આશાવર્કરોનો સરકાર સામે મોરચો, 17 જાન્યુ.એ હડતાલ
નવી બનેલી સરકાર સામે હવે આશા વર્કર્સે મોરચો માંડ્યો છે, તેમની પગાર વધારાની માંગ સરકારે હજુ પેન્ડિંગ રાખી છે ત્યારે આક્રોશમાં આવેલી આશા વર્કસ બહેનોએ 17 જાન્યુઆરીના રોજ દેશ વ્યાપી હડતાલની ચીમકી ઉચ્ચારી છે. 17 જાન્યુઆરી સુધીમાં જો તેમના પ્રશ્નો નહીં ઉકેલાય તો આગંણવાડી બહેનો હડતાલમાં જોડાશે. ગુજરાતમાં 65,000 કરતા વધુ આશા બહેનો તેમજ આશાવર્કરો આ હડતાળમાં જોડાશે. ગુજરાત તેમજ દેશમાં હડતાલને સંપૂર્ણ સપોર્ટ મળે તે માટે ગુજરાતમાં આંગણવાડી બહેનોએ બેઠકોની શરૂઆત કરી છે. હડતાલને દિવસે ગુજરાતભરની 50 હજાર જેટલી આંગણવાડીઓ બંધ રહેશે અને આશા વર્કરો પણ હેલ્થ સેન્ટર પર જશે નહીં.
બહેનોનો આક્રોશ છે કે, તેમને ભાજપની સરકારે વર્ષ 2011-12 બાદ કોઈ પણ પ્રકારનો પગારવધારો આપ્યો નથી અને તેમની જે મૂળ જરૂરિયાતો છે તે પણ પૂરી થતી નથી. આથી હવે તેમની પાસે હડતાલ સિવાય સરકારના કાન ખોલવા માટે બીજો કઈ ઉપાય નથી. આશા વર્કર બહેનોએ જણાવ્યુ હતું કે, લોકસભાની ચૂંટણી વખતે ભાજપે ઢંઢેરામાં પગાર વધારો કરવા વચન આપ્યું હતું અને ચૂંટણી જીતી જતા ભાજપ હવે આ વાત ભૂલી ગઈ છે. આ બાબતે અગાઉ વારંવાર રજુઆતો અને વિરોધ કાર્યક્રમો દ્વારા સરકારનું ધ્યાન દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ૫રંતુ દરેક વખતે ફક્ત ઠાલા આશ્વાસનો મળતા હવે હડતાલ પાડવાનું નક્કી કરવામાં આવ્યું છે.