Ahmedabad : અમદાવાદનો સુભાષ બ્રિજ 25 ડિસેમ્બર સુધી બંધ રહેશે
અમદાવાદનો વ્યસ્ત સુભાષ બ્રિજ તિરાડો જણાતા વાહનવ્યવહાર માટે બંધ કરાયો છે. અમદાવાદ મહાનગરપાલિકા (AMC) ના જાહેરનામા મુજબ, બ્રિજના સુપરસ્ટ્રક્ચરમાં ૪ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ નુકસાન દેખાતા સલામતી ખાતર બ્રિજ ૨૫ ડિસેમ્બર, ૨૦૨૫ સુધી સામાન્ય અવરજવર માટે બંધ રહેશે. વાહનચાલકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની વિનંતી કરાઈ છે.

ક્ષતિગ્રસ્ત બ્રિજનું સઘન નિરીક્ષણ કાર્ય પ્રગતિમાં છે. AMC એ એમ-પેનલ કરેલી ત્રણ કંપનીઓનું નિરીક્ષણ પૂર્ણતાના આરે છે; તેના રિપોર્ટ્સ બુધવારે સવારે સુપરત કરાશે. આ ઉપરાંત ગુજરાત સરકારના આર એન્ડ બી ડિઝાઇન સર્કલ અને AMCના સ્ટ્રક્ચરલ ડિઝાઇન કન્સલ્ટન્ટ પણ આ તપાસમાં જોડાયા છે.
વધુ તપાસ માટે આગામી બે-ત્રણ દિવસમાં અન્ય ત્રણ કંપનીઓ નિરીક્ષણ કરશે. IIT મુંબઈ, IIT રૂડકી અને સુરતની SVNIT જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓના તજજ્ઞો પણ કામગીરીમાં સામેલ છે. બ્રિજના ફાઉન્ડેશનની ચકાસણી પણ નિષ્ણાતો દ્વારા પ્રગતિમાં છે, જે સંપૂર્ણ માળખાકીય સુરક્ષા સુનિશ્ચિત કરશે.
RTO થી શાહીબાગ તરફના માર્ગ પર સાત, જ્યારે શાહીબાગથી RTO તરફના માર્ગ પર ત્રણ મોટી તિરાડો જોવા મળી છે. સૌથી મોટી તિરાડ શાહીબાગથી RTO જતા ફૂટપાથ પર નોંધાઈ છે. તિરાડો નજીકનો પેરાફિટનો ભાગ પણ ક્ષતિગ્રસ્ત જણાયો છે. AMC એજન્સીઓની મદદથી રિપોર્ટ તૈયાર કરી રહ્યું છે.
સુભાષ બ્રિજ બંધ થવાથી અમદાવાદમાં ટ્રાફિકની ગંભીર સમસ્યા ઊભી થઈ છે, કારણ કે પહેલેથી જ ડાયવર્ઝનથી શહેર પ્રભાવિત છે. વાડજ સર્કલ પર ભયાવહ ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે, જ્યાં આશ્રમ રોડ, દુધેશ્વર અને રાણીપ તરફથી આવતો વાહનવ્યવહાર એકઠો થતાં ભારે અંધાધૂંધી પ્રવર્તી રહી છે.
સેંકડો ટ્રાફિક પોલીસકર્મીઓ તૈનાત હોવા છતાં સ્થિતિ બેકાબૂ છે, જેને પગલે પોલીસ કમિશનરે AMCને તાકીદ કરી છે. નિરીક્ષણ રિપોર્ટ્સ આવ્યા બાદ મહાનગરપાલિકા બ્રિજના સમારકામ કે ભવિષ્ય અંગેનો અંતિમ નિર્ણય અને કાર્યયોજના જાહેર કરશે.












Click it and Unblock the Notifications
