અમદાવાદમાં બિલ્ડર જૂથો સાથે જોડાયેલા 30 થી વધુ સ્થળોએ ઈન્કમટેક્સના દરોડા
અમદાવાદના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં આજે વહેલી સવારથી આવકવેરા વિભાગના દરોડાને પગલે ભારે ફફડાટ અને દોડધામનો માહોલ જોવા મળી રહ્યો છે.
આઈટી વિભાગ દ્વારા શહેરના નામી બિલ્ડર જૂથો પર એકસાથે મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, અમદાવાદના જાણીતા કામેશ્વર ગ્રુપ અને દીપ બિલ્ડર્સના ઓફિસ તેમજ રહેણાંકના સ્થળો પર તપાસનો ધમધમાટ શરૂ થયો છે.
આ કાર્યવાહીમાં કામેશ્વર ગ્રુપના પ્રહલાદ પટેલ, દીપેન પટેલ અને નિકુંજ પટેલના સ્થળો પર અધિકારીઓની ટીમો દ્વારા ઝીણવટભરી તપાસ ચાલી રહી છે.
તેવી જ રીતે દીપ ગ્રુપના દિનેશ પટેલ અને તેમની સાથે જોડાયેલા અન્ય બિઝનેસ પાર્ટનર્સને ત્યાં પણ ઈન્કમ ટેક્સની ટીમો ત્રાટકી છે.
શહેરના વિવિધ વિસ્તારોમાં ફેલાયેલા અંદાજે 30થી વધુ લોકેશન પર આવકવેરા વિભાગના અધિકારીઓ દ્વારા અત્યારે સઘન સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
તપાસ દરમિયાન વિભાગ દ્વારા મહત્વના નાણાકીય દસ્તાવેજો, હિસાબી ચોપડાઓ અને ડિજિટલ રેકોર્ડ્સની ઉંડાણપૂર્વક ચકાસણી કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.
મોટી સંખ્યામાં અધિકારીઓનો કાફલો આ ઓપરેશનમાં જોડાયેલો હોવાથી આગામી સમયમાં મોટા પ્રમાણમાં બિનહિસાબી વ્યવહારો અને રોકડ રકમ મળી શકે છે.
આ દરોડાને પગલે શહેરના અન્ય મોટા બિલ્ડરોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે અને રિયલ એસ્ટેટ માર્કેટમાં આ વિષય ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.












Click it and Unblock the Notifications
