ઉત્તરાયણના દિવસે ગુજરાતમાં 5439 પક્ષીઓ ઘાયલ થયા, 4939 પક્ષીઓનો જીવ બચાવવામાં સફળતા
ગુજરાતમાં ઉત્તરાયણના પર્વ દરમિયાન પતંગની જીવલેણ દોરીથી ઈજાગ્રસ્ત થયેલા પક્ષીઓ માટે 'કરુણા અભિયાન' આશીર્વાદરૂપ સાબિત થયું છે. રાજ્યભરમાં આ અભિયાન હેઠળ હજારો પક્ષીઓને બચાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.

ગાંધીનગરથી મળતી માહિતી મુજબ, ૧૪ જાન્યુઆરીના રોજ ઉત્તરાયણના દિવસે સમગ્ર રાજ્યમાં કુલ ૫,૪૩૯ ઈજાગ્રસ્ત પક્ષીઓ સારવાર માટે આવ્યા હતા. જેમાં વન વિભાગ અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા સઘન બચાવ કામગીરી હાથ ધરાઈ હતી.
રાહતની વાત એ છે કે, સારવાર હેઠળ આવેલા પક્ષીઓમાંથી ૪,૯૩૭ પક્ષીઓનો જીવ બચાવવામાં સફળતા મળી છે. આમ કરુણા અભિયાનના માધ્યમથી અંદાજે ૯૧ ટકા જેટલા પક્ષીઓને નવજીવન આપવામાં આવ્યું છે.
પતંગની કાચ પાયેલી દોરી ઝાડમાં કે અન્ય જગ્યાએ ફસાઈ જવાના કારણે પક્ષીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોય છે. આ સમસ્યાને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર દ્વારા ખાસ એક્શન પ્લાન બનાવાયો છે.
સરકારી તંત્ર, ખાનગી પશુચિકિત્સકો અને સ્વયંસેવી સંસ્થાઓના સહયોગથી આ અભિયાન ૨૦ જાન્યુઆરી સુધી કાર્યરત રહેશે. રાજ્યના વિવિધ કેન્દ્રો પર પક્ષીઓની સારવાર અને સંગ્રહ માટે ખાસ વ્યવસ્થા ઉભી કરાઈ છે.












Click it and Unblock the Notifications
