28 March: કોંગી ધારાસભ્યોની સત્યાગ્રહની ચીમકી
રોજે રોજ આપણા ગુજરાતમાં અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો આપણે ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, અને એ પણ તસવીરો સાથે.
આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.
ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

કોંગ્રેસની રાજ્યભરમાં સત્યાગ્રહની ચીમકી
ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોને બે દિવસ માટે સસ્પેન્ડ કરાયા બાદ તેમણે ભવનથી ગાંધીજીની મૂર્તિ સુધી રેલી કાઢીને ભાજપ સરકારનો વિરોધ કર્યો હતો. અને તેમણે જણાવ્યું હતું કે જો લોકોના પ્રશ્નોને દબાવવામાં આવશે તો રાજ્યભરમાં સત્યાગ્રહ કરવામાં આવશે.

રાજકોટ-સુરત ફ્લાઇટનો શુભારંભ
સુરત-રાજકોટ વચ્ચે વિમાની સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સુરતની ડાયમંડ એરોનેટિક કંપનીએ સુરત-રાજકોટ-સુરત વચ્ચેની આ ખાસ વિમાની સેવાની શરૂઆત કરી છે. જેને પહેલા દિવસે જ સારો એવો પ્રતિસાદ મળ્યો હતો.

સૌરાષ્ટ્રમાં મેઘમહેર
સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડ્યો હતો. જેમાં ધારી અને બગસરામાં એકથી અડધો ઇંચ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત જામજોધપુર, બોટાદ અને ભાયાવદરમાં પણ છૂટોછવાયો વરસાદ પડ્યો હતો.

કોંગ્રેસી ભોગવશે નુકસાની
ગુજરાત વિધાનસભામાં જે કોંગ્રેસી ધારાસભ્યો દ્વારા જે તોડફોડ કરવામાં આવી તેના નુકસાનની ભરપાઇ કોંગ્રેસી ધારાસભ્યો દ્વારા જ કરવામાં આવશે, સત્તા પક્ષની માંગના આધારે અધ્યક્ષે આવા આદેશ આપ્યા છે.

નર્મદામા ડૂબતા ત્રણ યુવાનોના મોત
નર્મદા નદીમાં નહાવા માટે ગયેલા અમદાવાદના બે સહિત ત્રણ યુવાનોના ડૂબી જવાથી મોત નિપજ્યા છે. નાંદોદ તાલુકાના ઓરી ગામે આ બનાવ બન્યો હતો, જેમાં પાટણા ગામનો એક યુવાન તેમને બચાવવા કૂદતા તેનું પણ મોત થયું હતું.

5 દિવસ સુધી બેંકો રહેશે બંધ
1 એપ્રિલથી 5 એપ્રિલ સુધી સમગ્ર બેંકો બંધ રહેશે, જેના કારણે થાપણોનું ટ્રાંજેક્શન ખોરવાશે અને ખાતેદારોને મુશ્કેલીનો સામનો કરવો પડશે. આ ઉપરાંત પગારદારોને પણ પગારમાં વિલંબ થવાની સંભાવના છે.

જુહાપુરા વિસ્તારમાં ડિમોલિશન
અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડવા માટે એએમસી દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેનાથી રોષે ભરાયેલા સ્થાનિક રહેવાસીઓએ પોલીસ પર પત્થરમારો કર્યો હતો. જ્યારે કેટલાંક ઇસમોએ ત્રણ એએમટીએસ બસોના કાચ તોડી નાખ્યા હતા. અત્યાર સુધી આ ઘટનામાં પાંચ લોકોની અટકાયત કરવામાં આવી છે. 200થી વધુ પોલીસ જવાનોને ઘટનાસ્થળે ખડેપગે કરી દેવામાં આવ્યા છે.

શંકરસિંહ વાઘેલાનો ભાજપ પર આક્ષેપ
ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા શંદર સિંહ વાઘેલાએ આજે એવો આક્ષેપ કરતા જણાવ્યું હતું કે વિધાનસભામાં ભાજપી ધારાસભ્યો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી. અમે આ મુદ્દે જેલભરો આંદોલન કરીશું અને જો પોલીસ અમને જેલમાં નહીં લઇ જાય તો અમે પોલીસ સ્ટેશન જઇને જેલ ભરીશું.












Click it and Unblock the Notifications
