ગાંધીનગરના દહેગામ ખાતે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં જોડાયા
75 માં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી ગાંધીનગરનાં દહેગામ ખાતે કરવામાં આવી હતી. આ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી હતી.
અધ્યક્ષે ભારતની આઝાદી માટે પોતાનું જીવન ન્યોછાવર કરનારા નામી અનામી સ્વાતંત્ર્યવીરોને શ્રદ્ધાસુમન પણ અર્પણ કરી નાગરિકોને પ્રજાસત્તાક પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.

બંધારણના ઘડવૈયાઓને પણ આજના દિવસે યાદ કરી, વંદન કરીને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, ભારતના દરેક નાગરીકે યાદ રાખવુ જોઇએ કે તે ભારતીય છે અને તેને દરેક અધિકાર છે, પરંતુ ચોકકસ ફરજો સાથે. ભારત દેશનું બંધારણ વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ છે. આજના દિવસે જ આપણાં દેશમાં વિશ્વની સૌથી મોટી લોકશાહીનું બંધારણ અસ્તિત્વમાં આવ્યું હતું.
અયોધ્યાનગરીમાં પ્રભુશ્રી રામ બિરાજમાન થયા છે. આપણી સૌની સદીઓની તપસ્યા ફળી છે અને અયોધ્યામાં પ્રભુશ્રી રામની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાની અલૌકિક પળના આપણે સૌ સાક્ષી બન્યા છીએ. પ્રભુશ્રી રામની આ પ્રતિષ્ઠાથી "વસુધૈવ કુટુંબકમ્" ના વિચાર અને ભારતીય સંસ્કૃતિના વિશ્વાસની પ્રતિષ્ઠા થઈ છે. દેશમાં જી-ટવેન્ટી સમિટની ખુબ સફળતા પૂર્વક યજમાની થઈ છે.
આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇએ સદા પર્યાવરણ પ્રત્યે ચિંતા વ્યક્ત કરી છે. તેમના વિચારોના પરિપાકરૂપે સમગ્ર દેશમાં ક્લાઇમેટ ચેંજ વિભાગ શરૂ કરનાર ગુજરાત દેશમાં સૌ પ્રથમ રાજ્ય રહ્યું હતું. ભારત હાલ સમગ્ર વિશ્વમાં નેનો યુરિયા બનાવવાવાળો સૌ પ્રથમ દેશ બની ચૂક્યો છે. આજે દેશ વિજ્ઞાન ક્ષેત્રે પણ અગ્રેસર બની રહ્યો છે.
અગાઉ ચંદ્રયાન મિશનની સફળતાએ આપણને વિશ્વમાં ગૌરવ અપાયુ છે. દેશના વૈજ્ઞાનિકોની સતત મહેનતના કારણે સુર્યનો અભ્યાસ કરવા અંતરીક્ષમાં આદિત્ય-૧ નું સફળ ઉડ્ડાન કર્યુ છે.
પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષે પરેડ નિરીક્ષણ કર્યું હતું અને પ્રજાસત્તાક પર્વમાં ઉપસ્થિત નગરજનોનું અભિવાદન પણ ઝીલ્યું હતું. અધ્યક્ષના હસ્તે ઉમદા કામગીરી કરનાર અધિકારીઓ, કર્મયોગીઓ, ખેલાડીઓ અને નાગરિકોનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે અધ્યક્ષશ્રીના હસ્તે ગાંધીનગર જિલ્લાના વિવિધ વિકાસ કામોની ઝાંખી કરાવતી જિલ્લા માહિતી કચેરી દ્વારા તૈયાર કરાયેલી "વિકાસ વાટીકા" પુસ્તિકાનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. અધ્યક્ષ શ્રી અને મહાનુભાવના હસ્તે આ પ્રસંગે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.












Click it and Unblock the Notifications
