જાણો તમારા ઉમેદવારને: પોરબંદરથી ભાજપના બાબુભાઈ બોખિરિયા
ગુજરાતમાં રાજકીય પક્ષો દ્વારા વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં પોરબંદરની સીટ પરથી ભાજપના બાબુ બોખિરિયાને ટિકિટ આપવામાં આવી છે. બાબુ બોખિરિયા વિષે થોડુ જાણીએ.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો દાવો છે કે તે એક એક બેઠક પર પોતાની નજર બનાવીને આ ચૂંટણી લડી રહી છે. વળી વિધાનસભાની સીટ પરના ઉમેદવારોની યાદી અને વિવાદ પણ આ ચૂંટણીને વધારે રસપ્રદ બનાવી રહ્યા છે, ત્યારે 18 નવેમ્બરના ભાજપ દ્વારા ઉમેદવારોની બીજી યાદી બહાર પાડવામાં આવી છે. આ યાદીમાં પોરબંદરની વિધાનસભા સીટ પરના ઉમેદવાર તરીકે બાબુ બોખિરિયાની પસંદગી કરવામાં આવી છે. તો બાબુ બોખિરિયા વિષે થોડુ જાણીએ. બાબુભાઈનો જન્મ 12 માર્ચ 1953ના રોજ પોરબંદરના બોખીરા તાલુકામાં થયો હતો. બાબુભાઈના પિતાનું નામ ભીમાભાઈ બોખિરિયા છે. બાબુભાઈએ સૌરાષ્ટ્ર યૂનિવર્સિટીમાંથી કેમિસ્ટ્રીમાં સ્નાતક સુધીનો અભ્યાસ કર્યો છે. તેઓ ગુજરાત સરકારના જળ સંસાધન મંત્રી છે.

બાબુભાઈ વર્ષ 1995માં પહેલી વખત વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા અને રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. 2012ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડિયાને આ સીટ પરથી હરાવીને બાબુભાઈ વિજેતા બન્યા હતા. કોંગ્રેસનો ગઢ ગણાતી આ બેઠકને ભાજપે 2012ના ચૂંટણીમાં પોતાના નામે કરી લીધી હતી. આ જીતને કારણે જ ભાજપે ફરી આ સીટ પરથી બાબુભાઈની પસંદગી કરી છે. myneta.in પરથી મળતી માહિતી અનુસાર તેમની પત્નીનું નામ જ્યોતિબા છે. તેમને બે પુત્ર અને ત્રણ પુત્રી છે. 2012માં તેમની સંપત્તિ 19 કરોડની આસપાસ હતી. તેમના પર એક ગુનાહિત કેસ નોંધાયો છે. તેમની આવકના સ્ત્રોત વિષે વાત કરવામાં આવે તો તેમણે 2012ની ચૂંટણી વખતે વ્યવસાયમાં ખેતી અને રિયલ એસ્ટેટ બ્રોકર જણાવ્યુ હતુ.












Click it and Unblock the Notifications
