વિરમગામ ખાતે અમદાવાદ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ
ઉદ્યોગ તેમજ શ્રમ અને રોજગાર વિભાગના કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે ૭૫મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે અમદાવાદના વિરમગામમાં શેઠ એમ.જે. હાઇસ્કૂલ ખાતે જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી અર્પી હતી. વહીવટી તંત્ર સાથે પ્રજાજનોએ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી.
ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે ૭૫મા પ્રજાસત્તાક પર્વની સૌને શુભકામનાઓ પાઠવતા જણાવ્યું કે, બંધારણના ઘડતરમાં ડૉ.બાબાસાહેબ આંબેડકરનું અમૂલ્ય યોગદાન છે. સ્વતાતંત્ર્ય સેનાનીઓનું સ્મરણ કરતા મંત્રીએ જણાવ્યું કે, ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, તિલકજી, નેતાજી સુભાષચંદ્ર બોઝ, સાવરકરજી, ભગતસિંહ જેવા શહીદોએ પોતાના જીવન આઝાદી માટેની આગમાં હોમી દીધા. યુદ્ધો દરમિયાન અને વિશ્વ શાંતિ માટે પોતાની ફરજ ઉપર શહીદ થયેલા દેશના જવાનો, પોલીસ મિત્રો અને નાગરિકોને આજના આ પાવન દિવસે યાદ કરી તેમના માતાપિતાને વંદન કરીએ.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર ગુજરાતને અવ્વલ રાખવા કટિબદ્ધ છે તેમ જણાવી મંત્રીએ ઉમેર્યું કે, ગત વર્ષે જી-20ની અધ્યક્ષતા અને વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની સફળતાથી વિશ્વમાં ભારત અને ગુજરાતનો ડંકો વાગ્યો છે. નવી નીતિઓ, શાંતિ, સલામતી, સુરક્ષા, સુશાસન, અને અંત્યોદયની પરિણામલક્ષી કામગીરીને કારણે ગુજરાત રોલ મોડલ રાજ્ય બન્યું છે.
તેમણે વધુમાં જણાવ્યુ કે, આજે ગુજરાત દેશના જીડીપીમાં ૮, ફેક્ટરીઓમાં ૧૧, ઉત્પાદનમાં ૧૮, નિકાસમાં ૩૩ હિસ્સો ધરાવે છે. ગુજરાત છેલ્લાં ત્રણ વર્ષથી નિકાસમાં પ્રથમ સ્થાન ધરાવે છે.
સેમિકન્ડક્ટર, ટેક્સટાઇલ, ગાર્મેન્ટ અને એપેરલ, નવી ઔદ્યોગિક નીતિ, સ્ટાર્ટ અપ, આઇ.ટી, ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બાયોટેકનોલોજી જેવી ૨૦થી વધુ પોલીસીઓથી ગુજરાતના ઉદ્યોગોને વિકસિત કરવામાં રાજ્ય સરકાર ગુજરાતના ઉદ્યોગોને વિકસિત કરવા સરકાર પ્રયાસરત છે.
તેમણે કહ્યું કે, વિકસિત ભારતના નિર્માણ માટે ગુજરાતે સૌથી પહેલો પોતાનો રોડમેપ તૈયાર કર્યો છે અને ૨૦૪૭ સુધી જીએસડીપી ૩.૫ ટ્રિલિયન યુ.એસ. ડોલર સુધી તથા માથાદીઠ આવક ૩૮થી ૪૩ હજાર યુ.એસ.ડોલર સુધી લઈ જવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. સાથોસાથ રોજગારીમાંનારીશક્તિને ૭૫ ટકા સુધી વધારવા તથા ગ્રીન ક્લીન એન્વાયરમેન્ટ માટે તથા ફોસિલ ફ્યુઅલ પરનું ભારણ ઘટાડવા ૨૦૪૭ નેટ ઝીરો એમિશન રાજ્ય બનવાનું સરકારનું લક્ષ્ય છે.
વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો ઉલ્લેખ કરીને તેમણે જણાવ્યું હતું કે અમદાવાદ જિલ્લામાં આ યાત્રા સફળતાપૂર્વક સમ્પન્ન થઈ છે તથા લાખો લોકોને ઘરે બેઠા યોજનાઓનો લાભ પ્રાપ્ત થયો છે. આ માટે જિલ્લા વહીવટી તંત્ર અભિનંદનને પાત્ર છે.
તાજેતરમાં અયોધ્યામાં રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા માટે લોકોને શુભેચ્છા પાઠવતા મંત્રીએ કે વડાપ્રધાનએ આ નિમિત્તે દેશથી દેવ અને રામથી રાષ્ટ્રનો જે મંત્ર આપ્યો છે તેને સાથે મળીને સાકાર કરવાનો છે.
ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે પરેડ કમાન્ડર ડૉ. રોશની સોલંકીના નેતૃત્વમાં પરેડની સલામી ઝીલી વિવિધ પોલીસ દળની પરેડનું નિરીક્ષણ કર્યું હતું.












Click it and Unblock the Notifications
