ગાંધીનગર ખાતે જિલ્લા કલેક્ટરો-જિલ્લા વિકાસ અધિકારીઓનો વર્કશોપ યોજાયો
ગાંધીનગર ખાતે જિલ્લા કલેક્ટરો-જિલ્લા વિકાસ અધિકારીઓનો વર્કશોપ ઓન વિકસિત ગુજરાત@2047 યોજાયો હતો. આ વર્કશોપમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી.
અહીં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વિકાસના દરેક ક્ષેત્રે નંબર વન રહેલું ગુજરાત અમૃતકાળના વિકસિત ભારત@૨૦૪૭ના વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કરવામાં પણ પોતાના રાજ્યનું વિકાસ વિઝન@૨૦૪૭ તૈયાર કરનારું પ્રથમ રાજ્ય બને તેવી આપણી નેમ છે.

આઝાદીના ૭૫ વર્ષમાં દેશ અને રાજ્યનો જે વિકાસ થયો છે તેના પરિપ્રેક્ષ્યમાં અમૃતકાળનો એટલે કે આવનારા ૨૫ વર્ષનો વિકાસ રોડ મેપ કેવો હોય તેના વિઝનના મંથન-ચિંતન માટે આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
નીતિ આયોગના સહયોગથી વિકસિત ગુજરાત@૨૦૪૭ વિઝન ડોક્યુમેન્ટેશન તૈયાર કરવામાં આવી રહ્યો છે તેમાં કલેક્ટરો-ડી.ડી.ઓ.ના લેખિતમાં મળેલા સુઝાવો-સૂચનોની આ વર્કશોપમાં છણાવટ કરવામાં આવી હતી.
રાજ્યના મહેસાણા, વલસાડ, દાહોદ, અને ભાવનગરના જિલ્લા કલેક્ટરો-જિલ્લા વિકાસ અધિકારીઓએ પોતાના જિલ્લામાં તૈયાર થઈ રહેલા પ્રારંભિક વિઝન ડોક્યુમેન્ટનો સારાંશ પ્રસ્તુત કર્યો હતો.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ તકે કહ્યું કે, વાર્ષિક ચિંતન શિબિર દરમિયાન ધ્યાનમાં આવેલું કે, કલેક્ટર, ડી.ડી.ઓ. જેવા જે પાયાના સ્તરના અને ફિલ્ડ લેવલે કામ કરનારા અધિકારીઓ છે તેમના વિકાસ વિઝન ઇનોવેટિવ અને વ્યાપક જનહિતકારી હોય છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કલેક્ટરો-ડી.ડી.ઓ.ને પ્રજાવર્ગોને સંતોષ થાય તેવી નિષ્ઠાપૂર્વકની કામગીરી માટે પણ સૂચન કરતાં જણાવ્યું કે, હવે અમૃતકાળનું ગુજરાત@૨૦૪૭, કેવું હોય તેના સુઝાવો-સૂચનો પણ તેઓ યોગ્ય સ્તરે સતત આપતા રહે તે જરૂરી છે.
મુખ્ય સચિવ શ્રી રાજકુમારે આ વર્કશોપનો હેતુ સ્પષ્ટ કરતા પ્રાસંગિક સંબોધનમાં જણાવ્યું કે, આપણે જ્યારે આવનારા વર્ષનો વિકાસ મેપ કંડારતા હોઈએ ત્યારે વીતેલા વર્ષો તરફ પણ દ્રષ્ટિપાત કરવો જરૂરી છે.
આ અંગે મુખ્ય સચિવશ્રીએ ૧૯૯૭-૯૮ના વર્ષમાં ૯૧ હજાર કરોડના GSDP ની સામે હાલ ૨૨.૬૧ લાખ કરોડ GSDP છે એટલે કે અંદાજે ૧૧ ગણો વધારો થયો છે તેની છણાવટ કરી હતી.
તેમણે જણાવ્યું કે, ગુજરાતે વિકાસની જે તેજ ગતિ જાળવી રાખી છે તેમાં સ્થિર સરકાર અને પ્રોત્સાહક નીતિઓ ચાલક બળ બન્યા છે. મુખ્ય સચિવશ્રીએ આવનારા સમયના ડેવલપમેન્ટ સેક્ટર્સ તરીકે સેક્ટરલ ટ્રાન્સફોર્મેશન અને ગ્રીન ગ્રોથ સહિતના વિકાસ માટે જિલ્લા કલેકટરોની સક્રિયતાનો અનુરોધ કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીનાં મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ અઢિયાએ ભવિષ્યનું ભારત અને ગુજરાત કેવું હશે અને તેમાં યુવા અધિકારીઓની મહત્વપૂર્ણ ભૂમિકા હોય તેવા નવિન વિચારોનું ડોક્યુમેન્ટેશન કરી આ વિકસિત ગુજરાત@૨૦૪૭ તૈયાર કરવામાં આવી રહ્યું છે તેમાં નીતિ આયોગના મળી રહેલા માર્ગદર્શનની સરાહના કરી હતી.
તેમણે ઉમેર્યું કે, નીતિ આયોગે ગુજરાત અને આંધ્ર પ્રદેશની મોડલ ડોક્યુમેન્ટેશન સ્ટેટ માટે પસંદગી કરી છે.












Click it and Unblock the Notifications
