Ahmedabad Rain : ભારે વરસાદને પગલે સાબરમતિ રિવરફ્રન્ટ લોકો માટે બંધ કરાયો
Ahmedabad Rain : સાબરમતી નદીના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમમાંથી પાણી છોડવામાં આવતા સાબરમતી રિવરફ્રન્ટનો નીચેનો ભાગ સહેલાણીઓ માટે બંધ કરવામાં આવ્યો છે.
લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે અને આગામી આદેશ સુધી બંધ રહેશે.

ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ધરોઈ ડેમમાં પાણીની આવક વધી છે, જેથી સવારે 7 વાગ્યાથી આશરે 64,500 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું છે.
નદીમાં પાણીની આવક વધતાં વાસણા બેરેજના 25 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. જેમાં ગેટ નંબર 5 થી 24 ને 6.0 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે, જ્યારે ગેટ નંબર 25 થી 28 ને પણ 6.0 ફૂટ સુધી ખુલ્લા રાખવામાં આવ્યા છે, જેથી પાણીનો પ્રવાહ જળવાઈ રહે.
હાલની સ્થિતીએ વાસણા બેરેજ ખાતે પાણીનું સ્તર ભયજનક સપાટીથી ઉપર પહોંચી ગયું છે. સોમવારે બપોરે 12 વાગ્યે બેરેજમાં પાણીની સપાટી 127.40 ફૂટ હતી, જ્યારે જળાશયનું સ્તર 36.85 મીટર હતું.
આ સમયે 1,886.98 ક્યુસેક પાણીની આવક અને 10,393 ક્યુસેક પાણીની જાવક નોંધાઈ છે. આગામી 10-12 કલાકમાં પાણીનો પ્રવાહ 30,635 ક્યુસેક સુધી વધી શકે છે. હાલ નદી કિનારે રહેતા લોકોને સાવધ રહેવા જણાવાયું છે.
ધરોઈ ડેમના કંટ્રોલ રૂમ મુજબ, બપોરે 12 વાગ્યે ડેમમાં 2,792 ક્યુસેક પાણીની આવક અને 3,035 ક્યુસેક પાણીની જાવક નોંધાઈ હતી. સત્તાવાળાઓએ લોકોને આગામી સૂચનાઓ ન મળે ત્યાં સુધી સતર્ક રહેવા અપીલ કરી છે.












Click it and Unblock the Notifications
