છોટાઉદેપુરના બોડેલીમાં 5206 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયુ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છોટા ઉદેપુરના બોડેલી ખાતેથી કુલ ૫૨૦૬ કરોડના વિવિધ વિકાસકાર્યોા લોકાર્પણ અને ખાત મુહુર્ત કર્યા.
અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યુ કે, વર્ષ ૨૦૦૨ અગાઉ અંબાજીથી ઉમરગામ સુધીના આદિજાતિ બેલ્ટમાં એક પણ વિજ્ઞાન પ્રવાહની કોલેજ ન હતી. આદિજાતિ બંધુઓને વિકાસની મુખ્યધારામાં લાવવા માટે છેલ્લા બે દાયકામાં આદિજાતિ વિસ્તારોમાં ૨૫ હજાર નવા ક્લાસરૂમો સહિત પાંચ નવી મેડિકલ કોલેજો, બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી તથા ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીનું નિર્માણ કર્યું છે. ગુજરાતના ૫૦થી વધુ તાલુકાઓમાં કૌશલ્યવર્ધન કેન્દ્રોથી વિદ્યાર્થીઓમાં કુશળતાના બીજ રોપાયા છે.

વડાપ્રધાને શિક્ષણને શ્રેષ્ઠમાંથી સર્વશ્રેષ્ઠ બનાવતી રાજ્ય સરકારની મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સ પહેલ અંતર્ગત ૪૫૦૫ કરોડના વિવિધ શૈક્ષણિક વિકાસકાર્યો ઉપરાંત માર્ગ અને મકાન, શહેરી વિકાસ, વિજ્ઞાન અને ટેક્નોલોજી તેમજ પાણી પુરવઠા વિભાગના મળી રાજ્યના કુલ ૫૨૦૬ કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહુર્ત કર્યા.
બોડેલી સેવા સદન પાસેના મેદાન ખાતે આયોજિત સમારોહમાં વિશાળ જનસમુદાયને સંબોધતા વડાપ્રધાને જણાવ્યું કે, નવી સંસદના કાર્યારંભ બાદ અમે પ્રથમ કાર્ય નારી શક્તિ વંદન વિધેયક પસાર કરી છેલ્લા ત્રણ દાયકાઓથી વિપક્ષ દ્વારા અદ્ધરતાલ રાખવામાં આવેલા મહિલા અનામતના મુદ્દાને ખરા અર્થમાં નારી હિત માટે વાસ્તવિક સ્વરૂપ આપ્યું છે. નારી શક્તિ વંદન અધિનિયમ દ્વારા એવી નક્કર વ્યવસ્થા કરી છે કે હવે વિશ્વની કોઈ શક્તિ માતાઓ અને બહેનોને આગળ વધતા રોકી શકશે નહીં.
દેશની નારીશક્તિને પોતાના હકો-અધિકારોથી વંચિત રાખનાર મહિલા વિરોધીઓ પાસેથી હિસાબ માંગો એમ સ્પષ્ટપણે જણાવતા વડાપ્રધાનશ્રીએ આ અધિનિયમ હેઠળ અનુસૂચિત જાતિ અને જનજાતિ વર્ગની બહેનો માટે પણ અનામતની જોગવાઈ કરવામાં આવશે. આ વિધેયક પર હસ્તાક્ષર કરનાર દેશના પહેલા આદિજાતિ રાષ્ટ્રપતિ અને સ્વયં એક મહિલા શ્રીમતી દ્રૌપદી મુર્મુ હશે એમ પણ તેમણે ગર્વથી જણાવ્યુ હતું.
વડાપ્રધાને કહ્યું કે, દેશની માતાઓ, બહેનો અને દીકરીઓના નામે મિલકત હોય એવી ભાવના સાથે કેન્દ્ર સરકારે પીએમ આવાસ યોજનામાં મહિલાઓના નામે ઘર આપવાની જોગવાઈ કરી છે. જેના કારણે આજે દેશની લાખો મહિલાઓ 'લખપતિ દીદી' બની ગઈ છે. ઉપરાંત, ઘરપરિવાર અને સમાજમાં ઘર માલિકણ મહિલાઓનો માન મરતબો વધ્યો છે.
બે દશક સુધી અટકી પડેલી નવી શિક્ષણ નીતિને અમલમાં મૂકીને સ્થાનિક ભાષામાં ભણતરની ચિંતા કરી છે. દેશભરમાં ૧૪ હજાર કરતા વધુ પીએમશ્રી શાળાઓ બનાવવાનું અભિયાન શરૂ કર્યું છે. છેલ્લા ૯ વર્ષમાં આદિજાતિ વિસ્તારોમાં એકલવ્ય આવાસીય વિદ્યાલય શરૂ કરીને સર્વાંગી વિકાસના કન્દ્રો શરૂ કર્યા છે. એસસી-એસટી વિદ્યાર્થીઓની મળતી સ્કોલરશીપ પણ વધારી છે. આદિજાતિ વિસ્તારના યુવાનો સ્ટાર્ટઅપ થકી અગ્રિમ પંક્તિઓમાં દુનિયામાં નેતૃત્વ કરે તે માટે સરકાર પ્રયત્નો કરી રહી છે.
વડાપ્રધાને 'મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સ' પ્રોજેક્ટ હેઠળ રૂ.૧૪૨૬ કરોડના કામોનું લોકાર્પણ અને રૂ.૩૦૭૯ કરોડના કામોના ખાતમુહુર્ત એમ કુલ રૂ.૪૫૦૫ કરોડના વિકાસકાર્યો અંતર્ગત ૯૦૮૮ નવીન વર્ગખંડો, ૫૦,૩૦૦ સ્માર્ટ ક્લાસરૂમ્સ, ૧૯,૬૦૦ કોમ્પ્યુટર લેબ્સ, ૧૨,૬૨૨ વર્ગખંડોનું અપગ્રેડેશન તેમજ અન્ય શૈક્ષણિક સુવિધાઓનું લોકાર્પણ-ખાતમુહુર્ત કર્યું હતું.
ઉપરાંત, રૂ. ૨૫૧ કરોડના ખર્ચે શહેરી વિકાસ વિભાગ દ્વારા રૂ. ૨૦૯ કરોડના ખર્ચે દાહોદ ખાતે છાબ તળાવ વિકાસકાર્યો અને વોટર સપ્લાય યોજનાનું લોકાર્પણ તેમજ રૂ. ૪૨ કરોડના ખર્ચે પી.એમ. આવાસ યોજના (શહેરી) હેઠળ સેવાસી, વડોદરા ખાતે EWS-2 કેટેગરીના ૪૨૦ મકાનોનું લોકાર્પણ, માર્ગ-મકાન વિભાગના રૂ. ૨૨૫ કરોડના ખર્ચે નર્મદા નદી પર ડભોઈ -શિનોર- માલસર અસા બ્રિજનું લોકાર્પણ, રૂ.૫૨ કરોડના ખર્ચે ગોધરા ખાતે ફ્લાય નીઓવરબ્રિજનું ખાતમુહૂર્ત, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના રૂ. ૬૦ કરોડના ખર્ચે રાજ્યના ૨૨ જિલ્લાઓના ૭૫૦૦ ગામોમાં ૨૦ લાખ લાભાર્થીઓ માટે વિલેજ વાઈ-ફાઈ સુવિધાનું લોકાર્પણ, પાણી પૂરવઠા વિભાગના રૂ. ૮૦ કરોડનાં ખર્ચે ક્વાંટ ખાતે રૂરલ વોટર સપ્લાય સ્કીમ (RWSS)નું ખાતમુહૂર્ત, દાહોદ ખાતે રૂ. ૨૩ કરોડના ખર્ચે નવનિર્મિત નવોદય વિદ્યાલય અને રૂ. ૧૦ કરોડના ખર્ચે નિર્મિત FM રેડિયો સ્ટુડિયોનું લોકાર્પણ કર્યું હતું.












Click it and Unblock the Notifications
