• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Excl : ભાજપની ડબલ હૅટ્રિક, તો કોંગ્રેસનું ‘તેરમું’

By Kanhaiya
|

અમદાવાદ, 22 ડિસેમ્બર : એક હિન્દી ફિલ્મના ગીતની કડી ‘બેગાની શાદી મેં અબ્દુલ્લા દીવાના...' ગુજરાત કોંગ્રેસ ઉપર બંધબેસતી આવે છે. અમદાવાદમાં પાલડી ખાતે આવેલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ (જીપીસીસી) મુખ્યાલયે સામાન્ય રીતે આતશબાજી અને મિઠાઇઓ વહેંચાય છે, તો આ ગીતની કડી અનાયાસે જ યાદ આવી જાય છે. કોઈ ચૂંટણીગત વિજયને અંગે આ પ્રકારની આતશબાજી જીપીસીસી મુખ્યાલયે છેલ્લી વાર 9મી ડિસેમ્બર, 2009ના રોજ થઈ હતી. કદાચ આજે તો કોંગ્રેસવાળાઓને પણ યાદ નહીં હોય કે તે આતશબાજી કેમ કરાઈ હતી અને કેમ મિઠાઈ વહેંચાઈ હતી. અમે યાદ અપાવી દઇએ. 9મી ડિસેમ્બર, 2009 સોમવારનો એ દિવસ હતો કે જ્યારે દેશના ત્રણ રાજ્યો દિલ્હી, રાજસ્થાન અને મિઝોરમ વિધાનસભાની ચૂંટણીઓમાં કોંગ્રેસને બહુમતી મળી હતી અને જીપીસીસી મુખ્યાલયે જશ્ન ઉજવાયો હતો.

પરંતુ આખરે અહીં ક્યારે વાગશે શરણાઈ? કોંગ્રેસના નેતાઓને એ દિવસ યાદ નહીં હોય. બીજાઓ કે ભલે પછી તેઓ પોતાના પક્ષના નેતાઓ હોય, તેમના વિજયની ઉજવણી કરનાર કોંગ્રેસ નેતાઓ માટે આ દુર્ભાગ્ય જ કહેવાશે કે પછી સબક કે તેમને ગુજરાતમાં વિજય નસીબ ન થતો અને ઉજવણી કરવાનો તો પ્રશ્ન જ ઊભો નથી થતો.

કોંગ્રેસને ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012માં 61 બેઠકો મળી છે અને આ સાથે જ ફરી એક વાર તેને ગુજરાતમાં હારનો સામનો કરવો પડ્યો છે, પરંતુ હવે હારની ચર્ચા કરતાં-કરતાં લોકો અને નિરાશામાં ગરકાવ થયેલ કોંગ્રેસ નેતાઓ પણ ભૂલી ગયાં છે કે ગુજરાતમાં તેમની હારનો આ સિલસિલો ટુંકો નથી, પણ ખૂબ લાંબો થતો જાય છે.

સામાન્ય રીતે એક કહેવત પ્રચલિત છે કે કોઈકની સરખામણીમાં ઓગણીસ સાબિત થવાનો મતલબ છે 40માંથી એક ને 21 અને બીજાને 19 નંબર મળવાં. આ જ હાલત ગુજરાત કોંગ્રેસની છે. જો હકીકતમાં આંગળીના વેઢે ગણવા બેસીએ, તો જણાય છે કે ગુજરાતમાં ભાજપ સામે બાથ ભીડતાં કોંગ્રેસ લોકસભા-વિધાનસભા ચૂંટણીઓમાં સતત તેરમી વાર ઓગણીસ સાબિત થયો છે, તો બીજી બાજુ વિધાનસભાની બાબતમાં નરેન્દ્ર મોદીએ ત્રીજી વાર જીતી હૅટ્રિક નોંધાવી છે, તો ભાજપ આ બાબતમાં ડબલ હૅટ્રિક નોંધાવી ચુક્યો છે.

1989થી કાઉંટડાઉન : 24માંથી 3

હકીકતમાં કોંગ્રેસનું કાઉંટડાઉન શરૂ થયું 1989થી. લાલકૃષ્ણ અડવાણી દ્વારા કાઢવામાં આવેલ રામરથયાત્રાએ દેશના અનેક ભાગોમાં હિન્દુત્વની લહેર દોડાવી અને ગુજરાત જાણે આ લહેરનું નેતૃત્વ કરતુ હતું. 1984માં ઇંદિરા ગાંધીની હત્યા બાદ વ્યાપ્ત સહાનુભૂતિ લહેર દરમિયાન થયેલ લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસને 26માંથી 24 જેટલી ભારે બેઠકો મળી. ભાજપમાંથી એકમાત્ર એ. કે. પટેલ મહેસાણા બેઠક ઉપરથી જીત્યાં, જ્યારે સાબરકાંઠાની એક બેઠક જનતા પક્ષના એચ. એમ. પટેલના ખાતામાં ગઈ. માટે કહી શકાય કે 1984માં કોંગ્રેસ અર્શ (આસમાન) પર હતી, તો 1985માં પણ ઇંદિરા લહેર વચ્ચે થયેલ વિધાનસભા ચુંટણીમાં કોંગ્રેસે 182માંથી વિક્રમી 149 બેઠકો હાસલ કરી, પરંતુ પછી ફરી વળી રામ લહેર અને કોંગ્રેસનું વહાણ ગડથોલિયું ખાવા લાગ્યું અને આજ સુધી બેઠું ન થઈ શક્યું. રામ લહેર વચ્ચે 1989માં થયેલ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ 24માંથી સંકોચાઈ 3 ઉપર આવી ગઈ. આ ચુંટણીમાં ભાજપ (12) અને જનતા દળ (11) યુતિને 23 બેઠકો હાસલ થઈ. કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગયાં.

અને 149માંથી 33

આખા ગુજરાતમાં રામ લહેર ફરી વળી હતી અને આ જ રામ લહેરના ઓછાયા હેઠળ 1990માં થયેલ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને ઐતિહાસિક પરાજયનો સામનો કરવો પડ્યો. જે કોંગ્રેસે ઇંદિરા લહેરમાં વિક્રમી 149 બેઠકો જીતી હતી, પાંચ વરસ બાદ જ રામ લહેરમાં તે કોંગ્રેસ અર્શ ઉપરથી ફર્શ ઉપર પટકાઈ અને 33 બેઠકો પર સંકોચાઈ ગઈ. ભાજપ (67) તથા જનતા દળ (70) યુતિને બહુમતી મળી. આ સાથે જ યુતિ સરકાર તરીકે ભાજપ પ્રથમ વાર ગુજરાતમાં સત્તા ઉપર આવ્યો. આ તેની પ્રથમ ચુંટણીગત સફળતા હતી.

ચિમનભાઈનો સાથ પણ ન ઉગારી શક્યો

રામ લહેરે રાષ્ટ્રીય રાજકારણમાં પણ ઉથલ-પાથલ મચાવી અને બિહારમાં અડવાણીની ધરપકડ બાદ ભાજપે કેન્દ્રમાં વી. પી. સિંહની સરકારમાંથી ટેકો પાછો ખેંચી લીધો અને બે વરસની અંદર જ 1991માં લોકસભાની મધ્યસત્ર ચુંટણી આવી પડી. રામ લહેર પર સવાર ભાજપ હવે જનતા દળથી જુદો પડી ચુક્યો હતો અને તેણે આ ચુંટણી એકલા હાથે લડી, તો ચિમનભાઈ પટેલ કોંગ્રેસના શરણે જઈ ચુક્યા હતાં. આ ચુંટણીમાં ચિમનભાઈનો સાથ લેવા છતાં જનતા દળની વોટ બૅંક કોંગ્રેસ હાથવગી ન કરી શકી અને ભાજપને 26માંથી 20 બેઠકો મળી, તો કોંગ્રેસ 5 બેઠકો સાથે ગત ચુંટણી કરતાં બે બેઠકોનો વધારો કરી શકી. આ રીતે કોંગ્રેસ સતત ત્રીજી ચુંટણીમાં ભાજપ કરતાં ઓગણીસ જ રહી.

પ્રથમ વાર ભગવો લહેરાયો

ગુજરાતના કોંગ્રેસ પ્રત્યે જોરદાર વિરોધ છતાં કેન્દ્રમાં તો નરસિંહ રાવના નેતૃત્વ હેઠળ કોંગ્રેસની સરકાર રચાઈ, પરંતુ ગુજરાતમાં ભાજપ પ્રત્યે અને કોંગ્રેસ વિરુદ્ધ લહેર શમી નહોતી અને 1995માં ગુજરાતની પ્રજાએ કોંગ્રેસને પૂર્ણત્વે નકારી કાઢી. 1990માં ભાજપ-જનતા દળ યુતિને બહુમતી આપ્યા છતાં રાજકીય અસ્થિરતાનો ભોગ બનેલ ગુજરાતે આ ચુંટણીમાં પહેલી વાર ભાજપને 121 બેઠકો સાથે પૂરી બહુમતી આપી. આ ભાજપની વિધાનસભા ચૂંટણીમાં બીજો વિજય હતો, તો કોંગ્રેસ સતત ચોથી વાર ભાજપ કરતાં ઓગણીસ સાબિત થઈ હતી. આ ચુંટણીમાં તેને ગત ચુંટણી કરતાં 11 બેઠકો વધુ એટલે કે 45 બેઠકો મળી હતી. કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા હતાં.

કોંગ્રેસમાં સુધારો, પણ ઓગણીસમાંથી ન મળ્યો છુટકારો

કેન્દ્રમાં નરસિંહ રાવ સરકારનો કાર્યકાળ પૂર્ણ થયો અને 1996માં લોકસભા ચૂંટણી આવી. આ ચૂંટણીમાં રાજ્યની કેશુભાઈ પટેલ સરકાર કસોટીએ હતી, પણ તેઓ કસોટીએ પાર ન ઉતરી શક્યાં. રાજ્યમાં પ્રજાએ કોંગ્રેસને 10 બેઠકો આપી ભાજપ અને કેશુભાઈ સરકાર સામે સવાલો ઊભા કરી નાંખ્યાં. જોકે કોંગ્રેસે આ ચૂંટણીમાં ત ચુંટણી કરતાં ડબલ બેઠકો જીતી પોતાના પ્રદર્શનમાં સુધારો તો કર્યો, પણ ભાજપની 16 બેઠકો સામે તે ઓગણીસ જ રહી.

રાજકીય અસ્થિરતાનો ભોગ

1998 ગુજરાત અને દેશ માટે રાજકીય અસ્થિરતાનો વર્ષ હતો. 1996માં ત્રિશંકુ લોકસભાના પગલે કેન્દ્રમાં પ્રથમ તેર દિવસ ચાલેલ બાજપાઈ સરકાર, પછી કોંગ્રેસના ટેકા વાળી દેવેગોડા સરકાર અને પછી ગુજરાલ સરકારનું નાટક ચાલ્યું, તો ગુજરાતમાં શંકરસિંહ વાઘેલાના બળવાના પગલે બે તૃત્યાંશ બહુમતી વાળી ભાજપ સરકારમાં પણ કેન્દ્રની પેઠે નાટક ચાલ્યું. કેશુભાઈ પટેલને હટાવી સુરેશ મહેતાને મુખ્યમંત્રી બનાવાયાં. પછી વાઘેલાએ ભાજપના ધારાસભ્યોને તોડી કોંગ્રેસના ટેકાથી પોતાની સરકાર રચી. પછી કોંગ્રેસના વિરોધના પગલે વાઘેલાના સ્થાને દિલીપ પરીખને મુખ્યમંત્રી બનાવાયાં. આ રીતે કેન્દ્ર અને ગુજરાતમાં જોરદાર રાજકીય અસ્થિરતાના પરિપાક રૂપે 1998માં લોકસભા અને વિધાનસભાની મધ્યસત્ર ચૂંટણીઓ એક સાથે આવી પડી. આ ચુંટણીઓમાં ભાજપે વિધાનસભાની 117 બેઠકો જીતી હૅટ્રિક નોંધાવી, તો કોંગ્રેસ માત્ર 53 બેઠકો હાસલ કરી શકી. કેશુભાઈ પુનઃ મુખ્યમંત્રી બન્યાં. ત્રીજા પરિબળ તરીકે વાઘેલાના રાષ્ટ્રીય જનતા પક્ષને માત્ર 4 બેઠકો મળી અને વધુમાં મુખ્યમંત્રી દિલીપ પરીખ પોતે પણ ચૂંટણી હારી ગયાં. વાત લોકસભાની કરીએ, તો કોંગ્રેસને માત્ર 7 બેઠકો મળી કે જે ગત ચુંટણી કરતાં 3 ઓછી હતી, તો ભાજપ 3 બેઠકોના ફાયદા સાથે 19 બેઠકો પર વિજયી રહ્યો. આ રીતે કોંગ્રેસ પાંચમી વખત ઓગણીસ સાબિત થઈ.

બાજપાઈ લહેરનો વાર

પછી આવી 1999ની લોકસભા ચુંટણી. આ વખતે રામ લહેર થોડીક શાંત થઈ ગઈ હતી અને તેર દિવસ તથા તેર માસ જ સરકાર ચલાવી શકનાર અટલ બિહારી બાજપાઈને ફરી વડાપ્રધાન બનાવવાનું ઝનુન ગુજરાતમાં દેખાયું. બાજપાઈ લહેરનો વાર કોંગ્રેસ ઝીલી ન શકી. આ ચૂંટણીમાં પણ ભાજપને ગત ચુંટણી કરતાં એક વધુ એટલે 20 બેઠકો મળી, તો કોંગ્રેસને એક બેઠકના નુકસાન સાથે 6 બેઠકો મળી. આ રીતે આ ચુંટણી કોંગ્રેસની 8મી ઓગણીસી સાબિત થઈ.

હવે મોદીનો પ્રહાર

કેશુભાઈ પટેલ સરકારની નબળાઇઓ કોંગ્રેસની શક્તિ બને, તે પહેલા ભાજપ હાઈકમાંડ ચેતી ગયું અને તેણે 2003માં આવનાર વિધાનસભા ચુંટણી પહેલાં જ નરેન્દ્ર મોદીને મુખ્યમંત્રી બનાવી દીધાં. 7મી ઑક્ટોબર, 2001ના રોજ કેશુભાઈના સ્થાને મુખ્યમંત્રી બનનાર મોદી એટલી ઝડપથી છવાયાં કે કોંગ્રેસને કંઇજ સુઝ્યું જ નહીં. મોદીએ 26મી ફેબ્રુઆરી, 2002ના રોજ પોતાના જીવનની પ્રથમ પેટા ચૂંટણી રાજકોટ-2 વિધાનસભા મત વિસ્તારમાંથી જીતી અને બીજા જ દિવસે ગોધરા કાંડ થયું. પછી જે રમખાણો થયાં અને પછી જે સામ્પ્રદાયિક ધ્રુવીકરણ થયું, તે કોઈનાથી છાનું નથી. મોદીએ પણ આ પરિસ્થિતિનો રાજકીય ફાયદો ઉઠાવવા વિધાનસભા સમય કરતાં પહેલા ભંગ કરી અને ડિસેમ્બર-202માં ચૂંટણી આવી ગઈ. સામ્પ્રદાયિક ધ્રુવીકરણના વાવાઝોડામાં કોંગ્રેસના હાલ-બેહાલ થઈ ગયાં. ભાજપને 127 બેઠકો અપાવી મોદી પ્રથમ વાર જન-નિર્વાચિત મુખ્યમંત્રી બન્યાં અને કોંગ્રેસની બેઠકો એક્યાવને રોકાઈ ગઈ. આ ભાજપની વિધાનસભા ચુંટણીમાં ચોથી અને મોદીની પ્રથમ જીત હતી, તો કોંગ્રેસની 9મી ઓગણીસી હતી.

શક્તિ વધી, પણ દિશા ન મળી

2004માં લોકસભા ચૂંટણી આવી. રાષ્ટ્રીય કક્ષાએ બાજપાઈ સરકારની ઇંડિયા શાઇનિંગની ઝાકઝમાળ તથા રાજ્યમાં મોદીની લોકપ્રિયતા કસોટીએ હતી, પરંતુ પ્રજાએ બંને સામે પ્રશ્નાર્થ ઊભો કરી ભાજપને 6 બેઠકોના નુકસાન સાથે 14ને આંકડે લાવી મુકી, તો કોંગ્રેસ 6ના વધારા સાથે 12 બેઠકોએ પહોંચી ગઈ. હવે લાગવા લાગ્યું કે ગુજરાતમાં ભાજપને અને મોદીના વળતા પાણી છે. જોકે આ ચુંટણીમાં પણ કોંગ્રેસ ભાજપ કરતાં ઓગણીસ જ રહી. ગુજરાતમાં વધેલી શક્તિ વચ્ચે કેન્દ્રમાં બાજપાઈ સરકારનું પતન અને મનમોહન સરકારનો ઉદય પણ થયો, પરંતુ આ વધેલ શક્તિને દિશાની જરૂર હતી કે જે કદાચ કોંગ્રેસ ઉપલબ્ધ ન કરાવી શકી.

ફરી વધ્યો મોદીનો કદ

લોકસભા ચૂંટણી 2004માં મોદીના નબળા દેખાવ બાદ કોંગ્રેસને લાગતુ હતું કે તે વિધાનસભા ચુંટણી 2007માં મોદીને પરાસ્ત કરી દેશે. આ વખતે કેન્દ્રમાં બેઠેલી તેમની સરકારનું પણ પીઠબળ હતું, પરંતુ 2004ના નબળા દેખાવથી પાઠ ભણતાં મોદી મજબૂત થઈ ઉપસ્યાં. આ ચૂંટણીમાં સામ્પ્રદાયિક ધ્રુવીકરણ તથા વિકાસના મિશ્ર ટેકાએ મોદીને સતત બીજી વાર બહુમતી અપાવી. ભાજપને આ ચુંટણીમાં 117 બેઠકો મળી, તો કોંગ્રેસે 57 બેઠકો સાથે સંતોષ માનવો પડ્યો. આ કોંગ્રેસની 11મી ઓગણીસી હતી, તો ભાજપની વિધાનસભા ચૂંટણીમાં સતત પાંચમી જીત હતી.

વધુ એક તક મળી

2007માં મોદી સમક્ષ માત ખાઈ ચુકેલ કોંગ્રેસને 2009ની લોકસભા ચૂંટણીમાં પ્રજાએ ફરી બેઠી થવાની તક આપી. આ ચૂંટણીમાં મુકાબલો મોદીની લોકપ્રિયતા અને મનમોહનની સ્વીકાર્યતા વચ્ચે હતો. ચુંટણી ઘમાસાણ બાદ ભાજપની બેઠકો 2004 કરતાં એક વધી 15 તો થઈ, પરંતુ તે મોદીના કદ પ્રમાણે ઓછી હતી, તો કોંગ્રેસ એક સીટના ઘટાડા સાથે 11 બેઠક મેળવ્યા છતાં એવા કેફમાં રહી કે રાજ્યમાં મોદી એટલા લોકપ્રિય નથી રહ્યાં કે તેઓ ભાજપને 26માંથી 20 બેઠકો પણ અપાવી શકે. ભાજપને 15 બેઠકો જ આપી પ્રજાએ કોંગ્રેસને બેઠી થવાની વધુ એક તક આપી. દેશમાં પણ મનમોહન સિંહ સરકાર પરત ફરી. આ રીતે આ ચૂંટણી કોંગ્રેસ માટે 12મી વખત ભાજપ કરતાં ઓગણીસ જ સાબિત થઈ.

મોદીની હૅટ્રિક, કોંગ્રેસની 13મી ઓગણીસી

આખરે 2012નો ગદર આવી જ ગયો. કોંગ્રેસને આ વખતે લાગતું હતું કે મોદી વિરુદ્ધ રાજ્યમાં વ્યાપક અસંતોષ છે અને આ વખતે મોદી રૂપી અભેદ્ય કિલ્લો તોડવામાં તે સફળ રહેશે, પરંતુ સતત ત્રીજી વાર કોંગ્રેસ મોદી સામે વગર નેતૃત્વે ઉતરી. લોકસભામાં તો પ્રજાને કેન્દ્રીય કક્ષાએ કોંગ્રેસનું નેતૃત્વ સ્પષ્ટ ભાસતુ હતું, પરંતુ વિધાનસભા ચૂંટણીની બાબતમાં પ્રજા સમક્ષ કોંગ્રેસ સક્ષમ વિકલ્પ રજૂ કરી શકી નહીં અને ફરી એક વાર તેણે હારનો સામનો કરવો પડ્યો. આ વખતે તેની બેઠકો 61ના રેકૉર્ડ સ્તરે તો પહોંચી, પણ ગુજરાતમાં ભાજપની સરખામણીમાં તેની આ 13મી ઓગણીસી રહી. મોદીએ હૅટ્રિક નોંધાવી, તો ભાજપ માટે વિધાનસભા ચૂંટણીમાં આ છઠી જીત સાથે ડબલ હૅટ્રિક રહી.

ચૂંટણી વર્ષ કોંગ્રેસ ભાજપ અન્ય

લોકસભા 1989 3 12 11

વિધાનસભા 1990 33 67 72

લોકસભા 1991 5 20 1

વિધાનસભા 1995 45 121 18

લોકસભા 1996 10 16 -

લોકસભા 1998 7 19 -

વિધાનસભા 1998 53 117 12

લોકસભા 1999 6 20 -

વિધાનસભા 2002 51 127 4

લોકસભા 2004 12 14 -

વિધાનસભા 2007 59 117 6

લોકસભા 2009 11 15 -

વિધાનસભા 2012 61 115 6

English summary
Narendra Modi's BJP have posted its double hattrick in Gujarat Assembly Election, where as Congress got 13th defeat here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X