GP-DRISHTI Project: હવે 100 નંબર પર ફોન કરતા જ અમદાવાદ પોલીસનું ડ્રોન પહોંચશે, શું છે GP-DRASTI પ્રોજેક્ટ?
GP-DRISHTI Project : અમદાવાદના નાગરિકો માટે એક નવી અને આધુનિક સલામતી સેવા શરૂ થઈ છે. હવે કોઈ પણ ઈમર્જન્સી સમયે જ્યારે તમે 100 નંબર પર ફોન કરશો ત્યારે માત્ર પીસીઆર વાન નહીં પરંતુ સાથે ડ્રોન પણ તરત જ ઘટના સ્થળે પહોંચશે.
ગુજરાત પોલીસ દ્વારા શરૂ કરાયેલા GP-DRASTI પ્રોજેક્ટ અંતર્ગત આ નવી સેવા અમલમાં મુકાઈ છે. GP-DRASTI નો અર્થ છે Drone Response and Aerial Surveillance Tactical Interventions.

આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ છે રાજ્યમાં પોલીસનો રિસ્પોન્સ ટાઈમ ઘટાડવો અને ઘટના સ્થળે ઝડપથી પહોંચીને વધુ અસરકારક રીતે કાર્યવાહી કરવી.
આ નવી સેવા હેઠળ જ્યારે પોલીસ કંટ્રોલ રૂમને કોઈ ઘટનાની જાણ થાય છે ત્યારે માત્ર પીસીઆર વાન જ નહિ પણ સાથે ડ્રોન પણ તાત્કાલિક રવાના થાય છે.
ડ્રોન પીસીઆર વાનની તુલનાએ ખૂબ ઝડપથી ઘટના સ્થળે પહોંચી જાય છે અને ઘણીવાર માત્ર 2થી 2.5 મિનિટમાં પહોંચી જાય છે.
ડ્રોનના લાઈવ ફૂટેજ સીધા ડ્રોન બેઝ સ્ટેશનના અધિકારીઓ જોઈ શકે છે, જેના આધારે ઘટનાની ગંભીરતા અને પોલીસ દળની જરૂરિયાતનું મૂલ્યાંકન કરી શકાય છે.
આ પ્રોજેક્ટનો પ્રારંભ પાયલોટ પ્રોજેક્ટ તરીકે અમદાવાદ અને સુરત શહેરમાં 10 દિવસ માટે કરવામાં આવ્યો હતો. ટ્રાયલ દરમિયાન મળેલી સફળતા પછી રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયની દેખરેખ હેઠળ આ પ્રોજેક્ટને આખા રાજ્યમાં અમલમાં મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
હાલમાં 8 ડ્રોન રાજ્ય પોલીસને મળી ગયા છે અને આગામી સમયમાં વધુ 18 જેટલા ડ્રોન મળતા આ સેવાઓનો વિસ્તાર કરાશે.
પ્રોજેક્ટના પહેલા તબક્કામાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ શહેરોના એવા 33 પોલીસ સ્ટેશનો પસંદ કરવામાં આવ્યા છે જ્યાં ગુનાખોરીનું પ્રમાણ વધુ છે. અહીં ડ્રોનથી સજ્જ તાત્કાલિક સેવા ઉપલબ્ધ કરાવવામાં આવશે.
પ્રોજેક્ટના સફળ અમલીકરણ માટે ગુજરાત પોલીસ અકાદમી કરાઈ ખાતે છ દિવસીય વિશેષ તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે.
તાલીમ પૂર્ણ કર્યા બાદ પહેલો તબક્કો અમદાવાદના 8 પોલીસ સ્ટેશનોમાં શરૂ થશે. ત્યારપછી વધુ ડ્રોન ઉપલબ્ધ થતા વડોદરા, રાજકોટ અને સુરત શહેરોમાં પણ આ સેવા કાર્યરત કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
