગયું છે. સુરેનદ્રનગરમાં સૌથી વધુ ગરમી નોંધાઈ છે, અહીં તાપમાન 41.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 5.9 ડિગ્રી વધુ હતું.

ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ, અમદાવાદીઓને ગરમીમાંથી જલદી રાહત નહી મળે, હજી આગામી બે દિવસ સુધી અમદાવાદ શહેર અને જિલ્લામાં તાપમાનનો પારો ઉંચો રહેશે, જે દરરોજ 40 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચશે. બુધવારે મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ રહેવાનું અનુમાન છે.
મંગળવારે ગુજરાતના 28 હવામાન સ્ટેશનોમાંથી 10 હવામાન સ્ટેશનોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાયું હતું. રાજ્યની રાજધાની ગાંધીનગરમાં પણ મંગળવારે મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જેને કારણે બપોરના સમયે મુસાફરોએ તડકાનો કોપ સહન કરવો પડ્યો હતો.
હવામાન ખાતાની આગાહીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે, "આગામી 2-3 દિવસમાં મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય, જે પછીના 2 દિવસ દરમિયાન તાપમાનમાં ધીમે ધીમે 2-3 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે." અમદાવાદમાં લઘુત્તમ તાપમાન વધીને 21.8 ડિગ્રી થયું હતું, જે બુધવારે 22 ડિગ્રીને સ્પર્શે તેવી શક્યતા છે.
હવામાન ખાતાની આગાહી મુજબ, "બુધવારે અમદાવાદ, ગાંધીનગર, ખેડા, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, રાજકોટ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર અને કચ્છમાં હીટવેવની સ્થિતિ યથાવત રહેવાની સંભાવના છે."












Click it and Unblock the Notifications
