આશિષ નંદા IIM અમદાવાનના નવા ડાયરેક્ટર બન્યા
અમદાવાદ, 14 ઓગસ્ટ : છેલ્લા એક વર્ષથી ચાલી રહેલી ભારતની પ્રિમિયર બિઝનેસ સ્કૂલ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ (આઇઆઇએમ અમદાવાદ)ના ડાયરેક્ટરની શોધ પૂરી થઇ છે. આઇઆઇએમ અમદાવાદ દ્વારા સત્તાવાર રીતે તેના નવા ડાયરેક્ટર તરીકે હાર્વર્ડ લૉ સ્કૂલના પ્રોફેસર આશિષ નંદાના નામની જાહેરાત કરી છે.
આઈઆઈએમ અમદાવાદને માનવ સંસાધન મંત્રાલય તરફથી સત્તાવાર રીતે નંદાની ડાયરેક્ટર પદે નિમણૂંકની જાણ કરી દેવામાં આવી છે. ઈન્ડિયન ઈન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદનાં નવા ડારેક્ટરની નિયુક્તિ માટે રચવામાં આવેલી સમિતિ દ્વારા માનવ સંસાધન મંત્રાલયને ત્રણ નામોની યાદી મોકલવામાં આવી હતી. જેમાં આશિષ નંદા, રાકેશ બસંલ અને જી. રધુરામનો સમાવેશ થયો હતો. આ યાદીમાંથી માનવ સંસાધન મંત્રાલયે આશિષ નંદાની નિયુક્તિને મંજુરી આપી દીધી છે. આશિષ નંદા અત્યારે હાવર્ડ લૉ સ્કૂલમાં પ્રોફેસર છે. તેઓ આગામી સપ્ટેમ્બર મહિનાથી આઈઆઈએમ અમદાવાદના ૧૩મા અને વિદેશની સંસ્થામાંથી આવી રહ્યા હોય તેવા પહેલા ડાયરેક્ટર બન્યા છે.

આશિષ નંદા આઈઆઈએમ અમદાવાદના અલુમ્નસ છે. તેઓ અહીં જ ભણેલા છે અને છેલ્લા 13 વર્ષથી તેઓ હાવર્ડ લો સ્કુલમાં પ્રધ્યાપક તરીકે ફરજ બજાવે છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી આઈઆઈએમના ડિરેક્ટરની નિમણૂંક કેન્દ્ર સરકાર કરતી હતી. પરંતુ વર્ષ 2012થી સરકારે દરેક આઈઆઈએમ સંસ્થાને પોતાના ડિરેક્ટર પસંદ કરવાની છુટ આપવામાં આવી હતી જેના કારણે અમદાવાદ આઈઆઈએમએ આંતરરાષ્ટ્રીય સ્તરે અનુભવી ડિરેક્ટર પસંદ કરવા માટે ગયા વર્ષે આંતરરાષ્ટ્રીય મેગેઝિન ધ ઈકોનોમિસ્ટમાં જાહેરાત પણ આપી હતી.
આઈઆઈએમ અમદાવાદના નવા ડાયરેક્ટરને સરકારે નક્કી કરેલા પગાર ધોરણ અનુસાર પગાર ચૂકવવામાં આવશે. સરકારી ધોરણ મુજબ આઈઆઈએમના ડાયરેક્ટરને વર્ષે રૂપિયા 20 લાખ જેટલો પગાર મળે છે. જો કે દરેક આઈઆઈએમને પોતાના ફંડમાંથી વધારાનો પગાર ચુકવવાની છુટ હોવાથી આઈઆઈએમ અમદાવાદ નંદાને એક કરોડ સુધીનો પગાર ચુકવશે એવું માનવામાં આવે છે.
આશિષ નંદાની પ્રોફાઇલ
આશિષ નંદા જુદા જુદા ક્ષેત્રોમાં કુશળતા ધરાવે છે. ધણી સિદ્ધિઓ પણ પોતાના નામ પર કરી ચૂક્યા છે. તેમની શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો નંદાએ આઇઆઇટી દિલ્હીથી ઈલેક્ટ્રિકલ એન્જિનીયરની બેચલર ડિગ્રી મેળવ્યા બાદ 1983માં આઈઆઈએમ અમદાવાદમાં મેનેજમેન્ટનો અભ્યાસક્રમ પૂર્ણ કર્યો હતો. આઈઆઈએમમાં તેમણે ગોલ્ડ મેડલ પણ મેળવ્યો હતો. તે પછી હાવર્ડ યુનિર્વસિટીમાંથી અર્થશાસ્ત્ર શાખામાં ડૉક્ટરેટની ડિગ્રી પણ મેળવી છે.












Click it and Unblock the Notifications
