બુલેટ ટ્રેન: શિલાન્યાસમાં નરેન્દ્ર મોદીના ભાષણના મુખ્ય મુદ્દા

Written By:
Subscribe to Oneindia News

ગુરૂવારે સવારે અમદાવાદના સબારમતી એથલિટ ગ્રાઉન્ડ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબેએ મુંબઇ અમદાવાદ હાઇ સ્પીડ રેલ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. આ યોજના વર્ષ 2022-23 સુધીમાં પૂર્ણ થવાની આશા છે. આ પ્રસંગે ગુજરાત ભાજપના તમામ મુખ્ય નેતાઓની સાથે જ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ હાજર રહ્યા હતા. અમદાવાદ મુંબઇ બુલેટ ટ્રેનના નામે વધુ જાણીતા આ પ્રોજેક્ટના શિલાન્યાસ બાદ વડાપ્રધાન શિન્ઝો આબે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું હતું. અહીં શિન્ઝો આબેના ભાષણમાં પીએમ મોદીની છાંટ જોવા મળી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હંમેશ મુજબ પોતાના ભાષણમાં અનેક વાતોને આવરી લીધી હતી. તેમના ભાષણના મુખ્ય મુદ્દાઓ વાંચો અહીં...

બૂલેટ ટ્રેન યોજના

બૂલેટ ટ્રેન યોજના

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણની શરૂઆતમાં જાપાનના પીએમ શિન્ઝો આબેના ભાવભીના સ્વાગત બદલ ગુજરાતી પ્રજાનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, 'આ ન્યૂ ઇન્ડિયા અને તેના સપનાનો વિસ્તાર છે. આ એક એવી યોજના છે, જે ઝડપની સાથે ઝડપી પ્રગતિ અને ઝડપી ટેક્નોલોજીના માધ્યમથી ઝડપી પરિણામ આપશે. આ પ્રોજેક્ટમાં સુવિધા અને સુરક્ષાનો સમન્વય છે, તે હ્યુમન ફ્રેન્ડલી અને ઇકો ફ્રેન્ડલી છે. એનાથી રોજગારમાં પણ વધારો થશે.'

જાપાન અને શિન્ઝો આબેને આપ્યો શ્રેય

જાપાન અને શિન્ઝો આબેને આપ્યો શ્રેય

'આજે આટલા ઓછા સમયમાં આ યોજનાનું ભૂમિ પૂજન થઇ રહ્યું છે, તેનો મોટો શ્રેય શ્રી શિન્ઝો આબેના ફાળે જાય છે. કોઇ તમને વગર વ્યાજની લોન આપવાની વાત કહે અને 10-20 વર્ષ પછી ચૂકવવાનું કહે, તો તમે કદાચ જ વિશ્વાસ કરશો. જાપાન ભારતનું એવું મિત્ર છે, જેણે આ યોજના માટે ભારતને 88 હજાર કરોડની લોન 0.1 ટકાના નજીવા દરે આપવાનો વાયદો કર્યો છે. જાપાનની મદદથી આ યોજના લગભગ મફતમાં જ શરૂ થઇ રહી છે, એમ પણ કહી શકાય. શિન્ઝો આબેએ આ યોજનામાં વ્યક્તિગત રસ લઇ તેમાં કોઇ ખામી ન રહે એ વાત સુનિશ્ચિત કરી છે. ટેક્નોલોજી અને આર્થિક ક્ષેત્રે આ યોજનામાં મદદ બદલ હું જાપાનનો ખૂબ આભાર માનું છું.'

દેશની પ્રગતિમાં પરિવહન ક્ષેત્રનો ફાળો

દેશની પ્રગતિમાં પરિવહન ક્ષેત્રનો ફાળો

'અમેરિકામાં રેલવે શરૂ થયા બાદ તેનો ઘણો આર્થિક વિકાસ થયો હતો. જાપાને પણ બીજા વિશ્વયુદ્ધ બાદ ઘણી આકરી પરિસ્થિતિનો સામનો કર્યો છે, ગરીબીનો સામનો કર્યો છે. બુલેટ ટ્રેનની યોજના આવ્યા બાદ જાપાનના અર્થતંત્રમાં પણ ઘણો વિકાસ થયો છે. દેશના વિકાસમાં પરિવહન ક્ષેત્રનો ફાળો ઘણો મોટો છે. મુંબઇ-અમદાવાદ રૂટ પર નવી ઇકોનોમિક સિસ્ટમ વિકસિત થઇ રહી છે. એ વિસ્તાર એક સિંગલ ઇકોનોમિક ઝોનમાં પરિવર્તિત થનાર છે.'

ગરીબોના સશક્તિકરણ માટે ટેક્નોલોજીનો ઉપયોગ

ગરીબોના સશક્તિકરણ માટે ટેક્નોલોજીનો ઉપયોગ

'મારું માનવું છે કે, ટેક્નોલોજી સૌ માટે છે. ટેક્નોલોજીનો ખરો લાભ ત્યાર જ મળ્યો કહેવાય જ્યારે દેશનો સામાન્ય નાગરિક પણ તેનો ઉપયોગ કરી શકે. આપણે જાપાન પાસેથી આ ટેક્નોલોજી લઇ રહ્યાં છીએ. આ ટેક્નોલોજી ટ્રાન્સફરથી રેલવે સિવાય ટેક્નિશિયન્સ, મેન્યુફ્રેક્ચરર્સને પણ ફાયદો થશે. એક રીતે આખા રેલવે નેટવર્કને તેનો ફાયદો મળશે.'

વડોદરામાં ટ્રેનિંગ સેન્ટર

વડોદરામાં ટ્રેનિંગ સેન્ટર

'આ યોજના પોતાની સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારની હજારો તકો સાથે લઇને આવી છે. આનાથી મેક ઇન ઇન્ડિયા અને સ્કિલ ઇન્ડિયાને મજબૂતી મળશે. આ ટેક્નોલોજી આપણે ભલે જાપાન પાસેથી લઇ રહ્યાં છીએ, પરંતુ તેનું સંપૂર્ણ સંચાલન ભારત અને ગુજરાતના સ્કિલ્ડ યુવાઓ દ્વારા કરવામાં આવશે. આ માટે વડોદરા ખાતે હાઇ સ્પીડ રેલ ટ્રેનિંગ સેન્ટર ખોલવામાં આવ્યું છે, જ્યાં યુવાનોને આ ટેક્નોલોજી અંગે સમજ આપવામાં આવશે અને તેના સંચાલનની ટ્રેનિંગ આપવામાં આવશે.'

English summary
PM Narendra Modi addresed the nation during the inauguration of mumbai ahmedabad high speed rail project. Read the main points in Gujarati.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.