હરિયાળું બનશે ગુજરાત, એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત 12.20 કરોડ વૃક્ષો વવાશે
Ek ped Maa ke Naam: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા પર્યાવરણ અને પ્રકૃતિની રક્ષા સાથે ગ્લોબલ વોર્મિંગના પડકારો સામે તારણોપાય તરીકે મોટા પાયે વૃક્ષો વાવવા એક પેડ માં કે નામ અભિયાન સમગ્ર દેશમાં શરૂ કરાવવામાં આવ્યું છે.
તાજેતરમાં વિશ્વ પર્યાવરણ દિવસ, પાંચમી જૂનના રોજ વડાપ્રધાન મોદી આ અભિયાન શરૂ કરાવીને ભારતના અને સમગ્ર વિશ્વના લોકોને પોતાની માતા સાથે મળીને કે માતાને અંજલી રૂપે એક વૃક્ષ વાવવાની પ્રેરણા આપી છે.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન મોદીના આ પર્યાવરણ પ્રિય વિચારોને આત્મસાત કરીને સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ તથા ગ્રીન કવરની વૃદ્ધિ માટે ગુજરાતમાં એક પેડ માં કે નામ અભિયાનને જન આંદોલન સ્વરૂપે વિસ્તારવાનો નિર્ધાર કર્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજ્યના વન વિભાગ દ્વારા આ રાજ્યવ્યાપી અભિયાનને વધુ વેગવંતુ બનાવવાના આયોજનને એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને આખરી ઓપ આપવામાં આવ્યો હતો.
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પણ આ અભિયાન અન્વયે મિશન થ્રી મિલિયન ટ્રીઝ અંતર્ગત 100 દિવસમાં 30 લાખ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આ સંદર્ભમાં ગાંધીનગરમાં યોજાયેલી બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે, એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત આગામી સપ્ટેમ્બર-2024 સુધીમાં સમગ્ર રાજ્યમાં 12.20 કરોડ વૃક્ષો વાવવાનો અને માર્ચ-2025 સુધીમાં કુલ મળીને 17 કરોડ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ આ બેઠકમાં વન વિભાગ તરફથી થયેલા વૃક્ષ વાવેતરની વિગતો આપતાં જણાવવામાં આવ્યું હતું કે, ભારત સરકારના મેરી લાઇફ પોર્ટલ પર સમગ્ર દેશનાં રાજ્યોમાં વૃક્ષ વાવેતરની જે વિગતો નોંધાયેલી છે, તે મુજબ અત્યાર સુધીમાં ગુજરાતે 4 કરોડ 3 લાખ 33 હજાર વૃક્ષો 33 જિલ્લાઓમાં વાવીને સમગ્ર દેશમાં બીજું સ્થાન મેળવ્યું છે.
રાજ્યમાં યોજાનારા 75મા વન મહોત્સવ દરમિયાન પણ એક પેડ માં કે નામ અભિયાનને તાલુકા, ગ્રામ્ય સ્તરના વન મહોત્સવો સુધી વિસ્તારવામાં આવશે અને સમગ્રતયા 10.50 કરોડ રોપાઓનું વિતરણ કરાશે, એમ પણ આ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પર્યાવરણ અનુકૂલન જીવનશૈલી મિશન લાઈફ માટેની પણ પ્રેરણા આપી છે. રાજ્યના શહેરી વિસ્તારોમાં પણ આ પર્યાવરણપ્રિય વિચારોને આગળ ધપાવતાં અમદાવાદ મહાપાલિકાએ એક પેડ માં કે નામ અંતર્ગત મિશન થ્રી મિલિયન ટ્ર્રીઝનું બહુઆયામી આયોજન કર્યું છે.
100 દિવસમાં 30 લાખ વૃક્ષ વાવેતરનો આ નવતર અભિગમ અમદાવાદ મહાનગરપાલિકાએ શરૂ કર્યો છે. મહાનગરના 48 વોર્ડ્સ, સાત ઝોન મળીને અંદાજે 15 થી 20 લાખ સ્ક્વેર મીટર વિસ્તારમાં આ વૃક્ષો વાવવાનું આયોજન છે. આ વૃક્ષોનું વાવેતર થતાં અમદાવાદ નગરના હાલના ગ્રીન કવરમાં 6 થી 8 ટકાનો વધારો થવાનો અંદાજ રાખવામાં આવ્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મહાનગરમાં બાગ-બગીચા, તળાવો, મહાનગરપાલિકાની માલિકીના પાર્ટીપ્લોટ, બિલ્ડિંગ, શાળા સંકૂલો, રોડ સાઈડ પ્લાન્ટે શન તેમજ મિયાંવાકી પદ્ધતિથી વૃક્ષ વાવેતર વગેરેમાં મોટાપાયે જન ભાગીદારી જોડવા પણ બેઠકમાં સૂચનો કર્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્રડભાઈ મોદીના દરેક અભિયાનમાં જેમ ગુજરાત અગ્રેસર રહ્યું છે, તેમ એક પેડ માં કે નામ અભિયાનમાં પણ વધુને વધુ વૃક્ષો વાવીને અગ્રેસર રહે તેવા સુદ્રઢ આયોજન માટે વન વિભાગ સહિતના સંબંધિત વિભાગોને મુખ્યમંત્રીએ દિશાનિર્દેશો આપ્યા હતા.
આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, અગ્ર સચિવો સર્વ મોના ખંધાર, અશ્વિની કુમાર, સંજીવ કુમાર, મુખ્યમંત્રીના સચિવ અવંતિકા સિંઘ સહિત વન વિભાગના તથા અમદાવાદ મહાનગરપાલિકાના વરિષ્ઠ અધિકારીઓ સહભાગી થયા હતા.












Click it and Unblock the Notifications
