અમદાવાદના લોકો માટે દિવાળીની ભેટ: ધનતેરસથી દિવાળી સુધી AMTS બસમાં કરો મફત મુસાફરી
Ahmedabad News: દિવાળીના તહેવારને લઈને અમદાવાદના નાગરિકો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે અંતર્ગત શહેરના લોકો તહેવારના ત્રણ દિવસ સુધી AMTS બસમાં મફત મુસાફરી કરી શકશે.
આ મફત મુસાફરીનો લાભ ધનતેરસથી લઈને દિવાળીના દિવસ સુધી એટલે કે 18 ઓક્ટોબરથી 20 ઓક્ટોબર સુધી મળી શકશે.

ખરીદીને પ્રોત્સાહન આપવા AMTSનો નિર્ણય
AMTSના ચેરમેન ધરમશી દેસાઈએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે, દિવાળીના તહેવાર દરમિયાન અમદાવાદની બજારોમાં આસપાસના ગામો અને શહેરોના લોકો મોટી સંખ્યામાં ખરીદી કરવા માટે આવતા હોય છે.
PM મોદી દ્વારા દેશમાં શરૂ કરાયેલા 'આત્મ નિર્ભર ભારત' અને 'સ્વદેશી અપનાવો' અભિયાનને વેગ આપવાના હેતુથી આ નિર્ણય લેવાયો છે. 'હર ઘર સ્વદેશી' અને 'ઘર ઘર સ્વદેશી' જેવા સ્લોગન અંતર્ગત સ્વદેશી ખરીદીને પ્રોત્સાહન મળે અને ખરીદી કરવા આવતા લોકોને સરળતા રહે, તે માટે આ ત્રણ દિવસ મફત મુસાફરીની જાહેરાત કરવામાં આવી છે.
સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત રજૂ કરાશે
AMTS કમિટીમાં આ અંગેની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે. ચેરમેન ધરમશી દેસાઈએ જણાવ્યું કે, હવે આ દરખાસ્ત આવતીકાલે (ગુરુવારે) સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ પણ મંજૂરી માટે રજૂ કરવામાં આવશે. સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી મળ્યા બાદ આ નિર્ણયનો અમલ શરૂ થશે.
નોંધનીય છે કે દિવાળીના તહેવારોમાં રેલવે સ્ટેશનો અને બસ સ્ટેશનો પર મુસાફરોની ભારે ભીડ જોવા મળે છે. ત્યારે AMTSનો આ નિર્ણય અમદાવાદના લાખો લોકોને ટ્રાફિકની જંઝાળમાંથી રાહત આપીને સરળતાથી ખરીદી કરવા માટે મદદરૂપ થશે.












Click it and Unblock the Notifications
