Ahmedabad : હજુ અમદાવાદનો સુભાષ બ્રિજ કેટલા દિવસ બંધ રહેશે?
અમદાવાદના અત્યંત વ્યસ્ત સુભાષ બ્રિજ પર તિરાડો દેખાતા તેને વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. ૪ તારીખથી પાંચ દિવસ માટે બંધ કરાયેલ આ બ્રિજ હવે વધુ દિવસો સુધી બંધ રહેશે તેવું જાણવા મળ્યું છે.

સુભાષ બ્રિજમાં તિરાડ કઈ રીતે પડી અને તેને ફરી શરૂ કરવા શું પગલાં લેવા તે અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા એક રિપોર્ટ તૈયાર કરાવાઈ રહ્યો છે. વડોદરાની ખાનગી એજન્સી દ્વારા આ તપાસ ચાલી રહી છે. જો કે, આ અહેવાલ હજી સુધી મ્યુનિસિપલ કમિશનરને સુપરત કરાયો નથી અને સૂત્રો મુજબ તે બુધવાર સાંજ સુધીમાં સોંપાઈ શકે છે.
રિપોર્ટ આવ્યા બાદ બ્રિજ માટે ટૂંકા કે લાંબા ગાળાનો કયો ઉકેલ અપનાવવો તે સ્પષ્ટ થશે. કમિશનરને અહેવાલ મળ્યા પછી અંતિમ નિર્ણય લેવાશે. જો કે, હાલ નજીકના ભવિષ્યમાં સુભાષ બ્રિજ વાહનવ્યવહાર માટે ખુલ્લો થાય તેવી કોઈ સંભાવના નથી. 'સ્પાન તૂટવા’ના કારણે તિરાડ પડી હોવાની પણ ચર્ચાઓ ચાલી રહી છે.
આશ્ચર્યની વાત એ છે કે, માત્ર છ મહિના પહેલા જ બ્રિજનું નિરીક્ષણ થયું હતું ત્યારે કોઈ ક્ષતિ ન હોવાનો તંત્રનો ખુલાસો હતો. જો ત્યારે કોઈ ખામી ન હતી તો અચાનક તિરાડો કેમ પડી તે જાણવા તંત્ર પ્રયત્નશીલ છે. નવો સ્પાન નાખવો પડશે કે આખો બ્રિજ નવો બનશે તે મોટો પ્રશ્ન છે, જેનો ઉત્તર તપાસ રિપોર્ટ બાદ જ મળશે.
બ્રિજ પર તિરાડોની ચોક્કસ વિગતો પણ સામે આવી છે. RTO થી શાહીબાગ તરફ જતાં રસ્તા પર લગભગ સાત તિરાડો નોંધાઈ છે. શાહીબાગથી RTO તરફ જતાં રસ્તા પર ત્રણ મોટી તિરાડો મળી છે, જેમાં સૌથી મોટી તિરાડ ફૂટપાથ પર છે અને તેની નજીકનો પેરાફિટનો ભાગ પણ તૂટેલો જણાયો છે. AMC અદ્યતન સાધનો સાથે આ અંગેનો રિપોર્ટ ઘડી રહ્યું છે.












Click it and Unblock the Notifications
