
અશોક ગેહલોત ઉપરાંત શું રાહુલને પણ મળ્યા હતા હાર્દિક પટેલ?
સોમવારે બપોરે ગુજરાત આવી પહોંચેલ રાહુલ ગાંધીએ પણ ગાંધીનગર ખાતે અલ્પેશ ઠાકોર દ્વારા આયોજીત નવસર્જન જનાદેશ મહાસંમેલનમાં ભાજપ તથા નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે હાર્દિક પટેલ તથા જીજ્ઞેશ મેવાણીને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. આ ઉપરાંત એવી પણ વાતો હતી કે, મહાસંમેલન બાદ રાહુલ ગાંધી આ બંને યુવા નેતાઓ સાથે વન ટુ વન બેઠક કરશે. જો કે, હાર્દિક પટેલે ફરી એકવાર રાહુલ ગાંધીના આમંત્રણનો અસ્વીકાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, તેઓ વ્યસ્ત હોવાથી અને અમદાવાદની બહાર હોવાથી રાહુલ ગાંધીને નહીં મળી શકે.
રાહુલ-હાર્દિકની સિક્રેટ બેઠક?
જો કે, કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાહુલ ગાંધી અને હાર્દિક પટેલે સોમવારે મુલાકાત કરી હોવાની શક્યતા છે. સોમવારે બપોરે અમદાવાદ એરપોર્ટથી રાહુલ ગાંધી સીધા તાજ હોટલ પહોંચ્યા હતા અને સીસીટીવી ફૂટેજ અનુસાર હાર્દિક પટેલ રવિવારે મોડી રાતે તથા સોમવારે બપોરે હોટલમાં જ હતા. આથી બંનેની મુલાકાત થઇ હોવાની વાતો વહેતી થઇ છે. જો કે, કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ રાહુલ ગાંધી અને હાર્દિક પટેલની મુલાકાત થઇ હોવાની વાત નકારી છે.
અશોક ગેહલોતે સ્વીકારી મુલાકાતની વાત
ત્યાર બાદ સોમવારે સાંજે કોંગ્રેસના દિગ્ગજ નેતા અશોક ગેહલોતે ટ્વીટ કરીને માહિતી આપી હતી કે, તેમણે હાર્દિક પટેલ સાથે મુલાકાત કરી હતી. તેમણે લખ્યું હતું કે, 'હાર્દિક પટેલ અને તેના સાથીદારો સાથેની બેઠક સારી રહી. હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જીજ્ઞેશ મેવાણીને મળીને આનંદ થયો. ખેડૂતો, ગરીબો, એસસી-એસટી અને ઓબીસી વર્ગ માટેનું તેમનું કમિટમેન્ટ જોઇને પ્રભાવિત થયો. મને ખાતરી છે કે, આ ત્રણેય યુવા નેતાઓના સમર્થકો ગુજરાતને ભાજપની સરકારમાંથી મુક્તિ અપાવશે.' હવે આ મુલાકાતની રાજ્યના રાજકારણ પર શું અસર થશે તથા રાહુલ અને હાર્દિકની મુલાકાત થઇ હતી કે કેમ એ અંગે હજુ પ્રશ્નાર્થ છે.
Had a good meeting with Hardik Patel and his colleagues. Glad to met with #HardikPatel, #AlpeshThakore and #JigneshMevani,
— Ashok Gehlot (@ashokgehlot51) October 23, 2017
1/
આગળના ટ્વીટમાં અશોક ગેહલોતે કહ્યું હતું કે, તેમણે આ નેતાઓ સાથે ઉમ્મેદ હોટલમાં મુલાકાત કરી હતી અને અશોક ગેહલોતના નામે બુક કરાવવામાં આવેલ રૂમની પોલીસ તપાસ થઇ રહી છે. તેમણે આ અંગે ભાજપ અને પીએમ મોદીને પ્રશ્ન કરતાં લખ્યું હતું કે, અમે સ્વીકારીએ જ છીએ કે અમારી બેઠક થઇ હતી અને ભવિષ્યમાં પણ થશે. જ્યારે તેમણે ભાજપ સાથે મુલાકાત કરી ત્યારે રૂમની ચકાસણી નહોતી થઇ, તો હવે કેમ?