પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા રાજભવનમાં વિમર્શ બેઠક યોજાઈ
રાજ્યમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે રાજ ભવનમાં હાઈલેવલ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા પર ભાર મુકાયો હતો.
ગાંધીનગર : હાલ ગુજરાતમાં 3 લાખ 26 હજાર ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવી છે. હાલ રાજ્યમાં લગભગ ચાર લાખ એકર ભૂમિમાં પ્રાકૃતિક ખેતી થઈ રહી છે. 10 લાખથી વધુ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિની તાલીમ આપવામાં આવી છે. આઝાદીના અમૃત મહોત્સવમાં ગુજરાતના પ્રત્યેક ગામમાં ઓછામાં ઓછા 75 ખેડૂતો પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવે તે લક્ષ્યની સિદ્ધ કરવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાજભવનમાં હાઈલેવલ બેઠક બોલાવી હતી.

આ બેઠકમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલ, કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પુરી, નીતિ આયોગ, નવી દિલ્હીના કૃષિ ક્ષેત્રના વરિષ્ઠ સલાહકાર ડૉ. નીલમ પટેલ અને વરિષ્ઠ તજજ્ઞો ઉપસ્થિત રહ્યા હતા.
બેઠકમાં રાજ્યપાલે પોતાના સંબોધનમાં કહ્યું કે, સમગ્ર દેશમાં પ્રાકૃતિક કૃષિ માટે સાનુકૂળ વાતાવરણ બની રહ્યું છે. ખેડૂતો પણ સમજીને સ્વીકારી રહ્યા છે કે ઓછા ખર્ચમાં, ઓછા પાણીએ થતી આ ખેતીથી કૃષિ ઉત્પાદન ઘટતું નથી. એટલું જ નહીં, જમીનની ફળદ્રુપતા પણ વધે છે. પ્રાકૃતિક કૃષિથી બીજું ખેડૂતનું હિત શું હોઈ શકે? આ વિષયને જનઆંદોલન બનાવવું પડશે અને આ દિશામાં ઝડપથી પ્રમાણિક પ્રયાસો કરવા પડશે.
રાજ્યપાલે આગળ કહ્યું કે, રાજ્યના કૃષિ વિભાગ દ્વારા પ્રશંસનીય કાર્ય થઈ રહ્યું છે. દેશી ગાયના નિભાવ માટે રાજ્ય સરકાર દ્વારા અપાતી માસિક રૂપિયા 900 ની આર્થિક સહાયનો લાભ 1 લાખ 84 હજારથી વધુ ખેડૂતો લઈ રહ્યા છે. 1964 જેટલા પ્રશિક્ષકો અત્યારે ખેડૂતોને તાલીમ આપવાના અભિયાનમાં કામ કરી રહ્યા છે.
આગામી દિવસોમાં ગ્રામ્ય કક્ષાએ ખેડૂતો માટે સઘન તાલીમ યોજાય અને જે ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવી છે અને તેના સારા પરિણામો મેળવ્યા છે એવા ખેડૂતો અન્ય ખેડૂતોને પ્રેક્ટીકલ તાલીમ આપે એવા અસરકારક તાલીમ અભિયાન માટે આયોજન કરવા રાજ્યપાલે અનુરોધ કર્યો હતો.
અંદાજપત્રોમાં પ્રાકૃતિક કૃષિને પ્રાધાન્ય આપતી જોગવાઈઓનો ઉલ્લેખ કરતાં રાજ્યપાલે કહ્યું હતું કે, કૃષિ યુનિવર્સિટીઓ, વૈજ્ઞાનિકો, સંશોધકો અને કિસાન સંગઠનો પણ આ દિશામાં શક્ય તમામ સહયોગ આપે. તેમણે ભારતીય કિસાન સંઘના સંમેલનો યોજવા અને કિસાનોને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ માટે પ્રોત્સાહિત કરવા અનુરોધ કર્યો હતો.
અહીં કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહ્યું કે, આ અભિયાનને વધુ વેગવાન બનાવવા કૃષિ વિભાગ સક્રિય યોગદાન આપી રહ્યું છે. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો દ્વારા જ ગામેગામ ખેડૂતોને તાલીમ અપાય એ માટે ઝુંબેશ શરૂ કરાશે અને ગુજરાત પ્રાકૃતિક કૃષિમાં સમગ્ર દેશમાં નંબર વન રાજ્ય બને એ દિશામાં પરિણામલક્ષી કામગીરી કરાશે. રાજ્ય સરકારે પ્રાકૃતિક કૃષિનું મિશન ઉપાડ્યું છે એ માટે સહુ કોઈ પરસ્પરના સહયોગમાં, ખેડૂતોના હિતમાં નિષ્ઠાપૂર્વક કામ કરશે એમ પણ તેમણે કહ્યું હતું.
નીતિ આયોગના વરિષ્ઠ કૃષિ સલાહકાર ડૉ. નીલમ પટેલે કહ્યું કે, પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે ગુજરાતે આખા દેશમાં સૌથી શ્રેષ્ઠ અને અન્ય રાજ્યો માટે પ્રેરણાદાયી કાર્ય કર્યું છે. ગુજરાત પાસેથી પ્રેરણા લઈને ઉત્તરાખંડે પણ યુનિવર્સિટીઓમાં પ્રાકૃતિક કૃષિનો અભ્યાસક્રમ અપનાવ્યો છે. કેન્દ્ર સરકારના વર્ષ 2023-24 ના અંદાજપત્રની જોગવાઈઓ વિશે વિશેષ પ્રકાશ પાડતાં તેમણે કહ્યું કે, દેશની સ્વયં સહાયતા સંગઠનોની 81 લાખ મહિલાઓને પ્રાકૃતિક કૃષિના ઉત્પાદન, પ્રોસેસિંગ અને માર્કેટિંગના કામમાં જોડવાનું આયોજન છે.
તેમણે આગળ કહ્યું કે, પ્રાકૃતિક કૃષિમાં બાયો ઇનપુટ રિસર્ચ માટે દેશમાં 10,000 સેન્ટર માટે કેન્દ્ર સરકાર સહયોગ કરશે. પ્રધાનમંત્રી પ્રણામ મિશન અંતર્ગત વૈકલ્પિક ખાતર અંગે સંશોધન અને જમીનની ફળદ્રુપતા વધારવાનું અભિયાન હાથ ધરાશે. ગોબર આધારિત સીવીજી પ્લાન્ટની વ્યવસ્થાઓ વિશે પણ તેમણે જાણકારી આપી હતી. ભારત-જર્મનીના સંયુક્ત સંશોધન કાર્યક્રમમાં સક્રિયતાથી ભાગ લેવા તેમણે સૂચન કર્યું હતું અને કહ્યું હતું કે, સાથે મળીને ટીમવર્કથી કામ કરીને આપણે સૌ આ મિશનને આગળ વધારીએ.












Click it and Unblock the Notifications
