ગીરમાં 7 જૂનથી દેશનો સૌથી મોટો કેરી મહોત્સવ

આ સતત બીજા વર્ષે આ પ્રકારનો મેંગો ફેસ્ટીવલ આયોજીત થઇ રહ્યો છે. પર્યટકોને આકર્ષવા માટે આ એક મોટો પ્રયાસ છે. આ ફેસ્ટીવલ માટે રાજયના રાજકોટ, ગાંધીધામ, સુરત, ભુજમાં રોડ શોનું આયોજન કરવામાં આવ્યુ છે. સાસણ ગીરની કેસર કેરી વિશ્વભરમાં પ્રસિધ્ધ છે પરંતુ એ ઓછા લોકોને ખબર છે કે રાજયમાં ફકત કેસર અને વલસાડી કેરી જ નહિ પરંતુ કેરીની 60થી વધુ જાતોનું ઉત્પાદન થાય છે.
આ ફેસ્ટીવલ રાજયના કેરી પકવતા ખેડુતો માટે એક શ્રેષ્ઠ મંચ સાબિત થશે. સાથોસાથ આનાથી ગ્રામીણ પર્યટનને પણ લાભ મળશે. કેરીના રોપાને જાણવા અને તેને બચાવવાના ઉપાયોની પણ માહિતી તેમાં આપવામાં આવશે ઉપરાંત કેરી પકવતા ખેડુતો, નિકાસકારો અને ડીલરો સાથે સીધી વાતચીત થઇ શકશે.
ફેસ્ટિવલમાં અથાણું, ચટણી, જયુસ, જેલી, મેંગો લચ્છી, જામ જેવી કેરીની પ્રોડકટનું પણ પ્રદર્શન કરવામાં આવશે. કેરી ખાવાની સ્પર્ધા પણ યોજાશે. અહીં ફરવા આવતા લોકો માટે મેંગો કવીઝ અને મેંગો સ્લોગન હરીફાઇ પણ યોજાશે. લોકો કેરીની વિવિધ જાતનો સ્વાદ પણ લઇ શકશે ઉપરાંત ફેસ્ટીવલ દરમિયાન સિદીઓનો ધમાલ ડાન્સ સાથે સાંસ્કૃતિ કાર્યક્રમો પણ યોજાશે.
ખેડુતો તથા સામાન્ય લોકો માટે પુરસ્કારની યોજના પણ છે. કેરીની વિવિધ જાતો અંગે ત્રણ દિવસ સુધી કેરીના નિષ્ણાંતો લેકચર પણ આપશે. ભારત કેરીનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. અહીં 900થી વધુ જાતની કેરીઓ ઉપલબ્ધ છે. મેંગો ફેસ્ટિવલ દિલ્હી, મુંબઇ, પુણે તથા હૈદરાબાદ જેવા શહેરોમાં પણ આયોજીત થાય છે.












Click it and Unblock the Notifications
