ઓખા અને બેટ દ્વારકા વચ્ચે બનશે કેબલ બ્રીજ: નીતિન પટેલ
ગાંધીનગર રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. જે અંતર્ગત રૂ. 962 કરોડ રૂપિયાના ખર્ચે ઓખા-બેટ દ્વારકા વચ્ચે કેબલ સ્ટેડ સીગ્નેચર બ્રીજ બનશે તેવી જાહેરાત કરવામાં આવી છે અને તેની કામગીરી 30 મહિનામાં પૂર્ણ થશે તેવુ પણ જણાવ્યુ હતું. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે આ અંગે વિગતો આપતા કહ્યું કે, રાષ્ટ્રીય ધોરી માર્ગ-૫૧ ઉપર ઓખા અને બેટ દ્વારકાને જોડતા સમુદ્ર પર 3.73 કિ.મી. લંબાઇના ચાર માર્ગીય કેબલ સ્ટેડ સીગ્નેચર બ્રીજનું નિર્માણ કરવામાં આવશે. જેથી બેટ દ્વારકા ખાતે દર્શનાર્થે આવતા યાત્રાળુઓ અને બેટ દ્વારકાના નાગરિકોને અવર-જવરમાં રાત-દિવસ સુગમતા રહેશે.
બ્રીજ વિશે વધુ માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે, આ બ્રીજ 27.20 મીટર પહોળો બનશે. જેમાં ચાર માર્ગીય રસ્તાની સાથો સાથ બંને બાજુએ 2.5 મીટર પહોળો ફૂટપાથ તથા સ્ટ્રીટ લાઇટ નંખાશે. ફૂટપાથ ઉપર સોલાર પેનલ લગાવાશે. તેનાથી 1 મેગાવોટ વીજળી ઉત્પાદન થશે. આ બ્રીજના બનવાથી ઓખા બાજુની લંબાઇ 309 મીટર અને બેટ દ્વારકા બાજુની લંબાઇ 1101 મીટરની રહેશે. બ્રીજના પોર્શનની લંબાઇ 2.32 કિ.મી. રહેશે. વચ્ચેનો 900 મીટરનો કેબલ સ્ટેડ બ્રીજ બનશે. ત્રણ ગાળા પૈકી વચ્ચેનો ગાળો 500 મીટરની લંબાઇનો બનશે. જે ભારતમાં સૌથી મોટો હશે. જેમાં 150મીટર ઊંચા બે પાયોલોન બનશે. તે સિવાય બાજુમાં બંને સાઇડ 13-13ગાળા 50 મીટરની લંબાઇના રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વાર્ષિક 20 લાખથી વધુ યાત્રાળુઓ બેટ દ્વારકાના દર્શન માટે આવે છે. ત્યારે તેમને ફરજીયાત હોડી દ્વારા દર્શનાર્થે જવુ પડે છે. સાથે સાથે બેટ દ્વારકાના 8500ની વસ્તીને પણ ઓખા આવવા-જવા માટે હોડીઓનો ઉપયોગ કરવો પડે છે. બેટ દ્વારકાના આ પવિત્ર મંદિરના મહત્વને ધ્યાનમાં રાખીને ભારત સરકારના મંત્રાલય દ્વારા ઓખા અને બેટ દ્વારકાને જોડવા માટે રૂા.962 કરોડના ખર્ચે કેબલ સ્ટેડ સીગ્નેચર બ્રીજનું નિર્માણ કરવા માટે કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે. આ કામગીરી 30 માસના ગાળામાં પૂર્ણ કરવાનું રાજ્ય સરકારનું આયોજન છે. દ્વારકા લખો ભક્તોનું આસ્થાનું પ્રતીક છે ત્યારે સરકારના આ નિર્ણયથી ભક્તોને ઘણો ફાયદો થશે.